આજે PM મોદી ભુવનેશ્વર જશે:1 લાખ મહિલાઓની ભીડ વચ્ચે સુભદ્રા યોજના શરૂ કરશે, તમામ મંત્રીઓને સવારે 7.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર હાજર રહેવા સૂચના - At This Time

આજે PM મોદી ભુવનેશ્વર જશે:1 લાખ મહિલાઓની ભીડ વચ્ચે સુભદ્રા યોજના શરૂ કરશે, તમામ મંત્રીઓને સવારે 7.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર હાજર રહેવા સૂચના


ભાજપ દ્વારા દેશભરમાં વડાપ્રધાનના 74મા જન્મદિવસની ભવ્ય ઊજવણી માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. PM આજે (17 સપ્ટેમ્બર) એટલે કે પોતાના જન્મ દિવસે અમદાવાદ એરપોર્ટથી ભુવનેશ્વર જવા 8.40 વાગ્યે રાજ ભવનથી એરપોર્ટ જવા નીકળશે. ત્યારબાદ અમદાવાદ એરપોર્ટ પરથી 9 વાગ્યે રવાના થશે. જોકે, તમામ મંત્રીઓ પણ એરપોર્ટ પર વહેલી સવારે 7.30 વાગ્યાથી હાજર રહેશે. ભુવનેશ્વરથી સુભદ્રા યોજના શરૂ કરશે મોદી ભુવનેશ્વરમાં પીએમ સુભદ્રા યોજના શરૂ કરશે. આ યોજના હેઠળ 21થી 60 વર્ષની વયની લગભગ એક કરોડ મહિલાઓને 5 વર્ષ સુધી દર વર્ષે 10,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. દરેક મહિલાને કુલ 50,000 રૂપિયા મળશે. દર વર્ષે રક્ષાબંધન અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે 10,000 રૂપિયાની રકમ બે હપ્તામાં આપવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, PM મોદી લગભગ 1 લાખ મહિલાઓની ભીડ વચ્ચે સુભદ્રા યોજના શરૂ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઓડિશામાં જીત બાદ ભાજપ સરકાર સુભદ્રા યોજના દ્વારા સમાજની ગરીબ મહિલાઓના સશક્તિકરણ માટે આર્થિક મદદ કરી રહી છે. રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે પ્રધાનમંત્રી ભુવનેશ્વરમાં 2800 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં રેલવે પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે અને દેશને સમર્પિત કરશે. આ રેલવે પ્રોજેક્ટ્સ ઓડિશામાં રેલવેની માળખાગત સુવિધા વધારશે તથા આ વિસ્તારમાં વૃદ્ધિ અને કનેક્ટિવિટીમાં સુધારો કરશે. તેઓ 1000 કરોડ રૂપિયાથી વધારેનાં મૂલ્યનાં રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રોજેક્ટનું ભૂમિપૂજન પણ કરશે. 26 લાખ લાભાર્થીઓ માટે ગૃહપ્રવેશની ઉજવણી કરવામાં આવશે ​​​​​​​પ્રધાનમંત્રી લગભગ 14 રાજ્યોના PMAY-G હેઠળ લગભગ 10 લાખ લાભાર્થીઓને સહાયનો પહેલો હપ્તો જાહેર કરશે. આ કાર્યક્રમ દરમિયાન દેશભરમાંથી PMAY (ગ્રામીણ અને શહેરી)ના 26 લાખ લાભાર્થીઓ માટે ગૃહપ્રવેશની ઉજવણી કરવામાં આવશે. પ્રધાનમંત્રી PMAY (ગ્રામીણ અને શહેરી) લાભાર્થીઓને તેમના ઘરની ચાવી આપશે. તેઓ PMAY-G માટે વધારાના ઘરોના સર્વેક્ષણ માટે Awaas+ 2024 એપ પણ લોન્ચ કરશે. વધુમાં, પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી આવાસ યોજના – અર્બન (PMAY-U) 2.0ની કાર્યકારી માર્ગદર્શિકાનો પણ શુભારંભ કરશે. રાજ્યભરમાં પોષણ અભિયાન અને રક્તદાનના કાર્યક્રમ યોજાશે ​​​​​​​​​​​​​​વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈ 17 સપ્ટેમ્બરથી મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી સેવા પખવાડિયાની ઉજવણી કરાશે. આ સેવા પખવાડિયાનું આયોજન ભાજપ દ્વારા કરાશે. જે અનુસંધાને રાજ્યભરમાં પોષણ અભિયાન અને રક્તદાનના કાર્યક્રમ યોજાશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.