રાજકોટના લક્ષ્મીવાડી વિસ્તારમાં બોમ્બ મળ્યાની માહિતીથી, તપાસ કરતા ઇલેક્ટ્રિક ડિવાઈસ મળ્યું - At This Time

રાજકોટના લક્ષ્મીવાડી વિસ્તારમાં બોમ્બ મળ્યાની માહિતીથી, તપાસ કરતા ઇલેક્ટ્રિક ડિવાઈસ મળ્યું


રાજકોટ : શહેરના લક્ષ્મીવાડી શેરી નં.૯માં આવેલા શ્રીનાથજી એપાર્ટમેન્ટની લીફ્ટમાંથી આજે સવારે જીનેટીક બોમ્બ લખેલું પાર્સલ મળી આવતા દોડધામ મચી ગઈ હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે તપાસ કરતાં પાર્સલમાંથી ભંગાર કેપેસીટર મળી આવ્યું હતું. ભક્તિનગર પોલીસે જાણવા જોગ નોંધ કરી આ ટીખળ કરનાર શખ્સને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી વધુ માહિતી મુજબ લક્ષ્મીવાડી શેરી નં. 9માં આવેલા શ્રીનાથજી એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. સી-2 ત્રીજા માળે રહેતાં તેજસભાઇ જગદીશભાઇ રાજદેવ સવારે અગિયારેક વાગ્‍યે પોતે એપાર્ટમેન્‍ટની લિફટમાંથી ઉપર જતાં હતાં ત્‍યારે લિફટમાં એક ઇલેક્‍ટ્રીક બોક્‍સ જેવું પડયું હતુ. પોતાને દૂરનું ઓછું દેખાતું હોવાને કારણે તેઓ બોક્‍સ ઉપરનું લખાણ વાંચી શક્‍યા નહોતાં. જેથી તેણે હાથમાં લઇને વાંચતા તેમાં જીનેટીક બોમ્‍બ એવું લખાણ જોવા મળતાં જ તેમણે બિલ્‍ડીંગના દાદરા પાસે અને બાદમાં બિલ્‍ડીંગની બહાર ઓટા પર આ બોક્‍સ ફેંકી દીધું હતું અને બિલ્‍ડીંગના અન્ય રહેવાસીઓને જાણ કરતાં પોલીસ કન્‍ટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. જેથી ભક્તિનગરના પીઆઈ એલ.એલ. ચાવડા સ્ટાફના માણસો સાથે સ્થળ પર દોડી ગયા હતા. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પણ બોલાવી લેવાતા તેનો સ્ટાફ ડોગ જોન્ટી સાથે સ્થળ પર પહોંચી ગયો હતો.

બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડના સ્ટાફે પાર્સલને નજીકના ખુલ્લા મેદાનમાં લઈ જઈ જોતા તેમાંથી ઈલેક્ટ્રીક ડિવાઈસ મળી આવ્યું હતું. જે ભંગાર કેપેસીટર હોવાના તારણ પર પોલીસ પહોંચી હતી. આ સમગ્ર ઘટનાક્રમ બાદ શ્રીનાથજી એપાર્ટમેન્ટના રહીશો અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon