ભગવતીપરામાં આર્થિક ભીંસથી કંટાળી સ્ક્રેપના ધંધાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

ભગવતીપરામાં આર્થિક ભીંસથી કંટાળી સ્ક્રેપના ધંધાર્થીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું


ભગવતીપરા માં સ્ક્રેપના ધંધાર્થી રમેશભાઇ ચુડાસમાએ આર્થિક ભીંસથી કંટાળી વહેલી સવારે હિંચકાના હુકમ દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવ અંગેની વિગત અનુસાર ભગવતીપરાની જયપ્રકાશ શેરી નં 2 માં રહેતાં રમેશભાઇ હમીરભાઈ ચુડાસમા (ઉ.વ.60) આજે વ્હેલી સવારે પોતાના ઘરે હિંચકાના હુકમાં દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
દરમિયાન તેમના મોટો પુત્ર બહાર આવીને જોતા તેના પિતા લટકેલી હાલતમાં જોવા મળતાં તાત્કાલિક મૃતદેહને નીચે ઉતારી 108 મારફતે સિવિલે ખસેડાયો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી ડિવિઝન પોલીસને જાણ કરતાં સ્ટાફ સિવિલે દોડી આવ્યો હતો અને કાગળો કરી મૃતદેહને પીએમમાં ખસેડી અપઘાતનું કારણ જાણવા પરિવારની પૂછપરછ હાથ ધરી હતી.
વધુમાં મૃતકના પુત્રએ જણાવ્યું હતું કે મારા પિતા ભાડાના ડેલામાં પ્લાસ્ટિકના સ્ક્રેપનો ધંધો કરતાં હતાં દરમિયાન ડેલાના માલિકે જગ્યા ખાલી કરાવતા ધંધો ઠપ્પ થઈ ગયો હતો અને ધંધા માટે લીધેલ લોનના હપ્તા ચડત થતાં તેની ચિંતામાં અંતિમ પગલું ભરી લીધું હતું. મૃતકને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે જેમને પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »