સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત’ ————— સી.આઈ.એસ.એફ.ના ૫૬મા સ્થાપના દિન અંતર્ગત યોજાઈ રહેલ સાઈકલ રેલીનું ગીર સોમનાથ જિલ્લામાં ભવ્ય સ્વાગત
'સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત'
---------------
સી.આઈ.એસ.એફ.ના ૫૬મા સ્થાપના દિન અંતર્ગત યોજાઈ રહેલ સાઈકલ રેલીનું ગીર સોમનાથ જિલ્લામાં ભવ્ય સ્વાગત
---------------
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા સી.આઈ.એસ.એફ.ના સાઈકલિસ્ટ
---------------
સોમનાથ ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા સાઇકલિસ્ટોનું ખેસ અને પ્રસાદ આપી સ્વાગત-અભિવાદન
--------------
ગુજરાતમાં જ્યાંથી પણ રેલી પસાર થઈ છે, લોકોનો ખૂબ જ પ્રેમ મળ્યો છે.
-સી.આઈ.એસ.એફ ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી વી.એસ.પ્રતિહાર
--------------
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ (સી.આઈ.એસ.એફ.)ના ૫૬માં સ્થાપના દિન અંતર્ગત 'સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત'ના સૂત્ર સાથે લખપતથી કન્યાકુમારી સુધીની આશરે ૩૭૦૦ કિ.મી.ની યોજાયેલી સાયકલ રેલીનું આજરોજ ગીર સોમનાથ જિલ્લામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના પ્રાંગણમાં વહીવટી તંત્ર અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા તમામ સાઈકલિસ્ટોને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો.
સી.આઈ.એસ.એફ.ના સાઈકલિસ્ટોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જે પછી રામમંદિર ખાતે સાગરખેડૂઓની ઉપસ્થિતિમાં ડેપ્યુટી કમાન્ડન્ટ શ્રી વી.એસ.પ્રતિહારે દેશની સુરક્ષા માટે સાગર સુરક્ષા જરૂરી છે. જેમાં સાગરખેડૂઓ મોટી ભૂમિકા ભજવી શકે છે. ત્યારે સાગરખેડૂઓનો પણ અમને સહકાર મળે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે સાગરખેડૂઓમાં જાગૃતિ કેળવાય તે માટે આ સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તેની રૂપરેખા આપી હતી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અમારી રેલી ગુજરાતમાંથી જ્યાંથી પણ પસાર થઈ છે, તે સ્થળોએ લોકોએ ખૂબ જ પ્રેમ આપ્યો છે. લખપત કિલ્લાથી શરૂ થયેલી આ રેલી સમગ્ર પશ્ચિમી સમુદ્ર તટની સફર પૂર્ણ કરશે. ઉપરાંત પૂર્વ તરફથી પણ રેલીનું પ્રસ્થાન કરાવાયું છે. આ બન્ને રેલી કન્યાકુમારી ભેગી થશે. આમ કહી તેમણે ગુજરાતના લોકોએ આપેલા પ્રેમ બદલ કૃતજ્ઞભાવ વ્યક્ત કર્યો હતો.
આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શ્રી સાઈનાયકે જણાવ્યું હતું કે, ૧૪ મહિલાઓ સહિત કુલ ૧૨૫ સી.આઈ.એસ.એફ.ના જવાનો ૨૫ દિવસની આ યાત્રા દ્વારા સી.આઈ.એસ.એફ.ની સમુદ્ર કાંઠાની સુરક્ષા પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરશે. આ રેલીનો મુખ્ય હેતુ દરિયાઈ કિનારાના વિસ્તારના તમામ લોકોમાં ડ્રગ્સ, ચરસ જેવા નશાકારક પદાર્થો અને દાણચોરી, નકલી નોટોની હેરાફેરી, તસ્કરી જેવી બદીઓ પ્રત્યે જાગૃતિ કેળવવાનો છે.
રામમંદિરના ઓડિટોરિયમમાં સાઈકલિસ્ટોએ સોમનાથ મંદિરનો ઈતિહાસ, સોમનાથ ટ્રસ્ટની વિવિધ યાત્રિકલક્ષી પ્રવૃત્તિઓ, કાર્તિકી પૂર્ણિમાના મેળા અને મહાશિવરાત્રી દરમિયાન ટ્રસ્ટ તરફથી કરવામાં આવતી યાત્રાળુલક્ષી વ્યવસ્થાઓ અને શ્રદ્ધાળુઓ માટે સોમનાથ ટ્રસ્ટ તરફથી કરવામાં આવતી વ્યવસ્થાઓ વિશે ટૂંકી ફિલ્મ નિહાળી હતી અને સોમનાથ ટ્ર્સ્ટની કામગીરી વિશે અવગત થયાં હતાં.
ઉલ્લેખનીય છે કે, સેવા, સુરક્ષા અને સલામતિનો ધ્યેય લઈ ૧૨૫ સાઈકલિસ્ટ સાથે યોજાયેલી સાઈકલ રેલી ૨૫ દિવસમાં મહારાષ્ટ્ર, ગોવા, કેરળ સહિત ૯ જિલ્લાઓમાંથી પસાર થશે અને આશરે ૩૭૦૦ કિલોમીટરનો પ્રવાસ ખેડશે.
કાર્યક્રમના અંતે પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચૌહાણ, સીટી મામલતદાર શ્રી જે.એન.શામળા, પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી પટેલ, સ્થાનિક આગેવાનોના હસ્તે સાઈકલ રેલીને રામમંદિર ખાતેથી દિવ તરફ આગળના કાર્યક્રમ માટે રવાના કરવામાં આવી હતી.
00 00 00 000
આ પ્રકારના તમામ સમાચાર માટેે
