ચીને લદ્દાખનો મોટો હિસ્સો પચાવી પાડયો છતાં સરકાર કહે છે કોઈઆવ્યું જ નથી : સ્વામી
- ભાજપના વરીષ્ઠ નેતાનો પોતાના જ પક્ષની સરકાર પર કટાક્ષ- નેહરૂ અને વાજપેયજીની મૂર્ખામીના કારણે તિબેટ અને તાઇવાન ચીનના હાથમાં જતા રહ્યા : સ્વામીનો દાવો- તાઇવાન સાથે ભારત ડિપ્લોમેટિક સંબંધો કેમ નથી સ્થાપીત કરી રહ્યું તેવો પણ ભાજપના નેતાનો સવાલનવી દિલ્હી : ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ચીનના બહાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો હતો. તેઓએ કહ્યું હતું કે ચીને લદ્દાખના હિસ્સાઓ પર કબજો કરી લીધો છે અને ભારત સરકાર બેભાન અવસ્થામાં છે. ભાજપના નેતાએ ચીન મુદ્દે પૂર્વ વડાપ્રધાનો જવાહરલાલ નેહરુ અને અટલ બિહારી વાજપેયી પર પણ આરોપો લગાવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે નેહરુની મુર્ખાઇને કારણે તાઇવાન અને તિબેટ ચીનના હાથમાં જતા રહ્યા છે. સુબ્રમણ્યમ સ્વામીએ દાવો કર્યો હતો કે ચીને લદ્દાખનો મોટો હિસ્સો પોતાના કબજામાં હાલ લઇ લીધો છે જ્યારે કેન્દ્ર સરકાર બેભાન અવસ્થામાં છે અને દાવા કરી રહી છે કે ચીને હાલમાં ભારતનો કોઇ જ હિસ્સો નથી પચાવી પાડયો. સાથે જ સ્વામીએ કહ્યું હતું કે નેહરુ અને વાજપેયની મુર્ખતાને કારણે ભારતે તિબેટ અને તાઇવાનને ચીનના હિસ્સા તરીકે સ્વિકારી લીધા હતા. સ્વામીએ સાથે જ ભારત તાઇવાનને લઇને કેવા પ્રકારનું વલણ ધરાવે છે તે મુદ્દાને પણ છંછેડી દીધો છે. સ્વામીએ ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યો હતો કે અનેક લોકો પૂછી રહ્યા છે કે ભારત તાઇવાનને એક સ્વતંત્ર દેશ તરીકે માન્યતા કેમ નથી આપી રહ્યું. અથવા તો તેની સાથે સત્તાવાર રીતે ડિપ્લોમેટિક સંબંધો કેમ નથી રાખી રહ્યું? સ્વામીનું આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝેંટેટિવ્સ નૈંસી પેલોસી તાઇવાનની મુલાકાત માટે ગયા છે. કેમ કે ચીન અમેરિકાના નેતાની તાઇવાનની મુલાકાતથી ભારે છંછેડાયું છે અને અમેરિકાને ધમકી પણ આપી ચુક્યું છે. ચીન તાઇવાનને પોતાનો હિસ્સો ગણી રહ્યું હોવાથી આ ધમકી આપી છે. સ્વામીનો દાવો છે કે ચીને તિબેટ પર કબજો કરી લીધો જેનો ભારત દ્વારા યોગ્ય વિરોધ ન થયો, અગાઉના વડાપ્રધાન જવાહરલાલ નેહરુની મુર્ખાઇને કારણે આજે તિબેટ અને તાઇવાન ચીનનો હિસ્સો છે. જ્યારે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ વડાપ્રધાન હતા ત્યારે ૨૦૦૩માં તિબેટને ચીનનો હિસ્સો હોવાનું ભારતે સ્વિકારી લીધુ હતું. જ્યારે તાઇવાન પર ચીનની નજર છે, ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માની રહ્યું છે. હવે સ્વામીએ સવાલ ઉઠાવ્યો છે કે ભારત તાઇવાનની સાથે ડિપ્લોમેટિક સંબંધો કેમ નથી સ્થાપી રહ્યું? એવા અહેવાલો છે કે ભારતે તાઇવાન મુદ્દે હાલ શાંતિ એટલા માટે પણ જાણવી રાખી છે કેમ કે તે નથી ઇચ્છતો કે ચીન કાશ્મીર અને પૂર્વોત્તરમાં દખલ ન દે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.