હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક આખા રાજ્યમાં વરસાદની સંભાવના - At This Time

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક આખા રાજ્યમાં વરસાદની સંભાવના


અમદાવાદ: રાજ્યના લોકો અને ખાસ કરીને ખેડૂતો જેની આતુરતાપૂર્વક રાહ જોતા હતા તે ક્ષણ આવી ચૂકી છે. રાજ્યમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવામાન વિભાગ તરફથી આ અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત સુધી રાજ્યમાં ચોમાસું બેસી ગયું છે. આગામી બે દિવસમાં આખા રાજ્યમાં ચોમાસું બેસી શકે છે. આ સાથે જ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.

વરસાદની આગાહી : હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાક રાજ્યમાં છૂટોછવાયો વરસાદ પડશે. આ દરમિયાન થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી પણ જોવા મળશે. આ સાથે જ લોકોને ગરમીથી રાહત મળશે. 17મી તારીખથી ફરીથી વરસાદનું જોર વધશે. આ ઉપરાંત આગામી ત્રણ દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ બની રહેશે. હવામાન વિભાગની એવું પણ કહેવું છે કે આગામી 48 કલાક સુધીમાં ચોમાસું આગળ વધી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના તમામ જિલ્લાઓમાં છૂટોછવાયો તે ક્યાંક ભારે વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?: ગુજરાતમાં પ્રી-મોન્સૂન માં જ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. તંત્ર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 11 તાલુકા એવા છે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. જ્યારે એક તાલુકામાં ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. સોમવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થતા 24 કલાક દરમિયાન મહીસાગરના સંતરામપુર માં 76 એમએમ વરસાદ પડ્યો છે.

નોંધપાત્ર વરસાદ પડ્યો હોય તેવા તાલુકા: સોમવારે સવારે 6 વાગ્યે પૂર્ણ થતા 24 કલાક દરમિયાન મહીસાગરના સંતરામપુરમાં 76 એમએમ વરસાદ પડ્યો છે. જૂનાગઢ તાલુકામાં 43 એમ.એમ. વરસાદ પડ્યો છે, જ્યારે જૂનાગઢ શહેરમાં પણ 43 એમ.એમ. વરસાદ પડ્યો છે. અમરેલીના વડિયામાં 34 એમ.એમ. વરસાદ પડ્યો છે. દાહોદમાં 34 એમ.એમ., ઝાલોદમાં 32 એમ.એમ., નવસારીના ખેરગામમાં 27 એમ.એમ., સાબરકાંઠાના તલોદમાં 27 એમએમ, પંચમહાલના મોરવા હડફમાં 27 એમ.એમ., મહિસાગરના કડાણામાં 26 એમ.એમ., બનાસકાંઠાના પાલનપુરમાં 25 એમ.એમ., વરસાદ નોંધાયો છે.

91 તાલુકામાં વરસાદ: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સરેરાશ 3.94 એમ.એમ. વરસાદ પડ્યો છે. કુલ 26 જિલ્લાના 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે 76 એમ.એમ. વરસાદ સંતરામપુરમાં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 125 તાલુકામાં વરસાદ નોંધાયો નથી. અત્યારસુધી રાજ્યમાં સરેરાશ 7.79 એમ.એમ. વરસાદ પડ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon