નોઈડામાં માત્ર ૧૨ સેકન્ડમાં ભ્રષ્ટાચારના ટ્વીન ટાવર ભોંયભેગા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/controlled-explosions-raze-noida-towers-in-seconds-structures-of-corruption-come-crashing-down/" left="-10"]

નોઈડામાં માત્ર ૧૨ સેકન્ડમાં ભ્રષ્ટાચારના ટ્વીન ટાવર ભોંયભેગા


નોઈડા, તા.૨૮નોઈડાના સેક્ટર ૯૩એમાં આવેલા ટ્વિન ટાવર હવે ઈતિહાસ બની ગયા છે. સુપરટેક ટ્વીન ટાવર રવિવારે ૩,૭૦૦ કિલો વિસ્ફોટની મદદથી માત્ર ૧૨ સેકન્ડમાં જમીનદોસ્ત થઈ ગયા. સુપ્રીમ કોર્ટના આદેશના પગલે 'વોટરફોલ ઈમ્પ્લોશન' ટેકનિકની મદદથી  દેશમાં પહેલી વખત ભ્રષ્ટાચાર આચરી બનાવાયેલા લગભગ ૧૦૦ મીટર ઊંચા ટ્વિન ટાવર ભોંયભેગા થઈ જતા સમગ્ર વિસ્તારમાં ધૂળના વાદળ છવાયા હતા. જોકે, બંને ટાવરને તોડી પાડવા છતાં આજુબાજુની ઈમારતોને કોઈ નુકસાન થયું નહોતું અને તંત્રએ આ સંપૂર્ણ કામગીરીને ૧૦૦ ટકા સફળ ગણાવી હતી તેમજ વિસ્તૃત સુરક્ષાની ઓડિટ કામગીરી શરૂ કરી હતી. દિલ્હીમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ કુતુબ મિનારથી પણ ઊંચા આ બંને ટાવર્સને તોડી પાડવાની સાથે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લગભગ નવ વર્ષથી ચાલતી કાયદાકીય લડતનો અંત આવ્યો છે. આ ટ્વિન ટાવર ભારતમાં અત્યાર સુધીમાં ધ્વસ્ત કરાયેલી સૌથી ઊંચી ઈમારત હતી. નોઈડાના  સેક્ટર ૯૩એમાં સુપરટેક કંપની દ્વારા એમરાલ્ડ કોર્ટ હાઉસિંગ સોસાયટીમાં ૨૦૦૯થી ૩૨ માળના એપેક્સ અને ૨૯ માળના સિયાન ટાવરનું બાંધકામ થઈ રહ્યું હતું. જોકે, નિયમોના ભંગને પગલે સુપ્રીમ કોર્ટે એક વર્ષ પહેલાં બંને ટાવર્સ તોડી પાડવા આદેશ આપ્યો હતો.એમરાલ્ડ કોર્ટ હાઉસિંગ સોસાયટીમાં બંને ઈમારત બનાવનારી કંપની સુપરટેક લિમિટેડના ચેરમેન આરકે અરોરાએ કહ્યું હતું કે, તેમણે એપેક્સ અને સિયાન ટ્વીન ટાવર બનાવવા માટે બાંધકામ સામગ્રી સહિત વિવિધ સરકારી મંજૂરીઓ મેળવવા માટે રૂ. ૫૦૦ કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો. આ ટ્વીન ટાવર તૂટી જવાથી કંપનીના રૂ. ૫૦૦ કરોડ બરબાદ થઈ ગયા. વર્ષ ૨૦૦૯થી ૨૦૧૪ સુધીમાં ટ્વીન ટાવરનું બાંધકામ થતું રહ્યું. પરંતુ ૨૦૧૪માં અલ્હાબાદ હાઈકોર્ટે નિયમોના ભંગ બદલ ટ્વિન ટાવર તોડવાનો આદેશ આપ્યો હતો, જેને સુપ્રીમ કોર્ટે જાળવી રાખ્યો હતો.ટ્વિન ટાવરમાં ૨૧ દુકાનો સહિત ૯૧૫ રહેણાંક મકાનો બની રહ્યા હતા. આ બંને ટાવરને તોડી પાડતા પહેલાં આજુબાજુની બે સોસાયટી એમરાલ્ડ કોર્ટ અને એટીએસ વિલેજના અંદાજે ૫,૦૦૦ લોકોને ત્યાંથી હટાવી દેવાયા હતા. વધુમાં આજુબાજુના રસ્તાઓને પણ બંધ કરી દેવાયા હતા. લૉકડાઉન પછી આ વિસ્તારમાં પહેલી વખત આવો સન્નાટો છવાયો હતો. નોઈડા એક્સપ્રેસ-વે પર પણ ટ્રાફિકને અટકાવી દેવાયો હતો. જોકે, લોકોએ દૂરથી આ ટાવર્સને તૂટતા જોયા હતા. આ ટ્વિન ટાવર્સને તોડી પાડવા માટે ૩૭૦૦ કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરાયો હતો. આ બે ટાવરને તોડવા માટે જેટલા વિસ્ફટકોનો ઉપયોગ થયો હતો તેની માત્રા ૩ અગ્નિ-૫ મિસાઈલના વોરહેડ અથવા ૧૨ બ્રહ્મોસ મિસાઈલ અથવા ૪ પૃથ્વી મિસાઈલના વોરહેડ જેટલી હતી. આ બંને ટાવર્સ તોડી પડાયા પછી લગભગ ૫૦૦ મીટર સુધીના વિસ્તારમાં ધૂળનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું. ઉત્તર પ્રદેશ સરકારના પર્યાવરણ વિભાગે વિસ્ફોટ સમયે પ્રદૂષણના સ્તરનું નિરીક્ષણ રાખવા માટે છ વિશેષ ધૂળ મશીનો લગાવી હતી. વધુમાં વિસ્ફોટ પહેલાં, વિસ્ફોટ દરમિયાન અને ત્યાર પછી પ્રદૂષણનું સ્તર નોંધવામાં આવ્યું હતું. આ સમયમાં આ વિસ્તારમાં પીએમ ૧૦ અને પીએમ ૨.૫ની માત્રાની તપાસ કરાઈ હતી, જેનો રિપોર્ટ આગામી ૨૪ કલાકમાં આવવાની શક્યતા છે.આ ટ્વિન ટાવર્સને તોડી પાડવામાં આવતા પહેલા તબક્કાનું કામ પૂરું થયું છે. ઈમારતોના તૂટી પડવાથી અંદાજે ૮૦,૦૦૦ ટન કાટમાળ નીકળશે, જેને હટાવવામાં લગભગ ત્રણ મહિના જેટલો સમય લાગશે. બંને ટાવરને તોડવાની ઘટના સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી અને મોટાભાગે બધી જ ચેનલોએ તેનું જીવંત પ્રસારણ દર્શાવ્યું હતું. એમરાલ્ડ કોર્ટ સોસાયટીના પરિસર વચ્ચે બની રહેલા આ ટાવર્સ નિયમોનો ભંગ કરીને બનાવાયા હતા. ઑગસ્ટ ૨૦૨૧માં સુપ્રીમ કોર્ટના આદેશના એક વર્ષ પછી આ ટાવર્સને તોડી પાડવા માટે અનેક મહિનાઓથી તેની તૈયારી ચાલતી હતી.નોઈડા તંત્રએ તકેદારીના ભાગરૂપે સેક્ટર ૯૩-એ આજુબાજુની હોસ્પિટલોને જરૂર પડે ઈમર્જન્સી તબીબી સુવિધા પૂરી પાડવા તૈયાર રહેવા આદેશ આપ્યો હતો. જોકે, કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. તેમજ બંને ઈમારતોને તોડી પાડવાની કામગીરી નિશ્ચિત થયા મુજબ જ થઈ હોવાનું મુંબઈ સ્થિતિ કંપનીએ જણાવ્યું હતું. નોઈડા ઓથોરિટીના સીઈઓ રિતુ માહેશ્વરીએ કહ્યું કે, સુપરટેકના ટ્વિન ટાવર્સનું ડિમોલિશન બપોરે ૨.૩૦ વાગ્યે સફળતાપૂર્વક કરાયું છે. સફાઈ કામગીરી શરૂ થઈ ગઈ છે. ખાલી કરાયેલી સોસાયટીઓના રહેવાસીઓને સાંજે ૭.૦૦ વાગ્યા પછી ઘરે જવાની મંજૂરી અપાઈ હતી. ટ્વીન ટાવરના કાટમાળની ઝપેટમાં આવતાં એટીએસ સોસાયટીની ૧૦ મીટરની કમ્પાઉન્ડ વોલને નુકસાન થયું છે.ઉત્તર પ્રદેશના અધિક મુખ્ય સચિવ અવનીશ અવસ્થીએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચારના પાયા પર ઊભા થયેલા ટ્વિન ટાવર્સ તોડી પડાયા છે. આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા બિલ્ડર, કર્મચારી, આર્કિટેક્ટ અને નોઈડા ઓથોરિટીના અધિકારીઓની ઓળખ કરી લેવાઈ છે. ટૂંક સમયમાં તેમની સામે કાર્યવાહી હાથ ધરાશે. યોગી સરકારે બનાવેલી તપાસ સમિતિના રિપોર્ટના આધારે આ કૌભાંડમાં સંડોવાયેલ ૨૬ અધિકારીઓ-કર્મચારીઓ, સુપરટેક લિ.ના ડિરેક્ટર્સ સહિતના લોકો સામે કાર્યવાહી કરાઈ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]