અમિત શાહે દિલ્હીમાં ભારતપોલ પોર્ટલ લોન્ચ કર્યું:શાહે કહ્યું- પહેલા માત્ર CBI જ ઈન્ટરપોલ સાથે જોડાયેલી હતી, હવે તમામ એજન્સીઓ અને રાજ્યોની પોલીસ પણ જોડાશે - At This Time

અમિત શાહે દિલ્હીમાં ભારતપોલ પોર્ટલ લોન્ચ કર્યું:શાહે કહ્યું- પહેલા માત્ર CBI જ ઈન્ટરપોલ સાથે જોડાયેલી હતી, હવે તમામ એજન્સીઓ અને રાજ્યોની પોલીસ પણ જોડાશે


​​​​​​કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે સવારે દિલ્હીમાં ભારતપોલ પોર્ટલ લોન્ચ કર્યું હતું. શાહે કહ્યું- ભારતપોલ આપણા દેશની આંતરરાષ્ટ્રીય તપાસને નવા યુગમાં લઈ જશે. અગાઉ CBI એકમાત્ર એવી એજન્સી હતી જે ઈન્ટરપોલ સાથે કામ કરવા માટે માન્ય હતી, પરંતુ હવે ભારતપોલ દ્વારા દરેક ભારતીય એજન્સી અને તમામ રાજ્યોની પોલીસ ઈન્ટરપોલ સાથે સરળતાથી જોડાઈ શકશે. અમે ગુનાખોરીને અંકુશમાં લેવા માટે કાર્યક્ષમતાથી કામ કરવાનું ચાલુ રાખીશું. CBI દ્વારા જ ભારતપોલ બનાવવામાં આવ્યું છે. ઈન્ટરપોલની જેમ જ ભારતપોલ પોર્ટલ બનાવવામાં આવ્યું છે. આ સાથે તપાસ એજન્સીઓને સાયબર અને નાણાકીય ગુનાઓ સહિત અન્ય ગુનાઓમાં ઈન્ટરન્શનલ પોલીસની તાત્કાલિક મદદ મળશે. આ પોલ દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પોલીસ ગુનેગારો અને વિદેશ ભાગી ગયેલા ગુનાઓ વિશે ઈન્ટરપોલ પાસેથી માહિતી મેળવી શકશે. ઇન્ટરપોલ ઉપરાંત અન્ય દેશોની તપાસ એજન્સીઓને પણ જોડી શકાય છે. દેશમાં ગુના કરીને ભાગી જનારા ગુનેગારોને પકડવાનો પડકાર
ગૃહ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમ, ફાઈનાન્સિયલ ક્રાઈમ, ઓનલાઈન ટેરરિઝમ, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ, ડ્રગ્સ સ્મગલિંગ, માનવ તસ્કરી વગેરે સહિતના ઈન્ટરનેશનલ ક્રાઈમના કેસની સંખ્યા વધી રહી છે. તેમની તપાસ દરમિયાન ઘણી વખત અન્ય દેશોની મદદ લેવી પડે છે. તેમજ આજે પણ સુરક્ષા એજન્સીઓ માટે દેશમાં ગુનાઓ આચરનાર અને વિદેશ ભાગી ગયેલા ગુનેગારોને પરત લાવીને તેમને સજા કરાવવાનો પડકાર છે. આ માટે ભારતીય એજન્સીઓ ઈન્ટરપોલ સહિત અન્ય વિદેશી સુરક્ષા એજન્સીઓની મદદ લે છે. હવે ભારતપોલ દ્વારા ઈન્ટરપોલ અને અન્ય દેશોમાંથી ગુનેગારોનો ડેટા તુરંત મળી શકશે. CBIના 35 અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું
શાહ કાર્યક્રમમાં સીબીઆઈના 35 અધિકારીઓને પોલીસ મેડલથી સન્માનિત કર્યા હતા. આ અધિકારીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ પોલીસ મેડલ અને સારી તપાસ માટે કેન્દ્રીય ગૃહ મંત્રી મેડલ એનાયત કરવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.