જયપુરમાં RSSના 10 લોકો પર જીવલેણ હુમલો:મંદિરમાં જાગરણ દરમિયાન છરાબાજીની ઘટના, રોષે ભરાયેલા લોકોએ દિલ્હી-અજમેર હાઈવે બ્લોક કર્યો
જયપુરના એક મંદિરમાં જાગરણ દરમિયાન ગુરુવારે રાત્રે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયેલા દસ લોકો પર છરી વડે હુમલો થયો હતો. ઘાયલોને એસએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાથી ગુસ્સે ભરાયેલા ટોળાએ દિલ્હી-અજમેર હાઈવે બ્લોક કરી દીધો હતો. પોલીસે વાતચીત કરીને રાત્રે લગભગ 1.30 વાગે જામ હટાવ્યો હતો. કરણી વિહાર પોલીસના જણાવ્યા અનુસાર, વિસ્તારના મંદિરમાં શરદ પૂર્ણિમાના અવસર પર ગુરુવારે રાત્રે 9 વાગ્યે જાગરણનો કાર્યક્રમ હતો. આ પછી પ્રસાદ ખીરનું વિતરણ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન પાડોશમાં રહેતા બે લોકોએ કાર્યક્રમ અંગે વાંધો ઉઠાવ્યો હતો. બોલાચાલી દરમિયાન તેણે સાગરીતોને બોલાવીને છરી વડે હુમલો કર્યો હતો. આરોપ- વાતાવરણ બગાડવાનું ષડ્યંત્ર
લોકોએ કહ્યું કે અમારો શાંતિપૂર્ણ કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જાણીજોઈને વાતાવરણ બગાડ્યું અને છરાબાજીની ઘટના બની હતી. રાત્રે જ સ્થળ પર વધારાનું પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું. હુમલાખોર નસીબ ચૌધરી અને તેના પુત્રને પોલીસે કસ્ટડીમાં લીધા છે. દરમિયાન અન્ય હુમલાખોરોની શોધ ચાલી રહી છે. પેટ અને છાતી પર છરી વડે ઘા માર્યા હતા
હુમલાખોરોએ લોકોના પેટ અને છાતી પર છરી વડે હુમલો કર્યો હતો. ઘાયલોમાં શંકર બાગરા, મુરારિલાલ, રામ પારીક, લખન સિંહ જાદૌન, પુષ્પેન્દ્ર અને દિનેશ શર્મા અને અન્યની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આરોપીઓની ધરપકડની માગ સાથે લોકોએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ પણ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર શુક્રવારે સવારે ઘટનાસ્થળે શાંતિ છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.