રાજકોટ: આજીડેમ છલકાઈ ગયો: જાણો આજીડેમ વીસે રોચક વાતો - At This Time

રાજકોટ: આજીડેમ છલકાઈ ગયો: જાણો આજીડેમ વીસે રોચક વાતો


રાજકોટવાસીઓમાં આજે આનંદના છોળા ઉછળી રહ્યા છે. ન્યારી-1 અને ભાદર-1 ડેમ ઓવરફલો થયા બાદ શહેરીજનોનો સૌથી માનીતો આજી-1 ડેમ આજે સવારે સ્થાપનાના 68 વર્ષમાં 18મી વખત ઓવર ફલો થતા હરખની હેલી વ્યાપી જવા પામી છે. સવારથી શહેરમાં વરસાદ ચાલુ હોવા છતાં ડેમ સાઇટ પર લોકો ઉમટી પડયા હતા. કોર્પોરેશનના પદાધિકારીઓએ આજીમાં નવા નીરના વધામણા કર્યા હતા. 31મી જાન્યુઆરી સુધી ચાલે તેટલું પાણી ડેમમાં સંગ્રહિત થઇ ગયું છે.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સિંચાઇ વિભાગના ઇજનેરી સુત્રોના જણાવ્યાનુસાર રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમ આજે સવારે ઓવરફલો થઇ ગયો છે. વર્ષ 2019, 2020 અને 2021 બાદ આજે સતત ચોથા વર્ષે ડેમ છલકાયો છે. હાલ આજી ડેમ 0.012 મીટરની ઓવરફલો થઇ રહ્યો છે. રાજકોટની જનતા પીવાનું અને સિંચાઇનું પાણી પુરુ પાડવા માટે 1954 આજી ડેમનું બાંધકામ શરુ કરવામાં આવ્યું હતું. ડેમનું બાંધકામ પૂર્ણ થયા બાદ પ્રથમવાર 1976માં ડેમ ઓવર ફલો થયો હતો. છેલ્લા ઘણા વષોથી આજી ડેમમાંથી સિંચાઇ માટે પાણી ઉપાડવામાં આવતું નથી. માત્ર રાજકોટની જનતાને પીવાનું પાણી આપવા માટે જ ડેમમાંથી પાણી ઉપાડવામાં આવી રહ્યું છે.

આજે 18મી વખત આજી ઓવરફલો થયો છે. આ પહેલા વર્ષ 1976, 1977, 1978, 1979, 1980, 1983, 1988, 2003, 2007, 2008, 2010, 2011, 2013, 2017, 2019, 2020 અને વર્ષ 2021માં ડેમ ઓવરફલો થયો હતો.આજે આજી ડેમ છલકાતા રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શિકા શાહ, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા, પક્ષના દંડક સુરેન્દ્રસિંહ વાળા અને વોટર વર્કસ કમિટીના ચેરમેન દેવાંગ માંકડ સહિતના કોર્પોરેશનના પદાધિકારીઓએ નવા નીરના વધામણા કર્યા હતા.આજી ડેમમાં હાલ 918 એમસીએફટી પાણી સંગ્રહિત છે.

દૈનિક વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવા માટે આજી ડેમમાંથી જેટલું પાણી ઉપાડવામાં આવે છે તે મુજબ ગણતરી કરવામાં આવે તો 31મી જાન્યુઆરી સુધી ચાલે તેટલું પાણી આજીમાં સઁગ્રહિત છે. જાન્યુઆરી માસના અંતમાં ફરી આજીમાં સૌની યોજના અંગર્તત નર્મદાના નીર ઠાલવવા જ પડશે.આ વર્ષ પણ આજી ઓવરફલો થવામાં નર્મદા મૈયાની મોટી કૃપા રહી છે. ડેમમાં છેલ્લા દોઢ માસમાં 536 એમસીએફટી નર્મદાના નીર ઠાલવવામાં આવ્યા હતા. આજે ડેમ 18મી વખત ઓવરફલો થતાની સાથે જ રાજકોટવાસીઓમાં એક અલગ પ્રકારનો આનંદ વ્યાપી જવા પામ્યો છે.

1988 બાદ 15 વર્ષના લાંબા અંતરાલ પછી 2003 ઓવરફ્લો થયો હતો આજી
64 વર્ષનો આજી ડેમ આજે સવારે સ્થાપના કાળ બાદ 18મી વખત ઓવરફ્લો થઇ ગયો છે. રાજકોટવાસીઓના હૈયા હરખાય રહ્યા છે. આજી ડેમનો સ્ત્રાવ વિસ્તાર એવો છે કે તે સૌથી છેલ્લે છલકાય છે.

1954માં ડેમ બનાવવામાં આવ્યો હતો. સ્થાપનાના 22 વર્ષ બાદ પ્રથમવાર વર્ષ 1976માં આજી ડેમ ઓવરફ્લો થયો હતો. જો કે ત્યારબાદ સતત પાંચ વર્ષ સુધી સારા વરસાદના કારણે ડેમ સતત છલકાયો હતો. 1988 બાદ દોઢ દાયકા અર્થાત 15 વર્ષના લાંબા અંતરાલ બાદ વર્ષ-2003માં આજી ડેમ ઓવરફ્લો થયો હતો ત્યાર બાદ ફરી ચાર વર્ષના વિરામ બાદ 2007માં ડેમ છલકાયો હતો. હવે આજી ડેમ સૌની યોજના અંતર્ગત ગમે ત્યારે નર્મદાના નીરથી ઓવરફ્લો થવા માટે સક્ષમ છે. જો કે 2019થી સતત ડેમ ઓવરફ્લો થઇ રહ્યો છે.

ન્યારી અને ભાદર બાદ સૌથી છેલ્લે છલકાય છે આજી: વર્ષોથી એક જ સિનારિયો
રાજકોટની જળ જરૂરિયાત સંતોષતો આજી ડેમ આજે સવારે ઓવરફ્લો થઇ ગયો છે. વર્ષોથી જાણે એક વણલખી પરંપરા બની ગઇ હોય તેમ સૌપ્રથમ ન્યુ રાજકોટની જળ જરૂરિયાત સંતોષતો ન્યારી-1 ડેમ છલકાય છે. ત્યાર બાદ સૌરાષ્ટ્રનો દરિયો અને જળ સંગ્રહ શક્તિની દ્રષ્ટિએ પ્રથમ નંબરનો ડેમ ભાદર છલકાય છે. સૌથી છેલ્લે આજી ડેમ છલકાય છે. હવે વર્ષમાં બે થી ત્રણ વખત સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર ઠાલવવામાં આવતા હોવાના કારણે છેલ્લા ચાર વર્ષથી સતત આજી છલકાય રહ્યો છે. આજી ડેમનો કેચમેન્ટ વિસ્તાર જ એવો છે કે અનરાધાર વરસાદ પડે તો પણ ડેમમાં પાણીની નજીવી આવક થાય છે.

ડેમ છલોછલ પણ પાણી માત્ર સાડા ચાર મહિના જ ચાલશે
રાજકોટની વસતી અને વિસ્તાર સતત વધી રહ્યા છે. જેના પ્રમાણમાં જળાશયોની સંખ્યામાં કોઇ જ વધારો થયો નથી. રાજકોટ પીવાના પાણી પ્રશ્ર્ને સંપૂર્ણપણે નર્મદાના નીર પર આધારિત છે. આજી ડેમ આજે ભલે ઓવરફ્લો થઇ ગયો હોય ડેમમાં 918 એમસીએફટી પાણી સંગ્રહિત છે. પરંતુ આ જળ જથ્થો માત્રને માત્ર સાડા ચાર મહિના જ ચાલશે. આજી ડેમ 31મી જાન્યુઆરી બાદ ડુકી જશે. ત્યારબાદ ચોમાસાની સિઝન સુધી શહેરીજનોને નળ વાટે નિયમિત દૈનિક 20 મીનીટ પાણી આપવા માટે આજી ડેમમાં સૌની અંતર્ગત નર્મદાના નીર ઠાલવવા પડશે.

નર્મદાના નીર ન ઠાલવાયા હોત તો આ વર્ષ આજી અડધો જ ભરાત !
આજી ડેમ આજે 18મી વખત ઓવરફ્લો થયો છે. તેમાં મેઘરાજા કરતા નર્મદા મૈયાની કૃપા વધુ જોવા મળી રહી છે. 918 એમસીએફટી સંગ્રહશક્તિ ધરાવતા આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત 536 એમસીએફટી પાણી તો નર્મદાનું ઠાલવવામાં આવ્યું છે. જો નર્મદાના નીર ઠાલવવામાં આવ્યા ન હોત તો આજી માત્ર અડધો જ ભરાયો હતો. આજે આજી ઓવરફ્લો થતા ચાલુ વરસાદે વિશાળ જળ રાશિ નિહાળવા માટે લોકો ડેમ સાઇટ પર પહોંચી ગયા હતાં.

આજી ડેમ ક્યારે ક્યારે છલકાયો
વર્ષ-1976, વર્ષ-1977, વર્ષ-1978, વર્ષ-1979 , વર્ષ-1980 , વર્ષ-1983 , વર્ષ-1988, વર્ષ-2003, વર્ષ-2007 , વર્ષ- 2008 , વર્ષ-2010 , વર્ષ-2011 , વર્ષ-2013 , વર્ષ-2017 , વર્ષ-2019 , વર્ષ-2020 , વર્ષ-2021 , વર્ષ-2022


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.