ઓપરેશન પુરૂં થયા બાદ ધાડપાડુ અમારે ત્યાં ત્રાટક્યાની જાણ થઈ હતી
બંગલા માલિક રાજેશભાઈ પરસાણા કહે છે જો પોલીસ સમયસર ન આવી હોત તો મારા પરિવાર સાથે શું થાત તેની કલ્પના પણ અમને ધ્રુજાવી રહી છેરાજકોટ, : 'જો પોલીસ સમયસર ન આવી હોત તો મારા પરિવાર સાથે શું થાત તેની કલ્પના પણ અમને ધુ્રજાવી રહી છે.' ચિત્રકૂટ સોસાયટીનાં જે બંગલોમાં ધાડપાડુઓ ત્રાટકયા હતાં, તેનાં માલીક રાજેશભાઈ ઠાકરશીભાઈ પરસાણાએ આવા પ્રત્યાઘાત સાથે વધુમાં જણાવ્યું કે, મારા પરિવારમાં કુલ 12 સભ્યો છે, મારા અને બે નાના ભાઈનો પરિવાર એક સાથે જ રહે છે. 3 બાળકો બહારગામ ભણે છે. મારા પત્ની અને પુત્રી વ્યવહારીક કામે અમદાવાદ ગયા હતાં. જેથી ગઈકાલે રાત્રે બંગલામાં કુલ સાત સભ્યો હાજર હતાં. હું દરરોજ સાંજે જમીને નવેક વાગ્યે અચુક સૂઈ જાઉં છું પરંતુ ગઈકાલે રાત્રે મને ગમે તે કારણસર મોડી રાત સુધી ઉંઘ આવી ન હતી. હું રાત્રે બે વાગ્યા પછી પથારીમાં પડખા ફેરવતો હતો ત્યારે બંગલા બહાર બૂમાબૂમ સાંભળી હતી, જેથી બારીમાંથી જોયું તો પોલીસની ગાડી અને અંદાજે 100 જેટલો પોલીસ સ્ટાફ નજરે ચડયો હતો.ફાયરીંગ અને બહારનો કોલાહલ સાંભળી મારા બંને ભાઈઓ અને તેનાં પરિવારનાં સભ્યોની પણ ઉંઘ ઉડી હતી. બાદમાં અમે પરિવારનાં બધા સભ્યો નીચે ઉતર્યા હતાં અને જોયું તો મારા બંગલાની બહારની દિવાલ પાસે બે શખ્સો (ધાડપાડુ) ચતાપાટ લાશની જેમ પડયા હતાં. બંગલાની બહારની દિવાલ પાસે લોહીનાં ખાબોચીયા જોવા મળ્યા હતાં. અમને તો કાંઈક થતાં પોલીસે કોઈને પકડયાનું લાગ્યું હતું. પરંતુ અમે જયારે નીચે આવ્યા અને તપાસ કરી તેની થોડી વાર બાદ ધાડપાડુઓ અમારા ઘરે ત્રાટકયાની પોલીસ પાસેથી જાણ થઈ હતી. ત્યાં સુધી અમને તેની ખબર પણ ન હતી. પોલીસની વાત સાંભળી અમે ગભરાઈ ગયા હતાં. ધાડપાડુઓ પાસે હથિયાર હોવાની માહિતી પણ અમને મળી હતી. આ સ્થિતિમાં જો ધાડપાડુઓ સફળ થયા હોત તો અમારે પરિવાર સાથે શું થાત તેની કલ્પના માત્રથી અમે ફફડી ઉઠયા હતાં. ધાડપાડુઓ જયારે અમારે ત્યાં આવ્યા ત્યારે ગ્રાઉન્ડ ફલોર પર લગાડેલા પાંચમાંથી બે સીસીટીવીમાં રૂમાલ ઢાંકી દીધા હતાં. વધુમાં રાજેશભાઈએ કહ્યું કે, ધાડપાડુઓે અમારે ત્યાં કેમ આવ્યા હતાં તે જ સમજાતું નથી. હું અગાઉ ટેક્ષેશનનું કામ કરતો હતો. પછી ખેતીવાડી કરી હતી. છેલ્લાં ઘણાં વર્ષોથી નિવૃત્ત જીવન વ્યતિત કરૂં છું મારા બે નાના ભાઈ વિજયભાઈ અને જયેશભાઈ આર્કિટેકટને લગતું ઉપરાંત બાંધકામનું નાનુ મોટું કામ કરે છે.ધાડપાડુ ગેંગનાં ઝડપાયેલા અને ઘવાયેલા આરોપીઓરાજકોટ, : ધાડપાડુ ગેંગનાં ઝડપાયેલા અને ઘવાયેલા ચાર સભ્યોમાં દિનેશ વિછયાભાઈ ગોડીયા (ઉ.વ. 32, રહે, કતવારા અગાવાળા ગામ, જિલ્લો દાહોદ), ચકરા મેઘાભાઈ (રહે, અધાવાડા ગામ, જિલ્લો દાહોદ), કલા દીતાભાઈ ગોડીયા (ઉ.વ.૩૦, રહે, અધાવાડા ગામ, જિલ્લો દાહોદ) અને કાળો કરણસિંહ હઠીલા (રહે, કુશલપુરા, તા. રાણાપુર, જિલ્લો જાંબુવા, મધ્યપ્રદેશ)નો સમાવેશ થાય છે. ફાયરીંગમાં આરોપી દિનેશ ઘવાયો હતો. તેણે જ પીએસઆઈ ખેરનું ગળુ દબાવી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેના હાથમાં બંદુક હતી, તે આરોપીનું નામ ચકરો છે. તે પણ ફાયરીંગમાં ઘવાયો હતો. તેના પડખાના ભાગે ઈજા થઈ હતી. જેણે ગણેશીયાથી હુમલો કર્યો હતો તે આરોપીનું નામ કલો છે. સ્થળ પરથી ભાગેલા જે આરોપીને એસઓજીની ટીમે દોડીને પકડી લીધો હતો તેનું નામ કાળો છે. હુમલામાં પીએસઆઈ ખેરને હાથમાં અને ગળા ઉપરાંત કમરના ભાગે ઈજા થઈ હતી. સ્થળ પરથી ભાગી ગયેલા આરોપીઓમાં દિલીપ વીરછીયા હઠીલા (રહે.જાંબુવા) અને હીમસંગ (ખરચ,દાહોદ)નો સમાવેશ થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.