રાજકોટમાં થર્ટી ફર્સ્ટ પર પોલીસ રાતભર દોડતી રહી : પાર્ટીઓ પર ડ્રોનથી નજર, અનેક પીધેલાને દબોચ્યા - At This Time

રાજકોટમાં થર્ટી ફર્સ્ટ પર પોલીસ રાતભર દોડતી રહી : પાર્ટીઓ પર ડ્રોનથી નજર, અનેક પીધેલાને દબોચ્યા


ગઈ રાતે વર્ષ 2024ની છેલ્લી રાત અને નવા વર્ષને આવકારવા થર્ટી ફર્સ્ટ પર લોકો શહેર અને ભાગોળે યોજાતી અનેક પાર્ટીઓમાં મન મૂકી ડીજેના તાલે ઝૂમી વર્ષ 2025 નું સ્વાગત કર્યું હતું. ત્યારે થર્ટી ફર્સ્ટ પર બુટલેગરો, પેડલરો નશાનો કારોબાર ખોલી લોકોને નશામાં ન ડૂબાડે અને નશાની હાલતમાં નીકળતાં નશાખોરો સામે કાર્યવાહી કરવા રાજકોટ શહેર પોલીસે કમરકસી હતી.
પોલીસ રાતભર દોડતી રહી હતી અને પાર્ટીઓ પર ડ્રોનથી નજર રાખી નવા વર્ષના વધામણાં કરી રહેલ લોકોને સુરક્ષિત કર્યા હતાં. તેમજ ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, પીસીબી, એલસીબી સહિત તમામ પોલીસ મથકનો સ્ટાફ વ્હેલી સવાર સુધી ખૂણે ખૂણે ચેકીંગ હાથ ધરી 35 જેટલા પીધેલાઓને પકડી પાડ્યા હતાં.
પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા અને એડી. સીપી મહેન્દ્ર બગડીયાની રાહબરીમાં 4 ડીસીપી, 6 એસીપી, 21 પીઆઈ, 70 પીએસઆઇ, 851 પોલીસ જવાન તથા 451 ટીઆરબી-હોમગાર્ડ જવાનો સાંજ પડતાં મેદાનમાં ગયાં હતા. વર્ષનો છેલ્લો દિવસ શહેરીજનો શહેરમાં તેમજ ભાગોળે આવેલ પાર્ટી પ્લોટ, ફાર્મ હાઉસમાં યોજાયેલ ડાન્સ પાર્ટીઓમાં ખાસ નશાની હાલતમાં ઘુસેલા શખ્સો અને રોમિયોગીરી કરતાં શખ્સો પર ખાસ વોચ રાખવા એસઓજીની ટીમે ડ્રોન કેમેરાથી ચેકીંગ હાથ ધર્યું હતું. તેમજ એનડીપીએસ કીટનો ઉપયોગ કરી એડિકટોને પકડવા કવાયત હાથ ધરી હતી.
પોલીસ દ્વારા ઠેર-ઠેર પોલીસ બ્રેથ એનેલાઈઝરની મદદથી નશાખોરોને પકડવા સઘન ચેકીંગ હાથ ધરી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 45 નશાની હાલતમાં નીકળેલા શખ્સોને પકડી પાડ્યા હતાં. જ્યારે એક શખ્સને છરી સાથે દબોચી લીધો હતો.
થર્ટી ફર્સ્ટ પર રેસકોર્સ રિંગ રોડ, કાલાવડ રોડ, અમીન માર્ગ, યુનિ. રોડ, સાધુ વાસવાણી રોડ, કોટેચા ચોક, સહિતના વિસ્તારોમાં નવા વર્ષની ઉજવણી કરવા લોકો નીકળ્યાં હતાં ત્યારે ત્યાં પણ પોલીસે ખડેપગે રહી લોકોને સુરક્ષા પ્રદાન કરી હતી.
ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના પગલે આ વખતે થર્ટી ફર્સ્ટની પાર્ટીઓ યોજવા માટે પોલીસે કડક નિયમો જાહેર કર્યા હતાં. ઉલ્લેખનીય છે કે, ક્રિસમસને અનુલક્ષીને છેલ્લા ઘણાં દિવસોથી ટ્રાફિક બ્રાંચ સઘન વાહન ચેકિંગ કરી રહી છે.
જેના પગલે ગઈકાલે પણ ટ્રાફિક પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી, આજી ડેમ ચોકડી, સોરઠીયાવાડી સર્કલ, કોટેચા ચોક, કોસ્મો ચોકડી, ગુંદાવાડી ચોક, કિશાનપરા ચોક અને ઘંટેશ્વર ટી-પોસ્ટ પાસે અનેક વાહન ચાલકોને ચેક કર્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.