ગરબાડા નો યુવાન લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો, યુવાન ૩.૫૦ લાખ આપીને ઉજ્જૈનની યુવતી સાથે લગ્ન કર્યા પરંતુ તે બીજાની પત્ની નીકળતા પરિવારજનોના પગતળે થી જમીન સરકી જવા પામી હતી.
દાહોદ જિલ્લાના ગરબાડા નગરના યુવકે એક માસ પહેલાં જ ઉજ્જૈનની એક યુવતી સાથે લગ્ન કર્યા હતાં. બુધવારે યુવકના ઘરે ધસી આવેલા યુવકે તે આ યુવતીનો પતિ હોવાનો દાવો કરવા સાથે તેના બે બાળકો હોવાનું પણ જણાવતાં પરિવારના પગતળેથી જમીન ખસી ગઈ હતી. આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પરંતુ મોડી સાંજ સુધી કોઈ નિરાકરણ આવ્યુ ન હતું. યુવકે 3.50 લાખ રૂપિયા આપીને યુવતી સાથે ફુલહાર કર્યા હતા અને આજ સુધી તેણે પોતાની સાસરી પણ જોઈ ન હોવાનું જાણવા મળ્યુ છે. આ ઘટના પાછળ કોઇ મોટુ કૌભાંડ હોવાનું ચર્ચાઈ રહ્યુ છે ત્યારે તેની તલસ્પર્શી તપાસ જરૂરી બની છે. ગરબાડા નગરમાં રહેતાં દિશાંક પંચાલના લગ્ન 12 ઓગસ્ટ 2024ના રોજ ઉજ્જૈનની પીન્કી નામની યુવતી સાથે થયા હતાં. રાજસ્થાનના સજ્જનગઢના દિશાંકના સબંધીએ યુવતી ગોતી હતી અને તેને પણ રતલામના કોઇ પાટીદાર યુવકે સંપર્ક કરાવ્યો હતો. આ પાટીદાર યુવકે ઉજ્જૈનમાં રહેતી સીમા નામની યુવતીનો સંપર્ક કરાવતાં આ લગ્ન ગોઠવાયા હતાં. દિશાંક અને તેના પરિવારને ઉજ્જૈન બોલાવીને તેમની પાસેથી 3.50 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતાં અને ત્યાં કોઈ માતાજીના મંદીરમાં બંનેના ફુલહાર કરાવવા સાથે વકિલ દ્વારા નોટરી પણ કરાવીને પીન્કીને સાસરે વળાવી દેવામાં આવી હતી.
10 નવેમ્બર 2024ની સાંજે દિશાંકના ઘરે પીન્કીનો ભાઈ વિશાલ આવ્યો હતો. ત્યાર બાદ તેની પાછળ આવેલા ત્રણ યુવકો પૈકીના એકે અરૂણ ગુજ્જર તરીકે પોતાની ઓળખ આપીને તે પીન્કીનો પતિ હોવાનો દાવો કર્યો હતો. આ મામલો અંતે પોલીસ મથકે જતાં અરૂણે પીન્કી અને તેના બે બાળકો હોવાની દલીલ સાથે 6 સપ્ટેમ્બરના રોજ ઉજ્જૈન પોલીસ મથકમાં તેના ગુમ થયા અંગેની જાણવાજોગ નોંધ પણ કરાવી હોવાનો પુરાવો પોલીસને બતાવવામાં આવ્યો હતો. આ સાથે પીન્કી સાથેના લગ્નના ફોટો તેમજ વકિલની નોટરી પણ બતાવી હતી. આ ઘટના પગલે પોલીસ મથક આગળ ટોળેટોળા ભેગા થઈ ગયા હતાં. દિશાંક સહિતના પરિવારને છેતરાયાની લાગણી થઇ રહી હતી. જોકે, મોડી સાંજ સુધી આ બાબતનો કોઈ જ નિકાલ આવ્યો ન હતો.
9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.