બોટાદ જિલ્લાના ધો. 10ના 10,380 વિદ્યાર્થીઓ, ધો. 12 સામાન્ય પ્રવાહના 6,990 અને વિજ્ઞાન પ્રવાહના 900 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે - At This Time

બોટાદ જિલ્લાના ધો. 10ના 10,380 વિદ્યાર્થીઓ, ધો. 12 સામાન્ય પ્રવાહના 6,990 અને વિજ્ઞાન પ્રવાહના 900 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે


બોટાદ જિલ્લાના ધો. 10ના 10,380 વિદ્યાર્થીઓ, ધો. 12 સામાન્ય પ્રવાહના 6,990 અને વિજ્ઞાન પ્રવાહના 900 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ધોરણ 10ના 8 સંવેદનશીલ તથા 2 અતિ સંવેદનશીલ કેન્દ્રો, જ્યારે ધોરણ 12ના 4 સંવેદનશીલ તથા 3 અતિ સંવેદનશીલ કેન્દ્રો પર વિશેષ વ્યવસ્થા

વર્ગ-1 અને 2ના અધિકારીશ્રીઓ, કેન્દ્ર સંચાલકો તેમજ 700 જેટલા ખંડ નિરીક્ષકો પરીક્ષા કામગીરીમાં સંકળાયા

વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સુચારૂં આયોજન

આવતી કાલથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે બોટાદના ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી વિક્રમસિંહ પરમારે પરીક્ષા વ્યવસ્થા અંગે જણાવ્યું હતું કે, “જિલ્લામાં કુલ 18,270 વિદ્યાર્થીઓ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપશે. જે પૈકી 10ના 10,380 વિદ્યાર્થીઓ, ધો. 12 સામાન્ય પ્રવાહના 6,990 અને વિજ્ઞાન પ્રવાહના 900 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઇ રહ્યાં છે. તમામ વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે તે માટે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સુચારૂં આયોજન કરવામાં આવ્યું છે.”
ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીએ વધુમાં ઉમેર્યું હતું કે, “બોટાદ જિલ્લામાં ધોરણ 10 માટે 8 સંવેદનશીલ અને 2 અતિ સંવેદનશીલ કેન્દ્ર ખાતે, જ્યારે ધોરણ 12માં 4 સંવેદનશીલ અને 3 અતિ સંવેદનશીલ કેન્દ્રો ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત જિલ્લાના મહત્વપૂર્ણ પરીક્ષા કેન્દ્રો પર વર્ગ 1 અને 2ના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. ધોરણ 10ની પરીક્ષા માટે બોટાદ જિલ્લામાં 10 સેન્ટરોના 29 બિલ્ડીંગનાં 346 બ્લોક ખાતેથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જ્યારે ધો. 12 સામાન્ય પ્રવાહમાં 7 કેન્દ્રોના 21 બિલ્ડીંગ ખાતેનાં 233 બ્લોકમાં જ્યારે વિજ્ઞાન પ્રવાહ માટે 1 કેન્દ્રના 5 બિલ્ડીંગનાં 45 બ્લોક ખાતેથી વિદ્યાર્થીઓ પરીક્ષાઓ આપશે. પરીક્ષા કામગીરીમાં પ્રત્યેક સેન્ટર દીઠ 1-1 કેન્દ્ર સંચાલક સહિત કુલ 700 જેટલા ખંડ નિરીક્ષકો પણ સંકળાયા છે,”
ઉપરાંત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા બાબતે જણાવતાં ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીએ કહ્યું હતું કે, “દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે જિલ્લાના દરેક પરીક્ષા કેન્દ્રના પ્રથમ બિલ્ડીંગમાં ભોંયતળીયે અલગ વર્ગખંડની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જે દિવ્યાંગ વિદ્યાર્થીઓને લહિયાની જરૂર હોય તેમને તબીબોની સલાહ મુજબ સહાયક આપવામાં આવશે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાંથી આવતાં વિદ્યાર્થીઓને પરીક્ષાકેન્દ્ર સુધી પહોંચાડવા માટે એસ.ટી વિભાગ દ્વારા ખાસ આયોજન કરાયું છે. ઉપરાંત જરૂરિયાત મુજબ વિદ્યાર્થીઓ સુધી વાહન વ્યવહારની સુવિધા પહોંચાડવા કંટ્રોલરૂમ ખાતે શિક્ષકો, પીજીવીસીએલના કર્મચારી સાથે એસ.ટી વિભાગનાં કર્મચારી પણ સતત તૈનાત રહેશે. તમામ કેન્દ્રો ખાતેથી પરીક્ષાનું સીસીટીવી મોનિટરીંગ થશે. ઉપરાંત પરીક્ષા કેન્દ્રો ખાતે જરૂરી દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે.” અત્રે ઉલ્લેખનીય છે કે સરકારી હાઈસ્કૂલ, બોટાદ ખાતેથી પ્રશ્નપત્રો જે-તે કેન્દ્રો સુધી પહોંચાડાશે. વિદ્યાર્થીઓ અને વાલીઓના માર્ગદર્શન માટે જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ કાર્યરત કરાયો છે. કંટ્રોલરૂમ નંબર 02849 271327 ઉપર સવારે 7 કલાકથી રાત્રિના 8 કલાક સુધી સંપર્ક કરી શકાશે.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon