બોપલની વેસ્ટ્રરીઝ વિલા સોસાયટીના સભ્યો સાથે બિલ્ડરે છેતરપિંડી આચર્યાની ફરિયાદ
અમદાવાદ,તા.22 જુન 2022,બુધવાર બોપલની સ્ટર્લિંગ સીટીમાં આવેલી વેસ્ટ્રરીઝ વીલા સોસાયટીના સભ્યો સાથે પેસિફિકા ઇન્ફ્રા પલ્સ કંપનીના બિલ્ડર વિરૂધ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં મંગળવારે ઠગાઈ અને વિશ્વાસઘાતની ફરિયાદ થઈ છે. જે મુજબ સોસાયટીના સભ્યો પાસેથી ઉઘરાવેલા મેંઇન્ટેનન્સના રૂ.23 લાખ પરત ના આપ્યા તેમજ સોસાયટીમાં સ્ટ્રીટ લાઈટ, રોડ રસ્તા, ગાર્ડન અને કલબ હાઉસ સહિતની બીજી ઘણીબધી સુવિધા પૂરી ના પાડી બી.યુ.પરમિશન વગર મકાનો ફાળવી સભ્યો સાથે વિશ્વાઘાત કરી છેતરપિંડી આચરી હતી. પોલીસે ચાર જણા સામે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બોપલની સ્ટર્લિંગ સીટીમાં આવેલી વેસ્ટ્રરીઝ વીલા સોસાયટીમાં રહેતા અને વ્યવસાયે વકીલ ભુપેન્દ્રભાઈ ગોપાલભાઈ ચાવડાએ રાકેશ ઉર્ફ રોકી ઇશરાની, જય ચંદાણી, રોનક ઠક્કર અને ધારા શેલત વિરુધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ આરોપીઓએ સોસાયટી અને બંગલો બિલ્ડર તરફથી આપવામાં આવતી સુવિધાનો વીડિયો બતાવી બુકીંગ લીધા હતા. જે મુજબ વોશ યાર્ડ એરિયા, સર્વન્ટ ક્વાર્ટર, ડેક એરિયા, પાર્કિંગ શેડ, બાથરૂમની અમુક મોંઘી એસેસરીઝ, મોસ્કવિટો મેટ જેવી સુવિધાઓ આપી ન હતી. આ ઉપરાંત સોસાયટીના રોડ રસ્તા, લાઈટ, મેઈન ગેટ એન્ટ્રન્સ, સિક્યુરિટી કેબીન, ગાર્ડન, લેન્ડ સ્કેપિંગ અને કલબ હાઉસની સુવિધા આપી ન હતી. સોસાયટીના રસ્તામાં ખાડા તેમજ કન્સ્ટ્રકશનનો સામાન પડ્યો હતો.સરકાર તરફથી સોસાયટીનો બિલ્ડીંગ ઉપયોગ કરવા અંગેની બી.યુ.પરમિશન મળી ન હતી. આ રીતે સોસાયટીના સભ્યો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી થઈ હતી. સોસાયટીના સભ્યો પાસેથી ઉઘરાવેલા મેન્ટેનન્સના નાણાં રૂ.23,03,304ની રકમ પણ આપી નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.