તબીબ અને ફાયનાન્સરે 15 લાખ વ્યાજે આપી, યુવકની કિંમતી જમીન બરોબર વેંચી દીધી!

તબીબ અને ફાયનાન્સરે 15 લાખ વ્યાજે આપી, યુવકની કિંમતી જમીન બરોબર વેંચી દીધી!


નાના મવા મેઇન રોડ પર પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ નામની પેઢી ધરાવતા અલ્પેશ ગોપાલ દોંગા અને ડો.અભય ડાયાભાઈ મોલિયા (રહે. કિંગ્સ લેન્ડ પાર્ક, શેરી નં.1,સિનેમેક્સ સિનેમાની સામે) વિરૂધ્ધ વ્યાજખોરીનો વધુ એક ગુનો દાખલ થયો છે.આ અગાઉ નોંધાયેલા ગુનામાં બંને આરોપીઓની ધરપકડ થઇ હતી.હાલ બંને જેલહવાલે છે.ક્રાઇમબ્રાન્ચે જેલમાંથી કબ્જો મેળવી બંનેની વધુમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. વધુ વિગતો અનુસાર,મૂળ રાજકોટના લીલી સામજડીયાળીના વતની અને મોરબી રોડ પર શ્રી વિલા સોસાયટીમાં રહેતા અને ઇમીટેશનનું કામ કરતા કેશુભાઈ રવજીભાઈ વોરા(ઉ.વ.52)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે

કે,2019ની સાલમાં તેને ગોંડલ ચોકડી પાસે ખેતીવાડીના ઓજારો બનાવવાનું કારખાનુ હતું.તેના વિકાસ માટે રૂા.15 લાખની જરૂર પડતા પટેલ ઇન્વેસ્ટમેન્ટ પોઇન્ટ નામની પેઢી ધરાવતા અલ્પેશનો સંપર્ક કર્યો હતો.જેણે બદલામાં જમીનનો દસ્તાવેજ કરી આપવાની વાત કરી હતી.લોનના દર 1.5 ટકા રહેશે તેમ પણ કહ્યું હતું.સાથોસાથ એમ પણ કહ્યું હતું કે તમે લોનના પૈસા પરત આપશો એટલે તમે કરી આપેલી જમીનનો દસ્તાવેજ તમને પરત કરાવી આપીશ.જો એક વર્ષમાં લોન ભરપાઇ ન થાય તો તમારી જમીન ઉપર લોન રિન્યુ કરી આપીશ. ત્યારબાદ કોટડાસાંગાણી સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે જઇ ડો.અભયના નામનો પોતાની જૂના રાજપીપળા ગામે આવેલી ખેતીની જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો.બાદમાં ધંધામાં ખોટ આવતા અને કોરોના આવી જતા ધંધો બંધ કરી દીધો હતો જેને કારણે અલ્પેશને વ્યાજના પૈસા ચૂકવી શક્યા ન હતા.

પરિણામે અલ્પેશે સાત-આઠ માસ પહેલા ઓફિસે બોલાવી રૂા.10 લાખ ઉપર વ્યાજ ચડાવી રૂા.39 લાખની ઉઘરાણી કરી હતી. તેણે આટલુ બધુ વ્યાજ ન હોય તેમ કહેતા આખરે રૂા.25 લાખ આપવાનું કહ્યું હતું.ત્યારબાદ જ વેચાણ દસ્તાવેજ પરત કરી આપવાનું કહ્યું હતું. જેની સામે તેણે રૂા.15 લાખ આપવાની તૈયારી બતાવી હતી પરંતુ માન્યો ન હતો.સાથોસાથ જમીનનો કબ્જો ખાલી કરી સોંપી આપવો પડશે તેવી ધમકી આપી હતી.એટલું જ નહીં તેની જાણ બહાર તેની 70 થી 80 લાખની જમીનનો લીલાવંતીબેન પ્રવીણભાઈ વીરડીયાના નામનો દસ્તાવેજ પણ કરી આપતા તેની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »