ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ઓબ્ઝર્વર દ્વારા જિલ્લાની ચૂંટણીલક્ષી કામગીરી અંગે સર્વગ્રાહી સમીક્ષા કરાઈ - At This Time

ચૂંટણી પંચ દ્વારા નિમાયેલ ઓબ્ઝર્વર દ્વારા જિલ્લાની ચૂંટણીલક્ષી કામગીરી અંગે સર્વગ્રાહી સમીક્ષા કરાઈ


જામનગર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ તથા ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંગેની સમગ્ર કાર્યવાહી પર દેખરેખ રાખવા ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે.જેમાં જામનગર 76 કાલાવડ તથા 77 જામનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક માટે વૈદ્યનાથ યાદવ, 78 (ઉત્તર) તથા 79 (દક્ષિણ) વિધાનસભા બેઠક પર ધીરજ કુમાર, 80 જામજોધપુર બેઠક માટે રાય મહિમાપત રે ની જનરલ ઓબ્ઝર્વર તરીકે તેમજ કેતન પાટીલની સમગ્ર જિલ્લા માટે પોલીસ ઓબ્ઝર્વર તરીકે નિમણૂક કરાઈ છે.
ત્યારે આ ઓબ્ઝર્વર દ્વારા જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે ચૂંટણી લક્ષી કામગીરી અંગેની સર્વગ્રાહી સમીક્ષા બેઠકનું આયોજન કરી જિલ્લામાં થયેલ ચૂંટણી સંબંધિત સમગ્ર કામગીરીની ઝીણવટભરી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતા.જેમાં તેઓએ વિધાનસભા બેઠક વાર મતદારોની પ્રોફાઈલ, પોલિંગ સ્ટેશનની વિગતો, જિલ્લામાં કાર્યરત ચેક પોસ્ટ, ઇ.વી.એમ તથા વિવીપેટની થયેલ ફાળવણી, ઇવીએમ સ્ટોરેજની વ્યવસ્થા, ઇવીએમ રૂટ તથા ઇવીએમ સંબંધીત સુરક્ષા વ્યવસ્થા, મતદાન મથકો ખાતે પોલીસ સ્ટાફની ફાળવણી, ચૂંટણી સ્ટાફની તાલીમ, ચૂંટણી અંગે વાહનોની ફાળવણી, સ્ટ્રોમ રૂમ વ્યવસ્થા, મતદાન જાગૃતિ કાર્યક્રમો તથા કાયદો વ્યવસ્થાની સ્થિતિ વગેરે બાબતોની ઝીણવટભરી સમીક્ષા કરી હતી.બેઠકમાં ઓબ્ઝર્વર સુધીર કુમારે જણાવ્યું હતું કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ તથા ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લામાં કાયદો વ્યવસ્થા સુદ્રઢ હોવી જરૂરી છે. ગત ચૂંટણીમાં ઓછું મતદાન થયું હોય તેવા સ્થળોએ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજી વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં સૌ સાથે મળી કામગીરી કરીએ.
બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, વિજય પ્રણવ, પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કલ્પના ગઢવી, શહેર પ્રાંત અધિકારી ડી.ડી.શાહ વગેરેએ ઓબઝર્વરને ઝીણવટભરી ચૂંટણીલક્ષી બાબતો તથા કામગીરીથી વાકેફ કર્યા હતા.
બેઠકમાં વિવધ સમિતિના નોડલ અધિકારીઓ, આસિસ્ટન્ટ નોડલ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.