અમરેલીમાં જિલ્લા કક્ષાની મિલેટ્સ (શ્રી અન્ન) વાનગી હરિફાઈ યોજાઇ - At This Time

અમરેલીમાં જિલ્લા કક્ષાની મિલેટ્સ (શ્રી અન્ન) વાનગી હરિફાઈ યોજાઇ


'આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ'
---
અમરેલીમાં જિલ્લા કક્ષાની મિલેટ્સ (શ્રી અન્ન) વાનગી હરિફાઈ યોજાઇ
---
અનેક પોષક તત્વો ધરાવતા જાડા ધાન્યમાંથી
ICDSની બહેનોએ સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરી પ્રસ્તુત કરી
---
છેવાડાના વિસ્તારની બહેનો સુધી 'શ્રી અન્ન'ના પોષક તત્વો અને ફાયદાઓ વિશેની માહિતી પહોંચાડવા જિલ્લા કલેક્ટરશ્રીનું સૂચન
----
અમરેલી તા.૨૫ જુલાઈ ૨૦૨૩ (મંગળવાર) વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વમાં મિલેટ્સ-શ્રી અન્ન (જાડા ધાન્ય)ના ખોરાકમાં મહત્તમ ઉપયોગ અંગે શરુ કરવામાં આવેલા અભિયાનના પગલે સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ વર્ષ-૨૦૨૩ને ઇન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ તરીકેની વૈશ્વિક ઉજવણી માટે ઘોષણા કરી છે. આ પહેલના ભાગરુપે રાજ્ય સરકાર દ્વારા મિલેટ્સ-શ્રીઅન્નના પ્રચાર પ્રસાર અને તેના ગુણકારી ફાયદાઓ વિશે લોકોમાં જાગૃત્તિ પ્રસરાવવા માટે કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ કડીના ભાગરુપે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આઈ.સી.ડી.એસ.ના નેજા હેઠળ અમરેલી જિલ્લામાં 'શ્રી અન્ન' વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લા પંચાયત ખાતે યોજાયેલી સ્પર્ધામાં આઈ.સી.ડી.એસ.માં ઘટક કક્ષાએ વિજેતા થયેલા બહેનોએ 'શ્રી અન્ન' માંથી તૈયાર કરેલી વિવિધ વાનગીઓ પ્રસ્તુત કરી હતી. આ વાનગીઓને આધારે નિર્ણાયકો એ પ્રથમ, દ્વિતીય અને તૃતિય વિજેતાઓ જાહેર કર્યા હતા.
જિલ્લા કલેક્ટરશ્રી અજય દહિયાએ આઈ.સી.ડી.એસ.ના બહેનોને પ્રેરણા આપતા જણાવ્યુ હતુ કે, પૌષ્ટિક તત્વોની દ્રષ્ટિએ
મિલેટ્સનું ઘણું મહત્ત્વ છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ઉજવાઈ રહેલા આંતરરાષ્ટ્રીય યર ઓફ મિલેટ્સ દ્વારા છેવાડાના વિસ્તાર સુધી ખાસ કરીને બહેનો સુધી વિવિધ 'શ્રી અન્ન' અને તેના ફાયદાઓ વિશે પ્રચાર-પ્રસાર કરવો આવશ્યક છે. આ પ્રસંગે તેમણે
ગામડામાં અને શહેરી વિસ્તારમાં બહેનો મિલેટ્સના ફાયદાઓ બાબતે જાગૃત્ત થાય તે માટે વિશેષ પ્રયત્નો હાથ ધરવા આંગણવાડી કાર્યકરોને સૂચન કર્યુ હતુ. તેમણે ખોરાકમાં રહેલા ચરબી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ તેમજ ગ્લાયસેમિક ઈન્ડેક્સ અને નોન કોમ્યુનિકેબલ ડીસીઝ વિશે પણ તેમણે વિસ્તૃત ચર્ચા કરી હતી.
સ્પર્ધામાં બહેનોએ રાગી-કોદરી, કાંગ, બાજરી, જુવાર, વગેરે જેવા 'શ્રી અન્ન'માંથી તૈયાર થયેલી કેક, ઈડલી, ઢોકળા, ઢેબરા, પુલાવ, 'શ્રી અન્ન'ની મીઠાઈઓ, વગેરે તૈયાર કર્યા હતા. નિર્ણાયકો દ્વારા આ સ્પર્ધામાં લીલીયા ઘટકના ચંદ્રિકાબેન ધોરાજીયા દ્વારા તૈયાર કરવામાં આવેલા 'મસાલા સરમિયું'ને પ્રથમ, રાજુલાના હેતલ બેન જોષીએ તૈયાર કરવામાં આવેલી રાગીની સુખડીને દ્વિતીય, અને સાવરકુંડલાના ઉર્મિલાબેન બોરીસાગરે તૈયાર કરેલ કાંગનો ઘસિયો (મીઠાઈ)ને તૃતિય વિજેતા જાહેર કર્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કાનાણીએ 'શ્રી અન્ન'ના ફાયદાઓ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલિયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવ, આઈ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસરશ્રી એ.કે. સિંઘ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આર.એમ. જોષી, આઈ.સી.ડી.એસના અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
જય ૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.