ત્યાગી પછી બીજા ભાજપ નેતાની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો - At This Time

ત્યાગી પછી બીજા ભાજપ નેતાની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો


લખનૌ, તા. 09 ઓગસ્ટ 2022 મંગળવારઆજકાલ નેતાઓની દાદાગીરીના વીડિયો સામે આવી રહ્યા છે. અગાઉ ભાજપના નેતા શ્રીકાંત ત્યાગીનો મહિલા સાથે ગેરવર્તણૂક કરતો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ આજે યુપીના બારાબંકીમાં ભાજપ નેતાએ કોન્સ્ટેબલના પગ ઉપર કાર ચઢાવી દીધી હોય તેવો વીડિયો સામે આવ્યો છે. એટલુ જ નહીં. કાર ચઢાવ્યા બાદ દબંગ નેતાએ ઉલટુ ટ્રાફિક કોન્સ્ટેબલ સામે દાદાગીરી કરી. આ ઘટનાનો કોઈએ વીડિયો બનાવી લીધો. જેમાં ભાજપ નેતા કોન્સ્ટેબલને કહેતા જોવા મળી રહ્યા છે કે 'ઉદ્ધતતાથી વાત કરીશ'. બાદમાં એક પોલીસ કર્મચારી દબંગ નેતાને ઘટના સ્થળેથી થોડે દૂર લઈ જાય છે.બનાવની વિગત મુજબ રામનગર વિસ્તારમાં સ્થિત લોધેશ્વર મહાદેવ મંદિર પર શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારના અવસરે ભારે ભીડ હતી. તેથી ચૌકા ઘાટ નજીક મડના બેરિયર પર ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ ફિરોઝ આલમની ડ્યુટી હતી. આ દરમિયાન બ્લોક પ્રમુખ લખેલી કારમાંથી આવી રહેલા એક ભાજપ નેતાએ કોન્સ્ટેબલના પગ પર કાર ચઢાવી દીધી. મળતી માહિતી અનુસાર મડના ગામના રહેવાસી હરિહર સિંહ બ્લોક પ્રમુખ લખેલી કારમાંથી દાદાગીરી કરતા આગળ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. આવુ કરવા પર હેડ કોન્સ્ટેબલ ફિરોઝ આલમે તેમને આગળ જવાની મનાઈ કરી દીધી. એટલામાં તો તેમની દાદાગીરી વધી ગઈ. હેડ કોન્સ્ટેબલ ફિરોઝ આલમને રામનગર સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા જોકે પગમાં ગંભીર ઈજા પહોંચેલી હોવાથી ડોક્ટરોએ તેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ ટ્રાન્સફર કર્યા છે.  રામનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યુ કે અત્યારે કોન્સ્ટેબલ તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી. જાણકારી મળતા જ કાર્યવાહી કરવામાં આવશે. દોષીને છોડવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છેકે અગાઉ પોતાને ભાજપના નેતા ગણાવીને એક મહિલા સાથે દુર્વ્યવહાર કરનાર અને રોફ જમાવનાર શ્રીકાંત ત્યાગીનો વીડિયો વાયરલ થયો હતો. નોઈડાની ગ્રાન્ડ ઓમેક્સ સોસાયટીમાં મહિલા સાથે ગેરવર્તણૂક કરનારા કથિત નેતા શ્રીકાંત ત્યાગીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ત્યાગી સાથે પોલીસે 3 લોકોની મેરઠથી ધરપકડ કરી છે. શ્રીકાંત નોઈડાની સોસાયટીમાં મહિલા સાથે ગેરવર્તણૂક મામલે ફરાર હતો. આ પહેલા નોઈડા પોલીસે ગેંગસ્ટરની કાર્યવાહી કરી તેના પર 25 હજારનું ઈનામ પણ જાહેર કર્યું હતું.  


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.