ઉત્તરાયણના પર્વમાં પતંગ દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર સંજ્જ - At This Time

ઉત્તરાયણના પર્વમાં પતંગ દોરાથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર સંજ્જ


રાજકોટ સહિત રાજયભરમાં ઉત્તરાયણનો પર્વ ઉમંગભેર ઉજવવા માટે પતંગ રસીકો સંજ્જ બની ગયા છે પરંતુ પતંગ દોરાથી નિર્દોષ પક્ષીઓને ઈજા અને મૃત્યુ થવાના બનાવોની રહેલી સંભાવનાના પગલે રાજયસરકાર દ્વારા પક્ષીઓના જીવન રક્ષણ માટે કરૂણા અભિયાન શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.20 સુધી ઘવાયેલા પક્ષીઓને બચાવવા અને સારવાર માટેની રાજય વ્યાપી કામગીરી કરવામાં આવશે.
રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા "કરુણા અભિયાન” હેઠળ ઈજાગ્રસ્ત થયેલ પક્ષીઓને તાત્કાલિક સારવાર આપવા માટે સુદ્રઢ આયોજનના ભાગરૂપે આજરોજ ક્લેક્ટર કચેરી ખાતેથી અધિક નિવાસી કલેક્ટર ચેતન ગાંધી દ્વારા પક્ષીઓની સારવાર અર્થે "એનિમલ હેલ્પલાઇન 1962” આશરે સાત એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપવામાં આવ્યું હતું.
આ તકે અધિક નિવાસી ક્લેક્ટરએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજકોટ જિલ્લામાં "કરુણા અભિયાન” હેઠળ ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે કરુણા 1962ની 22 એમ્બ્યુલન્સ, એનિમલ હેલ્પલાઇનની 11 એમ્બ્યુલન્સ, 3 બાઈક એમ્બ્યુલન્સ, 2 અદ્યતન હાઇડ્રોલીંક એમ્બ્યુલન્સ, જીવદયા ઘરની 1 એમ્બ્યુલન્સ, સોનોગ્રાફી, પેથોલોજી તેમજ જરૂરી ઓપરેશન માટેની તૈયારી સાથે વિવિધ વેટરનરી ડોક્ટરોની ટીમ સુસજ્જ રહેશે.
ખાસ કરીને જુનાગઢ અને આણંદથી 18 તબીબો સેવા માટે રાજકોટ આવશે. તેમજ પશુપાલન વિભાગના 10 ડોક્ટરોની ટીમ તાલુકા કક્ષાએ ફરજ નિભાવશે. ત્વરિત સારવાર માટે 21 નિદાન કેન્દ્રો, ક્લેકશન સેન્ટર સાથે જિલ્લાની તમામ તાલુકાઓની રેન્જ કચેરીએ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે. વધુમાં પક્ષી નિદાન કેન્દ્રોની માહિતી માટે વોટ્સએપ મોબાઈલ નં. 832000200 ઉપર મેસેજ સેવા પણ ઉપલબ્ધ છે તેમજ https://bit.ly/krunaabhiyanઉપર ક્લિક કરવાથી જિલ્લાવાર વિગતો મળી રહેશે અધિક નિવાસી કલેકટરએ ઉમેર્યું હતું.
એક પણ પક્ષી સારવાર મેળવવામાંથી વંચિત ન રહી જાય તે માટે રાજકોટ વન વિભાગના કંટ્રોલ રૂમ નંબર 8141770274, કરુણા અભિયાન અને હેલ્પલાઇન નંબર
( 1962,9898499954, 9898019059, ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર કંટ્રોલરૂમ નંબર 0281 - 2471573, ટોલ ફ્રી નંબર 1077) ની જાણકારી મહત્તમ નાગરિકો સુધી પહોંચાડવા પર તેમણે ખાસ ભાર મુકયો હતો.
સાથોસાથ વન વિભાગ દ્વારા ટાસ્કફોર્સ ટીમની રચના કરવામાં આવી છે, જેના દ્વારા પ્રતિબંધિત ચાઈનીઝ દોરા, ચાઈનીઝ વેંચતા વેપારીઓ પર રેડ પાડવામાં પણ આવશે.કલેકટર કચેરી ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં આ તકે ગુજરાત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય રાજેન્દ્રભાઈ શાહ, એનિમલ હેલ્પલાઇનના પ્રતિક સંઘાણી, મિત્તલ ખેતાણી, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીઓ, મદદનીશ વન સંરક્ષક એસ.ટી.કોટડીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.બી.મોકરિયા, વિક્રમસિંહ પરમાર, તબીબો, નર્સિંગ સ્ટાફ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.