અમેરિકાએ મિડલ ઈસ્ટમાં મિસાઈલથી સજ્જ સબમરીન મોકલી:ઇઝરાયલ પર ઈરાનના હુમલાનો ડર, ચીન ઈરાનના સમર્થનમાં - At This Time

અમેરિકાએ મિડલ ઈસ્ટમાં મિસાઈલથી સજ્જ સબમરીન મોકલી:ઇઝરાયલ પર ઈરાનના હુમલાનો ડર, ચીન ઈરાનના સમર્થનમાં


અમેરિકાએ માર્ગદર્શિત મિસાઇલોથી સજ્જ સબમરીન અને F-35C ફાઇટર જેટથી સજ્જ એરક્રાફ્ટ કેરિયર્સ મધ્ય પૂર્વમાં મોકલી છે. ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની વધતી જતી આશંકાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ઇઝરાયલના રક્ષા મંત્રી યોવ ગાલાંટ અને અમેરિકી રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિન વચ્ચેની વાતચીત બાદ લેવામાં આવ્યો છે. અમેરિકી રક્ષા મંત્રીએ કહ્યું કે, અમેરિકા ઇઝરાયલના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે. આ પહેલા 1 ઓગસ્ટના રોજ વોશિંગ્ટન પોસ્ટે પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે, અમેરિકાએ મધ્ય પૂર્વમાં 12 નવા યુદ્ધ જહાજ તૈનાત કર્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે ફોન પર વાતચીત દરમિયાન ઇઝરાયલનો બચાવ કરવાનું વચન આપ્યું હતું. લુફ્થાન્સાએ ઇઝરાયલની ફ્લાઇટ્સ રદ કરી
જર્મન એરલાઈન કંપની લુફ્થાન્સાએ ઇઝરાયલ, ઈરાન અને લેબેનોનની ફ્લાઈટ પર પ્રતિબંધ લંબાવ્યો છે. હવે લુફ્થાન્સાએ 21 ઓગસ્ટની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી દીધી છે. લુફ્થાન્સાએ ઈરાન અને ઈરાકની એરસ્પેસનો ઉપયોગ કરવાનો પણ ઈન્કાર કરી દીધો છે. આ પહેલા ભારતીય એરલાઈન કંપની એર ઈન્ડિયાએ પણ ઇઝરાયલ તરફની ફ્લાઈટ્સ અનિશ્ચિત સમય માટે રદ કરી દીધી છે. ચીન ઈરાનના સમર્થનમાં બહાર આવ્યું
ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના વધતા જતા ખતરા વચ્ચે ચીને ઈરાનનું સમર્થન કર્યું છે. રવિવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ઈરાનના કાર્યવાહક વિદેશ મંત્રી અલી બઘેરી કાની સાથે ફોન પર વાત કરી હતી. વાતચીત દરમિયાન વાંગ યીએ કહ્યું કે, ચીન તેની સાર્વભૌમત્વની સુરક્ષામાં ઈરાનનું સમર્થન કરે છે. વાંગ યીએ ઈરાનમાં હમાસ ચીફ હનીયેહ પર થયેલા હુમલાની પણ નિંદા કરી હતી. ચીનના વિદેશ મંત્રીએ કહ્યું કે, હમાસ ચીફની હત્યા ઈરાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરે છે. તેનાથી પ્રાદેશિક સ્થિરતા સામે ખતરો વધી ગયો છે. ગત મહિને 31 જુલાઈએ ઈરાનમાં હમાસ ચીફ હનીયેહની હત્યા કરવામાં આવી હતી. ઈરાનના જણાવ્યા અનુસાર, હનીયેહ પર ટૂંકા અંતરની મિસાઈલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. 'વિસ્તારમાં અમારા સૈનિકોની સુરક્ષા માટે શસ્ત્રોની જમાવટમાં વધારો'
અમેરિકાએ ઇઝરાયલને સમર્થન આપવા અને આ વિસ્તારમાં હાજર અમેરિકન સૈનિકોની સુરક્ષા માટે હથિયારો મોકલવાનો નિર્ણય લીધો હતો. ગયા વર્ષે ઓક્ટોબરમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદથી તેણે મધ્ય પૂર્વ અને ભૂમધ્ય સમુદ્રમાં તેના યુદ્ધ જહાજોની સંખ્યામાં વધારો કર્યો હતો. 2 યુએસ નેવી ડિસ્ટ્રોયર, યુએસએસ રૂઝવેલ્ટ, યુએસએસ બુલ્કલી, યુએસએસ વેસ્પ અને યુએસએસ ન્યૂયોર્ક જેવા કેરિયર્સ આ વિસ્તારમાં હાજર છે. USS Wasp અને ન્યૂ યોર્કને તંગદિલી વધવાની સ્થિતિમાં યુએસ સૈનિકોને આ વિસ્તારમાંથી ઝડપથી બહાર કાઢવા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ પહેલા 13 એપ્રિલે પણ જ્યારે ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો ત્યારે અમેરિકન સંરક્ષણ પ્રણાલીએ તેને અટકાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.