ગુજસીટોકમાં જેલમાં બંધ અઝહર કિટલીએ વેપારી પાસે 5 લાખની ખંડણી માંગી હુમલો કરાવ્યો - At This Time

ગુજસીટોકમાં જેલમાં બંધ અઝહર કિટલીએ વેપારી પાસે 5 લાખની ખંડણી માંગી હુમલો કરાવ્યો


અમદાવાદ,તા.16 ઓગષ્ટ 2022,મંગળવારગુજસીટોક હેઠળ જેલમાં બંધ કુખ્યાત ગેંગસ્ટર અઝહર કિટલીએ મીઠાઈના વેપારી પાસેથી 5 લાખની ખંડણી માંગી ઘરે ગુંડા મોકલી હુમલો કરાવ્યો હતા. બનાવને પગલે વેપારીએ અઝહર કિટલી, અઝહર કબૂતર બબલુ સહિત છ જેટલા લોકો વિરુધ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં સોમવારે ફરિયાદ નોંધાવી છે. વેપારીએ પોલીસને ઓડિયો રેકોર્ડિંગ મોકલ્યું છે. જુહાપુરામાં સંકલીતનગરમાં રહેતા અને શેખ સ્વીટના નામે મીઠાઈઓ વેપાર કરતા ઝાકીરહુસેન હસમતભાઈ શેખએ વેજલપુર પોલુસ સ્ટેશનમાં અઝહર કિટલી, અઝહર કબૂતર, બબલુ સહિત 6 આરોપી વિરૂધ્ધ ફરિયાદ કરી છે. જે મુજબ ગત તા.30મી જુલાઈના રોજ અઝહર કિટલીએ વેપારી ઝાકીર હુસેનને ફોન કરી જામીન કરાવવા 5 લાખની જરૂર હોવાનું કહી ઘરે પૈસા મોકલવા જણાવ્યું હતું. ઝાકીરહુસેને મારી પાસે પૈસા નથી તેમ જણાવતા આરોપીએ ફોન કાપી નાખ્યો હતો. અઝહર કિટલી અવારનવાર ફોન કરી અપશબ્દો બોલી ધમકી આપતો બીજી તરફ અઝહર કબૂતર સમજાવટથી વાત કરતો હતો. ઝાકીર હુસેનને અનેક ધમકીભર્યા કોલ કર્યા બાદ આરોપીઓની દાળ ગળી નહી અને પૈસા મળ્યા ન હતા. બનાવને પગલે અઝહર કિટલીએ તેના સાગરિત કબૂતરના ભાઈ બબલુ સહિત 4 લોકોને ઝાકીર હુસેનને ઘરે મોકલ્યા હતા. આરોપીઓએ ગત તા.11મીની મોડી રાત્રીના બે વાગ્યે ઝાકિરહુસેનના ઘરે તલવારો અને લાકડીઓથી સજ્જ થઈ હુમલો કરી તોડફોડ કર્યા બાદ પરિવારને મારી નાંખવાની ધમકીઓ આપી હતી. બનાવને પગલે ડરી ગયેલા ઝાકીરહુસેને વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ખંડણી સહિતની કલમો હેઠળ 6 આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તત્કાલીન ડીસીપી ઝોન 7 પ્રેમસુખ ડેલુએ જુહાપુરાના ગેંગસ્ટરોને કાબુમાં લેવા માટે ગુજસીટોકની કાર્યવાહી કરી હતી. ડીસીપી ડેલુએ નઝીર વોરા, કાલુ ગરદન ગેંગ, સુલતાન અને બકુખાન ગેંગ તેમ અઝહર કિટલી ગેંગ વિરૂધ્ધ કાર્યવાહી કરી તમામને જેલ હવાલે કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.