રાજકોટ : દારૂની મહેફિલના વાયરલ થયેલા વીડિયોમાં એક પોલીસમેન પણ હોવાનો ધડાકો : 6ને ઉઠાવી લેવાયા : CP ભાર્ગવ આકરા પાણીએ - At This Time

રાજકોટ : દારૂની મહેફિલના વાયરલ થયેલા વીડિયોમાં એક પોલીસમેન પણ હોવાનો ધડાકો : 6ને ઉઠાવી લેવાયા : CP ભાર્ગવ આકરા પાણીએ


શહેરમાં કથિત દારૂ મહેફિલનો વીડિયો વાયરલ થયેલો. જેમાં એક પોલીસ મેન પણ હોવાનો ધડાકો થયો છે. આ મામલે CP રાજુ ભાર્ગવ આકરા પાણીએ થયા છે અને કડક કાર્યવાહી કરવા સૂચના આપતા 6 લોકોને દબોચી લેવાયા છે.

બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં દરરોજ મૃત્યુઆંક વધી રહ્યો છે. આ ગોઝારી ઘટનાને કારણે અનેક પરિવારોનો માળો પીંખાઈ જવા પામ્યો છે ત્યારે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર જ હોવાના દાવાઓ પણ શરૂ થઈ ગયા છે. આ બધાની વચ્ચે સોશ્યલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં સરકાર અને પોલીસની ‘કહેવાતી’ દારૂબંધીની રીતસરની ધજ્જીયા ઉડી ગઈ છે. આ વાયરલ વીડિયો રાજકોટના પારેવડી ચોક પાસે આવેલી એક ઑફિસમાં ઉતર્યો હોવાનો દાવો કરવામાં આવતાં પોલીસે આરોપીઓને દબોચવા દોડધામ શરૂ કરી દીધી છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ગતરાત્રે માલવિયાનગર વિસ્તારમાં આવેલી એક ઑફિસમાં દારૂની પાર્ટી યોજાઈ હતી અને તેમાં પંદરેક જેટલા શખ્સો સામેલ થયા હતા. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ચારેક જેટલા શખ્સો દારૂ ભરેલો ગ્લાસ હાથમાં લઈને ‘નાચ કે દીખા’ ગીત ઉપર ડાન્સ કરી રહ્યા છે. જ્યારે ઑફિસની મુખ્ય ખુરશી ઉપર એક વૃદ્ધ બેઠેલા દેખાઈ રહ્યા છે અને તેઓ પણ હાથ ઉંચા કરીને નાચવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જ્યારે તેમના ટેબલની બાજુમાં જ એક નાનું ટેબલ પડેલું છે તેના ઉપર પાંચેક જેટલા દારૂના ગ્લાસ ભરેલા દેખાઈ રહ્યા છે.

આ અંગે માલવિયાનગર પોલીસ મથકના પીઆઈ ભુંકણનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે ઉપરોક્ત વીડિયો દોશી હોસ્પિટલની સામે આવેલીરવિરાજ નામની ઑફિસમાં ઉતર્યો હોવાનો દાવો થતાં દાવાના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળની તપાસ કરી હતી પરંતુ વીડિયોમાં દેખાઈ રહેલી ઑફિસ ક્યાંય પણ જોવા મળી નથી. જો કે તેમણે આ વીડિયો રાજકોટનો જ હોવાની વાતને સમર્થન પણ આપ્યું હતું. માલવિયાનગર પોલીસે તપાસ કરતાં તેના ધ્યાને ઑફિસ આવી નથી ત્યારે આખરે આ વીડિયો ક્યાંનો છે તે શોધવા માટે પોલીસે તમામ તાકાત લગાવી દીધી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.