સાબરકાંઠા જિલ્લાના એક જ કુટુંબના 10 જેટલા લોકોની કુવૈતમાં અટકાયત કરવામા આવી : પરિવાર ના આંખમાં આંસુ સાથે બે હાથ જોડીને કહ્યું, ‘સરકારને વિનંતી કે અમારા કુટુંબીજનો ને સુરક્ષિત પાછા લાવો’
કુવૈતમાં 12 જૂનના રોજ થયેલા મોટા અગ્નિકાંડમાં આગ લાગતા લગભગ 50 જેટલા લોકોના મોત થયા હતા. તેમાં 45 જેટલા ભારતીયો સામેલ હતા. આ બધા જ ભારતીયો એક જ બિલ્ડિંગમાં રહેતા હતા. આ અગ્નિકાંડ થયા પછી ગેરકાયદેસર રીતે રહેનારા લોકો પર કુવૈત પોલીસે તવાઈ મચાવી છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના એક જ પરિવારના 10 જેટલા લોકોની કુવૈત પોલીસે અટકાયત કરી છે. આ સંદર્ભે ગુજરાતમાં રહેતા પરિવારે આંખમાં આંસુ સાથે બે હાથ જોડીને સરકારને વિનંતી કરી છે કે, અમારા કુટુંબીજનોને સુરક્ષિત પાછા લાવી આપો.
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના દૃઢવાવ ગામના એક કુટુંબ ના 10 લોકો કુવૈતમાં ધંધો રોજગાર માટે વસવાટ કરે છે. જેમની સાત દિવસ પહેલાં કુવૈત પોલીસે અટકાયત કરી છે. જેને લઈને ગુજરાતમાં રહેતા કુટુંબીજનો દ્વારા રાજ્યસભાના અને લોકસભાના સાંસદને લેખિતમાં રજૂઆત કરી કુવૈત પોલીસ પાસેથી છોડાવી ભારત પરત લાવવા માગણી કરવામા આવી છે. રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાને પરિવારજનોએ તેમના ઘરે પહોંચી રજૂઆત કરી હતી.
આ પરીવાર છેલ્લા 10 વર્ષથી કુવૈતમાં ધંધો રોજગાર કરે છે મળતી માહીતી મુજબ, વિજયનગર તાલુકાના દૃઢવાવ ગામના રમણભાઈ કુરજીભાઈ મોઢ પટેલના પરિવારજના 10 લોકો કુવૈતના ઇસ્તકલાલ વિસ્તારમાં વસવાટ કરે છે. જેઓ છેલ્લા 10 વર્ષથી ઇસ્તકલાલ વિસ્તારમાં ધંધો રોજગાર કરી રહ્યા છે. ત્યારે ગત 16 જૂનના રોજ આ 10 જણા કુવૈતમાં જ તેમના સગા સંબધીઓને મળવા ગયા હતા. જે દરમિયાન આ 10 લોકોની કુવૈત પોલીસે અટકાયત કરી લીધી હતી. જેને લઈને પરિવારજનો દ્વારા રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા, સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન બારૈયાને લેખિત રજૂઆત કરીને વીડિયો અને ફોટો પણ આપ્યા હતા પરંતુ હજી સુધી કોઈ પરિણામ નહિ આવતા શનિવારે બપોરે ફરીવાર રમણભાઈ પરિવારજનો સાથે ચોરીમાલા ખાતે રમીલાબેનને રૂબરૂ મળવા ગયા હતા.
પરિવારે સરકારને લેખિતમાં રજૂઆત કરવામા આવી
આ અંગે વિજયનગરના દૃઢવાવના અલ્પેશકુમાર પટેલના પિતા રમણલાલ કુરજીભાઈ પટેલ (મોઢ)એ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, કુવૈતમાં રહેતા અમારા પરિવારના 10 જણા 16 જૂનના રોજ સંબધીઓને મળવા ગયા હતા. જે દરમિયાન કુવૈત પોલીસે અચાનક તેઓની અટકાયત કરી લીધી હતી. જે અંગે અમને જાણ થતાં અમે આ 10 જણાને પોલીસ પાસેથી છોડાવી ભારત પરત લાવવા માટે લેખિતમાં માગ કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિજયનગર તાલુકાના દૃઢવાવા, જાલેટી, ચિઠોડા, ચિતરીયા સહિતના 50થી વધુ લોકો કુવૈતમાં છે. અમારા પરિવારના 10 લોકો કાયદેસર વીઝા લઈ ગયા છે. અમારા ગામના અન્ય 5 લોકો સહિત 15 જણા કુવૈતમાં ફસાયેલા છે. આ અંગે સાત દિવસ બાદ પણ કોઈ પરિણામ નહિ આવતા રમણભાઈ પટેલ પરિવારજનો સાથે શનિવારે બપોરે ચોરીમાલા ગામે રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાના ઘરે પહોંચી રજૂઆત કરી હતી. ત્યારે હવે પરિવારજનો દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.
એક માતાની વ્યથા ઠલવાઈ
માતા કમલાબેન રમણભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારો છોકરો ફિંગર વગર ઘેર આવી જાય તો મને સંતોષ થાય. મારા છોકરાને કમાવવા મોકલ્યો છે. એકનો એક જ છે. મને ચિંતા થઇ રહી છે, મારા છોકરાને પકડી લીધો છે. છ દિવસ થયા છે કોઈ વાત થઇ નથી મને ખુબ ચિંતા છે.
'મારા ભાઈને પાછો લાવી આપો'
આ અંગે બહેન પ્રીયાન્સી કલાલે રડતાં રડતાં જણાવ્યું હતું કે, મારા ભાઈ મિલવને કુવૈતમાં પકડી લીધો છે. તો નમ્ર વિનંતી છે કે વગર ફિંગરે તે ભારત પાછો લાવે એવી સરકારને મારી વિનંતી છે.
સગા સંબધીઓને મળવા જતાં હતા
અટકાયત કરેલા બીપીનકુમાર શિવલાલ પટેલની પત્ની સૂર્યકાન્તાબેન પટેલે જણાવ્યું હતું કે, છ દિવસથી મારા પતિને પકડી લીધા છે. તેમના સાથે વાતચીત પણ થઇ નથી. હાલમાં ક્યાં છે ખબર નથી. સરકાર તેમને સુરક્ષિત ભારત લાવે તેવી માગ છે.
અટકાયત કરાયેલા લોકોની યાદી
1. અલ્પેશકુમાર રમણલાલ પટેલ
2. હેમાંશુકુમાર રસિકલાલ પટેલ
3. બીપીનકુમાર શિવલાલ પટેલ
4. મિલનકુમાર દિનેશભાઈ પટેલ
5. મિલવ અશોકભાઈ પટેલ
6. લલિતભાઈ દેવચંદભાઈ પટેલ
7. અનિલભાઈ નારાયણદાસ પટેલ
8. નટવરલાલ ભીમજીભાઈ પટેલ
9. બીપીનભાઈ કોદરભાઇ પટેલ
10. વિવેકભાઈ ખેમજીભાઈ પટેલ (તમામ મોઢ પટેલ, રહે કુવૈત, મૂળ રહેવાસી દૃઢવાવ, તા.વિજયનગર,
જિ.સાબરકાંઠા, ગુજરાત)
એક પિતાની વ્યથા જણાવી
અલ્પેશકુમાર પટેલના પિતા રમણલાલ કહે છે કે, છ
દિવસથી મારા દીકરા સાથે વાત થતી નથી. ત્યાં કોઈને વાત કરવા દેતાં નથી મારો સહ પરિવાર દુખી છે. હું ભાજપનો કાર્યકર છું. મારા દીકરાને કુવૈતમાંથી ભારત પરત લાવવા વિનંતી કરું છું. મારા દીકરાને બીપીની તકલીફ છે. સાંસદ રમીલાબેન અને લોકસભાના સાંસદ શોભનાબેનને ટેલિફોન પર વાત કરી અને ફોટોગ્રાફ મોકલ્યા છે. બસ મારા છોકરા ઘરે આવી જાય એટલી જ સરકારને વિનંતી છે.
બે હાથ જોડીને પરિવારજનોને પાછા લાવવા સરકારને વિનંતી
આભાબેન પટેલે જણાવ્યું હતું કે, ભારત સરકારને હાથ જોડીને વિનંતી છે કે, કુવૈતમાં ફસાયેલા મારા ભાઈ, કાકા બધા અમારા દૃઢવાવના 10 લોકો ફસાયેલા છે તેમને કઈ તકલીફ ના થાય, ફિંગર ના થાય અને વ્યવસ્થિત આવી જાય તેવી નમ્ર વિનંતી છે. તેમને સુગર બીપીની બીમારી છે. એકપણ દિવસ ગોળી વગર ચાલતું નથી. તેમનો કોઈ સંપર્ક થતો નથી, કોઈ વાત કરવા દેતું નથી. છેલ્લે રવિવારે રાત્રે 8.24 એ વાત થઇ હતી. અમે 10 મિનિટમાં રૂમ છોડી જઈએ છીએ એવું કહ્યું હતું. જે બાદ કોઈ સંપર્ક થયો નથી. અમારી એટલી વિનંતી છે કે તેઓ ભારત પાછા આવી જાય.
શોભાનાબેન બારૈયાએ દિલ્હી રજૂઆત કરી
આ અંગે સાબરકાંઠા લોકસભાના સાંસદ શોભાનાબેન બારૈયાએ સાથે ટેલીફોનીક વાતચીત થતાં તેમણે જણાવ્યું હતું કે, કુવૈતમાં એક જ પરિવારના 10 જણાની પોલીસે ધરપકડ કરી હોવાની રજૂઆત સંદર્ભમાં દિલ્હી ખાતે રજૂઆત કરવામાં આવી છે. આ અંગે રાજ્યસભાના સાસંદ રમીલાબેન બારાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, કુવૈતની ઘટના અંગેની રજૂઆત બાદ પરિવારજનોને આજે મળી હતી. જેમાં કુવૈતમાં કામ કરવા ગયેલા 10 જણાની તમામ વિગત તેમના પરિવારજનો પાસે માગી છે અને તેને લગતા વિભાગમાં કાર્યવાહી કરવા માટે હકીકત મેળવી છે.
રીપોર્ટર સદ્દામ મનસુરી
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.