સંસદ સત્રનો 18મો દિવસ:આંબેડકર મામલે સંસદમાં હોબાળો, કોંગ્રેસે જય ભીમના નારા લગાવ્યા; ભાજપે કહ્યું- ઢોંગ કરી રહ્યા છે
આજે બુધવારે સંસદના શિયાળુ સત્રનો 18મો દિવસ છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે બાબા સાહેબના નામ પર હોબાળો મચાવ્યો હતો. વિરોધ પક્ષના સાંસદો બાબા સાહેબની તસવીરો લઈને સંસદ પહોંચ્યા હતા. વિપક્ષના સાંસદોએ ગૃહમાં જય ભીમના નારા લગાવ્યા હતા. જે બાદ બંને ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. કોંગ્રેસ સહિત વિપક્ષના સાંસદોએ અમિત શાહ પર આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો. જે બાબતે કેન્દ્રીય મંત્રી અર્જન રામ મેઘવાલે કહ્યું કે કોંગ્રેસનો અપમાન કરવાનો ઈતિહાસ છે, આજે તેઓ ઢોંગ કરી રહ્યા છે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી સાંસદોનો આરોપ છે કે ગૃહમંત્રી અમિત શાહે બાબા સાહેબનું અપમાન કર્યું છે. ગઈકાલે ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં બંધારણ પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, જો તેઓએ (કોંગ્રેસ) આંબેડકરના નામ જેટલી વખત લીધું એટલી વખત ભગવાનનું નામ લીધું હોત તો તેમને સ્વર્ગમાં સ્થાન મળી ગયું હોત. એક દેશ, એક ચૂંટણી માટે 129મો બંધારણ સંશોધન બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે તેને ગૃહમાં રજૂ કર્યુ હતું. અમિત શાહે ગૃહમાં કહ્યું કે જ્યારે બિલ કેબિનેટમાં આવ્યું ત્યારે પીએમ મોદીએ કહ્યું હતું કે તેને જેપીસીમાં મોકલવામાં આવે. કાયદા મંત્રી આવો પ્રસ્તાવ મુકી શકે છે. સંસદની સામાન્ય કામગીરી આજથી 20 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. આજે લોકસભા અને રાજ્યસભામાં બે-બે બિલ ચર્ચા માટે રજુ કરવામાં આવશે. લોકસભામાં, જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલ નૂર પરિવહન સંબંધિત 'ધ બિલ્સ ઑફ લેડિંગ બિલ, 2024' રજૂ કરશે અને પેટ્રોલિયમ પ્રધાન હરદીપ સિંહ પુરી ગૃહ સમક્ષ 'ધ ઓઇલફિલ્ડ્સ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એમેન્ડમેન્ટ બિલ, 2024' રજૂ કરશે. બીજી તરફ, રાજ્યસભામાં નાણામંત્રી નિર્મલા સીતારમણ 'ધ બેંકિંગ લો (એમેન્ડમેન્ટ) બિલ, 2024' પસાર કરવાનો પ્રસ્તાવ મૂકશે. તેમજ, ગૃહમંત્રી અમિત શાહ 'ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) બિલ, 2024' ગૃહમાં વિચારણા માટે મૂકશે. આ બિલ લોકસભામાં પાસ થઈ ગયું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.