જસદણ નગરપાલિકાની સામાન્ય સભા 25 મિનિટમાં પુર્ણ થઈ: કોંગ્રેસના 1સભ્યનો વોક આઉટ, ભાજપના બે નગરસેવકોએ સામેથી હોદ્દા જતાં કર્યા - At This Time

જસદણ નગરપાલિકાની સામાન્ય સભા 25 મિનિટમાં પુર્ણ થઈ: કોંગ્રેસના 1સભ્યનો વોક આઉટ, ભાજપના બે નગરસેવકોએ સામેથી હોદ્દા જતાં કર્યા


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ નગરપાલિકાની સામાન્ય સભામાં જે એજન્ડામાં મુખ્યત્વે પાંચ એજન્ડા હતાં જે બજેટ સહિત દરેક મુદ્દાઓ સર્વાનુમતે પસાર અને વિવિધ સમિતિની રચના સહિત સામાન્ય સભા ફ્કત 25 મિનિટમાં પુર્ણ થઈ ગઈ હતી. પ્રમુખ સ્થાને અને મુખ્ય મહેમાન તરીકે જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની હાજરી વચ્ચે સામાન્ય સભામાં ભાજપના 22, કોંગ્રેસના 4 અને અપક્ષ 1 સભ્યો હાજર હતાં. અને સામાન્ય સભા શરૂ થઈ તેની થોડી મિનિટોમાં કોંગ્રેસના સભ્ય ધીરૂભાઈ છાયાણી સામાન્ય સભામાંથી આ તો ભાજપની સામાન્ય સભા છે પ્રજાની નથી તેમ કહી સભાનો બહિષ્કાર કરી ચાલતી પકડી હતી. અને કોંગ્રેસના બીજા સભ્યોએ સભાના ઠરાવને ટેકો આપ્યો હતો. આમ કોંગ્રેસના સભ્યોમાં વિચારધારાનો ક્યાંય મેળ દેખાયો નહોતો. ત્યારબાદ ભાજપના મેન્ટેડ મુજબ કારોબારી ચેરમેન તરીકે કાજલબેન ઘોડકિયા, સેનેટરી સમિતિના ચેરમેન તરીકે રફીકભાઈ ગોગદા, રોશની સમિતિના ચેરમેન તરીકે વિરમભાઈ મેવાડા, ભારતીય જનતા પાર્ટીના નેતા તરીકે મુકેશભાઈ જાદવ, આયોજન સમિતિના ચેરમેન તરીકે પી વી ભાયાણી, બાગ બગીચાના ચેરમેન તરીકે રમાબેન મકવાણા, જસદણ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર તરીકે દીપુભાઈ ગીડા, જાહેર બાંધકામના ચેરમેન તરીકે સોનલબેન વસાણી, મહિલા ન્યાય સમિતિના ચેરમેન રેખાબેન ચાવ, ખાસ કરીને ઉનાળાને મુખ્યત્વે ધ્યાને લઈ પાણી પુરવઠા સમિતિના ચેરમેન તરીકે જલ્પાબેન દુર્ગેશભાઈ કુબાવતની નિમણુંકો આ સમિતિમાં થઈ હતી. આ નિમણુંક વખતે ભાજપના બે સભ્યો ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ અને પુર્વ ભાજપ પ્રમુખ ગભરુભાઈ ધાધલની અન્ય જુદી જુદી બે સમિતિમાં નિમણુંક થઈ ત્યારે બંનેએ પોતાનો હોદ્દો સ્વીકારવાની નમ્રતાપૂર્વક ના પાડી આ હોદ્દાઓ બીજા સભ્યોને આપવા માટે સ્પષ્ટ ભલામણ કુંવરજીભાઈ બાવળિયાને કરી હતી. અને કહ્યું હતું કે અમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છીએ અને જોડાયેલા રહેશું આમ સામાન્યસભામાં પાંચેય એજન્ડા સર્વાનુમતે ફ્કત 25 મિનિટમાં પસાર થયાં હતાં. સભા પૂર્ણ થયાં બાદ જસદણ શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડએ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પ્રથમ સામાન્ય સભામાં દરેક એજન્ડાઓ સર્વાનુમતે પસાર થયા તે બદલ દરેક સભ્યનો હૃદયપૂર્વક આભાર માનું છું. સાથે નવી સમિતિના ચેરમેન અને સભ્યોને અભિનંદન આપું છું. શહેરનો વિકાસ હજું વધું થાય અને જસદણ નંદનવન બને એમાં કોઈ કચાશ છોડવામાં નહીં આવે. મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે કોઈ કામ નાણાં વગર અટકવું ન જોઈએ જસદણના વિકાસ માટે જોઈએ તેટલી નાણાકીય સહાય રાજ્ય સરકારમાંથી મેળવવાની જવાબદારી મારી છે. પાણી પુરવઠા સમિતિના ચેરમેન અને એડવોકેટ જલ્પાબેન દુર્ગેશભાઈ કુબાવતએ જણાવ્યું હતું કે ઉનાળાની ઋતુમાં લોકોને સ્વભાવિક રીતે પાણીની વધું જરૂર પડે એ માટે જે રાબેતા મુજબ પાણી વિતરણ થાય છે તે મુજબ અમો પાણી પુરવઠો ખોરવાય નહી લોકોને પુરતું પાણી મળી રહે તે માટે ટાંચા સાધનો હોવાં છતાં અમે પુરતી કોશિશ કરીશું. નાગરિકો પણ પાણી વેડફાય નહીં અને કયારેક મશીનરીમાં ફોલ્ટ સર્જાય તે દિવસોમાં સહકાર આપશે તો ઉનાળો હેમખેમ પસાર થઈ જશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image