જસદણ પંથકની 13 વર્ષની સગીરા પર કૌટુંબિક ભાઈએ દુષ્કર્મ આચર્યું, નરાધમની ધરપકડ
પિતા વિહોણી દીકરીના દાદા અને ભાઈને મારી નાખવાની ધમકી આપી આરોપી 10 મહિનાથી હવસ સંતોષતો હતો : સગીરાની માતાને 6 દીકરી અને 1 દીકરો છે અને આરોપી લગ્નની લાલચે ભોગ બનનારને ભગાડી જતા મામલો સામે આવ્યો હતો.
જસદણ પંથકની 13 વર્ષની સગીરા પર કૌટુંબિક ભાઈએ દુષ્કર્મ આચર્યાંની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ દુષ્કર્મના બનાવમાં જસદણ પોલીસે ફુલઝર ગામના આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવમાં આરોપી પિતા વિહોણી દીકરીના દાદા અને ભાઈને મારી નાખવાની ધમકી આપી છેલ્લા 10 મહિનાથી હવસ સંતોષતો હતો. બાદમાં આરોપી લગ્નની લાલચે ભોગ બનનારને ભગાડી જતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, 13 વર્ષની સગીરા ઘરેથી ક્યાંક ગુમ થઈ જતા પરિવાર તેની શોધખોળમાં લાગ્યો હતો. તે દરમિયાન સગીરા મળી આવતા તેનો કૌટુંબિક ભાઈ જ લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાનો ખુલાસો થયો હતો. બાદમાં સગીરાની માતાએ સગીરાને હકીકત પૂછતા સગીરાએ પોતાની આપવીતી જણાવી હતી. જે મુજબ આરોપીના પિતા અને સગીરાના માતા બન્ને મામા-ફૈઈના ભાઈ-બહેન થાય છે. એ સંબંધે આરોપી સગીરાનો કૌટુંબિક ભાઈ થાય છે. સગીરા 6 બહેન અને એક ભાઈમાં વચેટની છે અને તેના પિતા હયાત નથી. જેથી સગીરા તેના દાદા, માતા અને પોતાના ભાઈ-બહેન સાથે રહે છે. દરમિયાન આરોપી કૌટુંબિક સગો હોવાથી અવારનવાર સગીરાના ઘરે આવતો જતો હતો. તે દરમિયાન તેણે સગીરા પર નજર બગાડી હતી અને 10 માસ પહેલા આરોપી સગીરાના ઘરે ગયો હતો. ત્યારે સગીરાની એકલતાનો લાભ લઈ તેણી સાથે શરીર સંબંધ બાંધેલ હતો. આ અંગે કોઈને કહીશ તો તારા દાદા અને ભાઈને જાનથી મારી નાખીશ તેવી આરોપીએ ધમકી આપેલી. જેથી ડરી ગયેલી સગીરાએ આ અંગે કોઈને વાત કરી નહોતી એટલે આરોપી અવારનવાર આવી સગીરાના દેહને અભડાવતો હતો. બાદમાં સગીરાને પ્રેમ જાળમાં ફસાવી, લગ્ન કરવાની લાલચે ભગાડી ગયો હતો. સગીરાને ભગાડી ગયા પછી પણ જુદી-જુદી જગ્યાએ હવસ સંતોષી હોવાનું જાણવા મળે છે. બાદમાં બન્ને મળી આવતા પરિવારજનોએ કૌટુંબિક સગાઓને બોલાવી આ બનાવમાં ફરિયાદ નોંધવાનું નક્કી કર્યું હતું. જેથી સગીરાની માતાએ ફરિયાદ આપતા જસદણ પીઆઈ તપન બી. જાનીએ ફરિયાદના આધારે આઈપીસી 363, 366, 376(2)(એન), 376(3), 450, 506(2) અને પોકસો એકટ સહિતની કલમો મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.