ઉપલેટાની મોજ નદીમાં વાડલા-સેવંત્રા ગામ વચ્ચેના તૂટેલા ચેકડેમ પાસે નહાવા પડેલા આશાસ્પદ યુવકનું ડૂબી જતાં થયું મોત
પાણીમાં ડૂબેલ યુવકની લાંબી શોધખોળ બાદ મોડી રાત્રે મૃતદેહ મળી આવ્યા બાદ મૃત્યુ અંગે પોલીસ તપાસ શરૂ કરાઈ
(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ઉપલેટામાં એક ગોઝારી દુર્ઘટના સામે આવી છે જેમાં ઉપલેટા તાલુકાના વાડલા-સેવંત્રા ગામ વચ્ચેના તૂટેલા ચેકડેમ પાસે મોજ નદીમાં નહાવા પડેલા ઉપલેટાના એક આશાસ્પદ યુવકનું પાણીના પ્રવાહમાં ડૂબી જતાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. રવિવારે બપોરે ઘરેથી નીકળ્યા બાદ આ યુવક ગુમ હોવાથી પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી ત્યારબાદ આ પોલીસને જાણ કરવામાં આવતા ઉપલેટા તેમજ ભાયાવદર પોલીસ અને ઉપલેટા મામલતદાર તેમજ કચેરીનો સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી ગયો હતો. જો કે, લાંબી શોધખોળ બાદ અંતે યુવકનો મૃતદેહ મોદી રાત્રે હાથ લાગતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે ત્યારે ભાયાવદર પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર, ઉપલેટા શહેરમાં રહેતો ૨૫ વર્ષીય નિકુંજ હમીરભાઈ લુવા નામનો યુવક બપોરે મોજ નદી ખાતે નહાવા ગયા બાદ પરત ફર્યો નહોતો. જેને લઈને તેના પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી છતાં આ યુવકનો પતો નહીં લાગતા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારે આ યુવક લાપતા હોવાની માહિતી મળતા તંત્ર શોધખોળ કરવા માટે બનાવ સ્થળ પર દોડી આવ્યું હતું જ્યાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ શરૂ કરી હતી અને લાંબી શોધખોળ બાદ મોડીરાત્રે ચેકડેમના હેઠવાસના ભાગના પાણીમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઉપલેટા તાલુકાના વાડલા અને સેવંત્રા ગામ વચ્ચેનાં તૂટેલા ચેક ડેમના પાણીના પ્રવાહમાં ડૂબી જવાથી આ યુવકનું મોત થયું હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ યુવકનું મોત જે જગ્યાએ થયું છે તે જગ્યા પર આવેલ ચેકડેમ ગત દિવસોમાં પડેલા વરસાદ બાદ પૂરના કારણે તૂટ્યો હતો ત્યારે હાલમાં યુવકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી ઉપલેટા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. આ આશાસ્પદ યુવકનું મોત થતા તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. જો કે, આ મૃત યુવક સાથે અન્ય કોઈ હતું કે નહીં તે બાબતે તેમજ મોતની સમગ્ર ઘટના અંગે ભાયાવદર પોલીસ દ્વારા સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે હવે પોલીસની સંપૂર્ણ તપાસ પૂર્ણ થયા બાદ સાચી હકીકત સામે આવી શકે છે.
તસ્વિર/અહેવાલ:- આશિષ લાલાકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.