રાજ્યમાં એક કરોડથી વધુ મકાનો પર ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રભાવનાને જાગૃત કરાશે-મુખ્ય સચિવશ્રી પંકજકુમાર
ગુજરાતમાં આગામી ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યના તમામ ઘરો, દૂકાનો, ઉદ્યોગીક કેન્દ્રો, સામાજિક અને શૈક્ષણિક પ્રતિષ્ઠાનો, વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ સહિત તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને ‘હર ઘર ત્રિરંગા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે.
આ માટેની એક વિડીયો કોન્ફરન્સ રાજ્યના મુખ્ય સચિવશ્રી પંકજકુમારની અધ્યક્ષતામાં યોજાઇ હતી. આ બેઠકમાં મુખ્ય સચિવશ્રીએ કહ્યું કે, રાજ્યમાં એક કરોડથી વધુ મકાનો પર ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રભાવનાને જાગૃત કરવામાં આવશે. તેમણે જિલ્લાના કલેક્ટરશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ સાથે આ અંગેના આયોજન અંગેની સઘન ચર્ચા કરી હતી.
ભાવનગર જિલ્લામાં પણ તે જ રીતે ‘હર ઘર ત્રિરંગા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવનાર છે. જેને અનુલક્ષીને કલેક્ટર કચેરી ખાતે વિડિયો કોન્ફરન્સ રૂમ ખાતે યોજાયેલ આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જિલોવાએ જણાવ્યું કે, જિલ્લાના મહત્તમ ઘરો અને શૈક્ષણિક, ઔદ્યોગિક એકમો પર ત્રિરંગો લહેરાવી રાષ્ટ્ર પ્રત્યે કૃતજ્ઞભાવ પ્રગટ કરીએ. સમગ્ર રાષ્ટ્ર જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે તેમાં ભાવનગર જિલ્લો પણ પૂરા ઉત્સાહ સાથે તેમાં સહભાગી થશે.
ભાવનગર જિલ્લાના ૨,૮૪,૫૩૬ ઘરો અને ૧૯ નગરપાલિકાના ૪,૧૯,૭૯૮ ઘરો આવેલાં છે. આ ઉપરાંત પંચાયત ઘરો, દૂધ મંડળીઓ, સરકારી ઇમારતો, ઔદ્યોગિક ગૃહો, સાગરકાંઠા પરની નૌકાઓ આ તમામ જગ્યાએ આ ત્રણ દિવસ સુધી તિરંગો ફરકાવી માં ભારતીનું સર ઉન્નત કરીએ તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.