ડભોઈને ધર્મ પ્રિય અને સંસ્કારી દર્ભાવતિ નગરી બનાવવાનાં પ્રયાસો વચ્ચે બેખોફ બનેલાં બુટલેગરો દ્રારા ગલીએ ગલીએ નંબર પ્લેટ વગરનાં ટુ વ્હીલર વાહનોથી બેફામ ચાલતો નશાનો કારોબાર - At This Time

ડભોઈને ધર્મ પ્રિય અને સંસ્કારી દર્ભાવતિ નગરી બનાવવાનાં પ્રયાસો વચ્ચે બેખોફ બનેલાં બુટલેગરો દ્રારા ગલીએ ગલીએ નંબર પ્લેટ વગરનાં ટુ વ્હીલર વાહનોથી બેફામ ચાલતો નશાનો કારોબાર


રિપોર્ટ -નિમેષ સોની, ડભોઈ

( સ્થાનિક વહિવટી તંત્ર અને પોલીસ તંત્રની ચૂપકીદી સૂચક )

(ઉચ્ચ કુળનાં અને ખાદીધારી રાજકારણી પિતાનો પુત્ર બન્યો બુટલેગર)

(બુટલેગરોની તુમાખી - અમે એક સ્થાનિક નેતાનાં અંગત - પોલીસ અમારૂં કાંઈ ઉખાડી શકે નહીં...)

(હવે જોવું રહયું કે, રાજકીય પ્રેસર સામે પોલીસ કાર્યવાહી કરે છે કે નહીં ?)

છેલ્લા કેટલાક સમયથી ડભોઈ નગરમાં કેટલાક નિશ્વિત સ્થળો ઉપર નંબર પ્લેટ વગરનાં ટુ વ્હીલર વાહનોની અવરજવર વધતી જોવા મળી રહી છે, જાણકાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વાહનોનો ઉપયોગ ગેર કાનૂની વેપલો કરવા માટે આવી રહયો છે. પરંતુ સ્થાનિક વહિવટી તંત્ર અને પોલીસ તંત્ર આવાં વાહનચાલકો પ્રત્યે ઉદાસીનતા દાખવી રહયું હોવાથી આવો વેપલો કરતાં ઈસમોની જીગર ખૂલી જવા પામી છે અને તેઓ બેખોફ બન્યાં છે.
આ મુદ્દે નગરનાં કેટલાક જાણકાર સૂત્રોનું કહેવું છે કે, આ ટુ વ્હીલર વાહનોનો ઉપયોગ " ડોર ટુ ડોર અને હેન્ડ ટુ હેન્ડ" ભારતીય બનાવટનાં વિદેશી દારૂની ડિલિવરી કરવા માટે કરવામાં આવી રહયો છે. નગરમાં બુટલેગરોએ આ વેપલો ચાલુ રાખવા માટે તંત્રની આંખમાં ધૂળ નાખવા આ નવો કિમીયો અપનાવ્યો છે અને લબરમૂછિયા નવ યુવાનોનો વાહનચાલક તરીકે ઉપયોગ કરી આ બુટલેગરો દારૂની લતે ચઢેલાં લોકો સુધી પોતાનો માલ ખુલ્લેઆમ પહોંચાડી રહયાં છે અને તંત્ર સબ સલામતની ગુલબાંગો પોકારી રહયું છે. જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા પડે છે ત્યારે સ્થાનિક વહીવટીતંત્ર સજાગ થાય છે પણ ત્યારેબાદ જૈસે થે ની પરિસ્થિતિ સર્જાય છે.
આ બુટલેગરોનાં એજન્ટો ખુલ્લેઆમ ડિલિવરી કરતાં હોવાનાં દ્રશ્યો સાથેનાં વીડિયો નગરમાં ફરતાં થયાં છે અને દારૂબંધીના કડક અમલ બાબતે પણ અનેક સવાલો ઉભા થયાં છે. આ એજન્ટો નંબર પ્લેટ વગરનાં ખાસ કરીને જયુપીટર અને અન્ય કંપનીઓનાં મોટી ડેકી ધરાવતાં ટુ વ્હીલર વાહનો ઉપર ભારતીય બનાવટનાં વિદેશી દારુનો વેપલો પૂરજોશમાં ચલાવી રહયાં હોવાની ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ સ્થાનિક વહિવટી તંત્ર, પોલીસ તંત્ર અને રાજકીય આગેવાનો આ મુદ્દે ચૂપકીદી સેવી રહયાં છે અને મૂક પ્રેક્ષક બન્યાં હોવાથી આ બુટલેગરોની જીગર ખૂલી જવા પામી છે.
જાણવા મળતી માહિતી મુજબ, ડભોઈ નગરમાં આ ટોળકી નવયુવાન પેઢીને દારૂનાં દૂષણ તરફ ધકેલી રહી છે. ડભોઇ નગરનાં કેટલાક ચોકકસ વિસ્તારોમાં આ દૂષણના અડ્ડાઓ ફૂલ્યા ફાલ્યા હોય તેવા વીડિયો સામે આવ્યાં છે. આ બુટલેગરો તંત્રની રહેમ નજર હેઠળ જ આ વેપલો ચલાવી રહ્યાં હોય તેવું લાગી રહયું છે અને ડોર ટુ ડોર માલ પહોચાડી રહયાં છે. આ એજન્ટો નગરમાં નિશ્વિત સ્થાનો જેવાં કે, એસ.ટી. ડેપો થી જલારામ મંદિર તરફ જવાનાં માર્ગ ઉપર, રાધે કોમ્પલેક્ષની પાછળના ભાગે, રંગ ઉપવન પાસેની ગલીમાં, કૃષ્ણ ટોકીઝ નજીક, હાઈવે ઉપરની ફોરેસ્ટ કચેરી પાસે, તાલુકા પંચાયત પાસેની ગલીમાં, મોરવાલી જીન પાસે, શ્રીજી પાર્ક સોસાયટી પાસે ઓવરબ્રિજ નીચે, વડોદરી ભાગોળ અને એસટી ડેપો આસપાસનાં પાનના ગલ્લાઓ નજીક, નડા કેનાલ પાસે વગેરે જેવી જગ્યાઓએ અડીંગો જમાવી ખુલ્લેઆમ બેખોફ બની વેપલો ચલાવી રહયાં છે. આ એજન્ટો વાહનોની ડેકીમાં જરૂર પૂરતો માલ મૂકી હેરાફેરી કરે છે અને તેમના અડીંગાવાળી જગ્યાઓની નજીક બાવળીયાની ઝાડીઓમાં બીજો માલ છુપાવી રાખી વેપલો ચલાવે છે. આ ઉપરાંત કેટલાક સૂત્રોનું તો કહેવું છે કે, જો તંત્ર કડક કાર્યવાહી હાથ ધરે તો વેગા વાડીઓ, કૃષ્ણ ટોકીઝ નજીક આવેલ સરમન પાકૅ સોસાયટીનાં એક મકાનમાં, બેકીલ કંપાઉન્ડમાં અને કુંભાર વાગામાંથી આ બૂટલેગરોના ગોડાઉન ઝડપાઈ શકે તેમ છે. જો પોલીસ તંત્ર દ્વારા તીસરી આંખ સમાન સીસીટીવી કેમેરાના ફૂટેજોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવે તો, ડ્રોન કેમેરાનો ઉપયોગ કરે તો અને આવા નંબર પ્લેટ વગરનાં ટુ વ્હીલરોની ડેકીની કડકાઈપૂર્વક તલાસી લેવામાં આવે તો અને પોલીસ સ્ટેશનનો વહિવટ કરતાં વ્યક્તિનાં મોબાઈલની ડિટેઈલ મેળવવામાં આવે તો, જરૂરથી સત્ય સરળતાથી સામે આવે તેમ છે અને આવાં ધણાં બધાં ટુ વ્હિલર વાહનો ઝડપભેર ઝડપાઈ શકે તેમ છે. પરંતુ આ માટે સ્થાનિક તંત્રનો મક્કમ મનસૂબો જરૂરી છે. હાલ તો નગરમાં આ બુટલેગરોએ ફરીથી ખુલ્લેઆમ વેપલો શરૂ કરી દીધો છે અને થર્ટી ફસ્ટ ડિસેમ્બરને ધ્યાનમાં રાખીને પૂરતો સ્ટોક પણ કર્યો હોવાની ચર્ચાઓએ ભારે વેગ પકડ્યો છે.
આ ઉપરાંત વડોદરી ભાગોળ બહાર પોતાનું વર્ચસ્વ ધરાવતાં અને જલારામ મંદિર પાસેની એક સોસાયટીમાં રહેતો એક બુટલેગર, તેમજ કૃષણ ટોકિઝ નજીક એક સોસાયટીમાં રહેતાં પ્રતિષ્ઠિત છાપ સાથે જીવનભર ખાદીનાં વસ્રો ધારણ કરનાર ગાંધીવાદી પિતાનાં ઉચ્ચ કુળમાં જન્મેલ પુત્ર બુટલેગર બની પોતાનાં લબરમુછિયા એજન્ટોથી જોરશોરથી વેપલો ચલાવી રહયો હોવાનું જાણકાર સૂત્રો પાસેથી જાણવા મળી રહયું છે. નગરમાં કેટલાક તો નગરસેવક - સમાજ સેવક - સમાજ સુધારક અને સત્તાધારી રાજકીય પક્ષનાં કાર્યકર - હોદ્દેદારનો કામળો ઓઢી તેની આડમાં આવો નશીલો વેપલો ચલાવી રહયાં હોવાનું પણ જાણવા મળી રહયું છે. જયારે એક બુટલેગરના પિતાશ્રીએ પોતાનો જીવનકાળ રાજનીતિમાં ગુજારો ક્યોં છે. તેઓએ પોતાના સફેદ કપડાંને ક્યારે પણ ડાઘ લાગવા દિધો નથી. આવાં ઉચ્ચ કુળમાં જન્મ લીધેલ રાજકીય નેતાના પુત્રએ સ્વર્ગસ્થ પિતાની રાજકીય છબીને ડાધ લાગે તેવો કાળો વેપાર માંડી દિધો છે. શું આવો વેપલો કરતાં તત્વોને કોઈનો ડર જ નથી ? કે પછી, શું વહીવટી તંત્ર આવા તત્વોને પ્રોત્સાહન આપી રહયું છે ? કે પછી કોઈ પ્રેસર કામ કરી રહ્યું છે ? એ સત્ય તો સમય આવે અને સ્થાનિક પોલીસ તંત્ર નૈતિકતા અને નિષ્ઠાથી કડક કાર્યવાહી કરે તો જ સામે આવશે. એક તરફ આ જ બુટલેગરો નગરમાં ઠેર ઠેર ચચૉ કરી રહ્યા છે અને ખુલ્લી ધમકીઓ આપી રહયાં છે કે, અમે તો એક સ્થાનિક સત્તાધારી પક્ષનાં નેતાનાં અંગત છે અને અમે બધાને મોટાં હપ્તાઓ આપીએ છીએ, જેથી પોલીસ કે અન્ય કોઈ અમારૂં કાંઈ પણ બગાડી શકે નહીં. તો શું આવાં નેતાએ આવાં બુટલેગરોને છૂટો દોર આપ્યો છે ? જેવી ચચૉએ ભારે વેગ પકડ્યો છે. આવા બુટલેગરો ડભોઇને દભૉવતિ બનાવવા માટે સતત પ્રયત્નો કરી રહેલાં ધારાસભ્યના સ્વપ્નો ઉપર પાણી ફેરવી રહ્યા છે. ડભોઇ એક વિકાસની ગાથા સાથે સતત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, જયારે બીજી તરફ આવાં બેખોફ બુટલેગરો ગલીએ ગલીએ વિદેશી દારૂ વેચીને યુવા પેઢીને નશાના માર્ગે વાળી ખોખલી કરી રહયાં છે અને ખૂલ્લેઆમ વેપલો કરતાં નજરે પડે છે. પરંતુ હાલ તો નગરજનો આશા સેવી રહયાં છે કે, આવાં તત્વો સામે સ્થાનિક પોલીસ તંત્ર અને જરૂર પડે સ્ટેટ મોનિટરીંગ સેલ કે રાજયનો ગૃહ વિભાગ ચોક્કસ કડક કાર્યવાહી હાથ ધરશે જ.


9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.