રાજ્યસભા સાંસદ ડૉ.જસવંતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે આયુષ મેળો યોજાયો - At This Time

રાજ્યસભા સાંસદ ડૉ.જસવંતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે આયુષ મેળો યોજાયો


પંચમહાલ,

ગોધરાના પોપટપુરામાં આવેલ શ્રીમતી મણીબેન સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા ગોધરા-દાહોદ રોડ ઉપર આવેલ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે રાજ્યસભાના સાંસદ ડૉ.જશવંતસિંહ પરમારના અધ્યક્ષસ્થાને આયુષ મેળો યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ ડૉ.જશવંતસિંહ પરમારએ મુખ્ય ઉદબોધનમાં જિલ્લામાં આયુર્વેદનો વ્યાપ હજુ કઈ રીતે વિસ્તરી શકે તે માટે વિસ્તૃત માર્ગદર્શન આપ્યુ હતું અને આયુષ મેળાના શ્રેષ્ઠ આયોજન બદલ શ્રીમતી મણીબેન સરકારી આયુર્વેદ હોસ્પિટલને શુભકામનાઓ પાઠવી હતી.
આ વેળાએ ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી એ પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં આયુર્વેદનો વ્યાપ ખૂબ જ વધ્યો છે જેના લીધે જિલ્લામાં પણ આયુર્વેદના વિકાસની વાત કરી હતી. તેમણે વધુમાં છેવાડાના માનવી સુધી આયુર્વેદની તમામ સેવાઓ પહોંચે તે માટે તંત્ર કટિબદ્ધતા સાથે કાર્ય કરી રહ્યું છે અને આયુર્વેદનો વ્યાપ જિલ્લામાં વધુમાં વધુ પ્રસરે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે પંચમહાલ જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.એ.કે.ગેલોત દ્વારા જિલ્લા પંચાયતમાં આયુષ વિભાગની જાણકારી આપી હતી. શ્રીમતી મણીબેન હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર ડૉ.સુનીતાબેન ઠક્કર એ હોસ્પિટલના આયુર્વેદ વિભાગની કામગીરી અને આપવામાં આવતો સેવાઓ વિશે માહિતી આપી હતી. જ્યારે હોમિયોપેથિક મેડિકલ ઓફિસર ડૉ.યામિનીબેન બારીયાએ હોમિયોપેથિક વિભાગ દ્વારા અપાતી આરોગ્ય સેવાઓની જાણકારી આપી હતી.
કાર્યક્રમના આરંભમાં હોસ્પિટલના વૈદ્ય પંચકર્મ ડૉ.નિકુંજ મેવાડાએ તમામ ઉપસ્થિત મહાનુભાવોને આવકારી આયુષ મેળાની રૂપરેખા અને તે અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમજ કાર્યક્રમના અંતે હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડૉ.જયદીપ બાંભણિયા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે આ આયુષ મેળામાં નિદાન ચિકિત્સા કેમ્પ, ઔષધી પ્રદર્શન, યોગ નીદર્શન, અગ્નિ કર્મ વગેરેનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેની મહાનુભાવો દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. જેમાં આયુર્વેદ નિદાન ચિકિત્સા કેમ્પમાં ૨૫૬ લાભાર્થીઓ, હોમિયોપેથિક નિદાન ચિકિત્સા કેમ્પમાં ૧૩૩ લાભાર્થીઓ, યોગના ૧૧૨ લાભાર્થીઓ, ઔષધી પ્રદર્શનમાં ૧૪૫ લાભાર્થીઓ, પંચકર્મમાં ૬૧ લાભાર્થીઓ, અગ્નિકર્મમાં ૧૦૭ લાભાર્થીઓ, આઇ. ઇ.સી. માં ૨૫૬ લાભાર્થીઓ અને બ્લડપ્રેશર તથા ડાયાબિટિઝના ૧૬૩ લાભાર્થીઓ મળી કુલ ૧૨૩૩ લાભાર્થીઓએ આયુષ મેળાનો લાભ મેળવ્યો હતો.
આ મેળામાં સ્થાનિક હોદ્દેદારો અને પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ


8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image