દાવો- ઈરાનના એજન્ટોએ હાનિયાની હત્યા કરાવી:ઈન્ટેલિજેન્સ અધિકારી સહિત 24ની ધરપકડ; મોસાદે ગેસ્ટ હાઉસના 3 રૂમમાં બોમ્બ મુક્યા હતા - At This Time

દાવો- ઈરાનના એજન્ટોએ હાનિયાની હત્યા કરાવી:ઈન્ટેલિજેન્સ અધિકારી સહિત 24ની ધરપકડ; મોસાદે ગેસ્ટ હાઉસના 3 રૂમમાં બોમ્બ મુક્યા હતા


​​​​​​ઈરાને હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાના મોત મામલે લગભગ 24 લોકોની ધરપકડ કરી છે. જેમાં ઘણા ઈરાનના ઘણા ઈન્ટેલિજેન્સ અધિકારીઓ, લશ્કરી અધિકારીઓ અને ગેસ્ટ હાઉસ સ્ટાફનો સમાવેશ થાય છે. આ એ જ ગેસ્ટ હાઉસ છે જ્યાં હાનિયા પર હુમલો થયો હતો. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ઈરાને હાનિયાની સુરક્ષામાં ખામીને ધ્યાનમાં રાખીને આ ધરપકડ કરી છે. હાનિયા ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝાકિયનના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા આવ્યો હતો. તે જે ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો તેની સુરક્ષાની જવાબદારી ઈરાનની સેના IRGCની છે. બ્રિટિશ મીડિયા હાઉસ ધ ટેલિગ્રાફે તેના અહેવાલમાં દાવો કર્યો છે કે હાનિયાની હત્યા પાછળ ઇઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદનો હાથ છે. રિપોર્ટ અનુસાર મોસાદે આ કામ માટે ઈરાનથી સુરક્ષા એજન્ટો હાયર કર્યા હતા. રઈસીના અંતિમ સંસ્કાર દરમિયાન જ ઇઝરાયલ હાનિયાને મારી નાખવા માંગતું હતું
ઈરાની અધિકારીઓની મદદથી IRGCના ગેસ્ટ હાઉસના 3 અલગ-અલગ રૂમમાં બોમ્બ મુકવામાં આવ્યા હતા. આ એ જ ગેસ્ટ હાઉસ છે જ્યાં હાનિયા રોકાયો હતો. મોસાદ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના અંતિમ સંસ્કારના સમયે જ હાનિયાને મારી નાખવા માંગતો હતો. જો કે, ભારે ભીડને કારણે યોજના નિષ્ફળ જવાની શક્યતા હતી, તેથી તેને મોકૂફ રાખવામાં આવ્યું હતું. આ પછી એજન્ટોએ ગેસ્ટ હાઉસના 3 રૂમમાં બોમ્બ પ્લાન્ટ કર્યા હતા. ત્યારબાદ તે દેશ છોડીને ભાગી ગયો હતો. જો કે તેનો એક સાથી ઈરાનમાં રોકાયો હતો. ઈરાનના અધિકારીઓને ગેસ્ટ હાઉસમાં બોમ્બ મૂકવામાં આવ્યો હોવાના સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે. ઈરાન છોડ્યા બાદ એજન્ટોએ બ્લાસ્ટ કર્યા હતા
ટેલિગ્રાફ અનુસાર, ઈરાની એજન્ટોના એક સુત્રએ 31 જુલાઈના રોજ તેના રૂમમાં હાનિયાની હાજરી વિશે માહિતી આપી હતી. આ પછી એજન્ટોએ બોમ્બ વિસ્ફોટ કર્યો. શુક્રવારે ટેલિગ્રાફ સાથે વાત કરતા, IRGC અધિકારીએ જણાવ્યું હતું કે મોસાદે તેના અંસાર અલ-મહદી યુનિટના એજન્ટોને આ કામ માટે રાખ્યા હતા. અધિકારીએ કહ્યું કે તપાસ બાદ તેમને બાકીના બે રૂમમાં બોમ્બ લગાવેલા મળ્યા. IRGCના અન્ય એક અધિકારીએ કહ્યું કે આ ઈરાનની સુરક્ષામાં મોટી ખામી છે. જો કે સેના તેને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. ભારતીય દૂતાવાસે નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી
હાનિયાના મૃત્યુ બાદ મિડલ ઈસ્ટમાં તણાવ વધી ગયો છે. આને ધ્યાનમાં રાખીને, ઇઝરાયલની રાજધાની તેલ અવીવમાં ભારતીય દૂતાવાસે તેના નાગરિકો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. એમ્બેસીએ ઇઝરાયલમાં રહેતા તમામ ભારતીયોને સાવચેત રહેવાની સલાહ આપી છે. તેમને કામ વગર ઘરની બહાર ન નીકળવા અને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. ભારતીય દૂતાવાસે કહ્યું છે કે તમામ નાગરિકોએ દૂતાવાસ સાથે સતત સંપર્કમાં રહેવું જોઈએ. આ સિવાય સુરક્ષા માટે સ્થાનિક અધિકારીઓના આદેશોનું પાલન કરો. ખરેખરમાં, હમાસ ચીફના મોતનો બદલો લેવા માટે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ ઇઝરાયલ પર સીધો હુમલો કરવાની ધમકી આપી છે. તેમણે કહ્યું છે કે હાનિયાનું મૃત્યુ તેહરાનમાં થયું હતું, તેથી તેના મોતનો બદલો લેવો એ ઈરાનની ફરજ છે. જો કે ઈરાન આ હુમલો ક્યારે અને કેવી રીતે કરશે તે અંગેની માહિતી સામે આવી નથી. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના ખતરાને જોતા ઘણી એરલાઈન્સે ઇઝરાયલની ફ્લાઈટ બંધ કરી દીધી છે. આમાં ગ્રીસ, પોલેન્ડ, નેધરલેન્ડ ઉપરાંત ભારતની એર ઈન્ડિયા કંપની સામેલ છે. 2 મહિના પહેલા હાનિયાની હત્યા કરવાનો પ્લાન હતો
આ પહેલા 1 ઓગસ્ટના રોજ અમેરિકન મીડિયા હાઉસ ન્યૂયોર્ક ટાઈમ્સે તેના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે હાનિયાનું મોત મિસાઈલ હુમલામાં નહીં પરંતુ બોમ્બ બ્લાસ્ટમાં થયું હતું. NYT​​​​​​​એ બે ઈરાનીઓ સહિત મિડલ ઈસ્ટના સાત અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે જે બોમ્બમાં તે માર્યો ગયો હતો તે બે મહિના પહેલા તેહરાન ગેસ્ટ હાઉસમાં લગાવવામાં આવ્યો હતો જ્યાં હાનિયા રહેતો હતો. અહેવાલ મુજબ, બુધવારે હાનિયાના પહોંચવાની પુષ્ટિ થતાં જ કેટલાક બહારના વિસ્તારમાંથી રિમોટ દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટ બાદ બિલ્ડિંગની દિવાલનો એક ભાગ ધરાશાયી થયો હતો. આ ઉપરાંત અનેક બારીઓના કાચ પણ તૂટી ગયા હતા. ઈરાનના રાષ્ટ્રપતિના શપથ લીધા બાદ હાનિયાનું મોત
હમાસ ચીફ હાનિયાનું 31 જુલાઈ, 2024ના રોજ સવારે 2 વાગ્યે ઈરાનની રાજધાની તેહરાનની એક ઈમારતમાં અવસાન થયું હતું. તેની સાથે તેનો એક બોડીગાર્ડ પણ માર્યો ગયો હતો. હાનિયાએ એક દિવસ પહેલા ઈરાનના નવા રાષ્ટ્રપતિ મસૂદ પઝાકિયનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. આ પહેલા શુક્રવારે હાનિયાને કતારની રાજધાની દોહામાં સુર્પદ-એ-ખાક કરવામાં આવ્યો હતો. તેમને કતારના લુસેલના શાહી કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યો છે. આ દરમિયાન કતાર અને પેલેસ્ટિનિયન જૂથોના હજારો નેતાઓ હાજર રહ્યા હતા. અંતિમ વિદાય પહેલા દોહાની સૌથી મોટી મસ્જિદમાં હાનિયા માટે નમાજ પણ અદા કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.