પ્રયાગરાજ હિંસા : માસ્ટર માઈન્ડના ઘર પર બુલડોઝર ફર્યું, પીએફઆઈના ઝંડા મળ્યા

પ્રયાગરાજ હિંસા : માસ્ટર માઈન્ડના ઘર પર બુલડોઝર ફર્યું, પીએફઆઈના ઝંડા મળ્યા


નવી દિલ્હી, તા.૧૨ઉત્તર પ્રદેશ પોલીસે શુક્રવારની નમાઝ પછી પ્રયાગરાજ, હાથરસ, ફિરોઝાબાદ, સહારનપુરમાં ભડકેલી હિંસામાં રવિવારે સવાર સુધીમાં કુલ ૩૦૪ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે પ્રયાગરાજ હિંસાના માસ્ટર માઈન્ડ જાવેદ પંપના ઘર પર ભારે પોલીસ ફોર્સની હાજરીમાં રવિવારે પીડીએએ બુલડોઝર ચલાવ્યું હતું અને ગેરકાયદે ભાગ તોડી પડાયો હતો. બીજીબાજુ રાંચીમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ જાપ્તો વધારાયો હતો અને 'હજારો' લોકો સામે ૨૫ એફઆઈઆર નોંધાઈ છે. દિલ્હીમાં પણ જામા મસ્જિદ બહાર દેખાવો બદલ બેની ધરપકડ કરાઈ છે.ઉત્તર પ્રદેશમાં હિંસા કરનારા સામે આકરાં પગલાં લેવાના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો પછી હિંસા અને પથ્થરમારાવાળા જિલ્લાઓમાં રવિવારે સ્થિતિ સામાન્ય રહી હતી. એડીજી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે જણાવ્યું કે, હિંસાના કેસોમાં અત્યાર સુધીમાં ૧૩ એફઆઈઆર નોંધાઈ છે અને રવિવારે વધુ ૫૦ લોકો સાથે કુલ ૩૦૪ તોફાની તત્વોની ધરપકડ કરાઈ છે, જેમાં અટાલા બડી મસ્જિદના ઈમામ અલી અહેમદનો પણ સમાવેશ થાય છે. અહી અહેમદે પોલીસને કાફીર ગણાવી યુવાનોને ઉશ્કેર્યા હતા. ત્યાર પછી પથ્થરમારો અને આગજની શરૂ થઈ હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ ધરપકડોની કાર્યવાહી ચાલુ રાખી છે.દરમિયાન ભારે પોલીસ ફોર્સની હાજરીમાં પ્રયાગરાજ હિંસાના માસ્ટર માઈન્ડ જાવેદ પંપના ઘર પર પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટી (પીડીએ)એ બુલડોઝર ચલાવી દીધું હતું. આ સમયે તેના ઘરની અંદર ગયા તો પીએફઆઈના ઝંડા અને ઉશ્કેરણીજનક સાહિત્ય મળી આવ્યું હતું. પોલીસ હવે તેની તપાસમાં લાગી છે. ઉત્તર પ્રદેશ પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, જાવેદ પંપના ઘર પર બુલડોઝરની કાર્યવાહી અને પોલીસને કોઈ લેવા દેવા નથી. પીડીએએ કહ્યું કે, જાવેદ પંપ સામેની કાર્યવાહી અતિક્રમણ વિરોધી અભિયાનનો ભાગ હતી. જાવેદ પંપને તેના ગેરકાયદે ઘર મુદ્દે ૧૦ મેએ કારણદર્શક નોટીસ પાઠવી હતી અને તેને ૨૪મીએ હાજર થવા જણાવાયું હતું. પરંતુ તેણે કોઈ જવાબ ન આપતાં ૧૦મી જૂને મકાન તોડી પાડવા નિર્દેશ અપાયા હતા.દરમિયાન ઝારખંડની રાજધાની રાંચીમાં રવિવારે તણાવપૂર્ણ સ્થિતિ હતી. જોકે, પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં સલામતી વ્યવસ્થા સઘન બનાવી હતી અને શુક્રવારની હિંસામાં સંડોવણી બદલ હજારો અજ્ઞાાત લોકો સામે ૨૫ એફઆઈઆર નોંધી હતી. પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરાઈ નથી. જોકે, હિંસાના લગભગ ૩૩ કલાક પછી રાંચીમાં ઈન્ટરનેટ સુવિધા ફરી શરૂ કરાઈ હતી. જિલ્લામાં હાલ સંવેદનશીલ વિસ્તારોમાં ૩,૫૦૦થી વધુ પોલીસ જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે.બીજીબાજુ દિલ્હીની જામા મસ્જિદ બહાર કોઈપણ મંજૂરી વિના દેખાવો કરવા અને સામાજિક સૌહાર્દ બગાડવા બદલ બે વ્યક્તિની ધરપકડ કરાઈ છે તેમ પોલીસે રવિવારે જણાવ્યું હતું. પોલીસે દેખાવોના આરોપીઓને ઓળખી કાઢવા માટે સીસીટીવી અને મોબાઈલ ફૂટેજ તપાસ્યા હતા. પોલીસે કહ્યું હતું કે, જામા મસ્જિદ બહાર દેખાવો કરનારાને ૧૦-૧૫ મિનિટમાં વિખેરી દેવાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »