ડભોઈમાં મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો પૂર્વે જ પક્ષપલટાની મોસમ પુરજોશમાં - At This Time

ડભોઈમાં મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો પૂર્વે જ પક્ષપલટાની મોસમ પુરજોશમાં


રિપોર્ટ- નિમેષ‌ સોની, ડભોઈ

( કાર્યકરોની આવન જાવન શરૂ )

ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણીઓનું પૂરજોશમાં કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. મુખ્ય રાજકીય પક્ષો દ્વારા પોતાના ઉમેદવારો જાહેર થઈ ગયાં છે. પ્રચાર પૂરજોશમાં ચાલી રહયો. ત્યારે પાયાના કાર્યકરો અને સ્થાનિક નેતાઓમાં પણ પક્ષ પલટાની મોસમ અને આવન જાવનની પ્રક્રિયા ભારે તેજ ગતિએ આગળ વધી રહી છે. જેમાં આજરોજ ડભોઇ તાલુકાના અસંખ્ય આમ આદમીના પાયાના કાર્યકરો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આજે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ડભોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલના વરદ હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કરી પક્ષમાં જોડાયાં હતાં.

સિદ્ધાર્થભાઈ પટેલે ખેસ પહેરાવી આવકાર્યા

આજરોજ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પોતાનાં મૂળ પક્ષ પ્રત્યે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પાર્ટી એ પાયાના કાર્યકરોની કિંમત કરી નથી અને દિવસોને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે તેને લઈને સ્થાનિક પાયાના કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી, કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારનો જોરશોરથી પ્રચાર કરવા કોંગ્રેસમાં જોડાઈ ગયાં હતા.

સ્થાનિક કાર્યકર્તાઓની અવગણના

આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક કાર્યકર્તાઓની હર હંમેશ અવગણના થતી હોય છે તેવું આ કાર્યકરોએ જણાવ્યું હતું. આ સ્થાનિક કાર્યકર્તાઓએ કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારને પ્રોત્સાહન આપી જંગી બહુમતીથી વિજયી બનાવવાનાં ભાગરૂપે કોંગ્રેસમાં જોડાયા હતા.

વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ મજબૂત થતી જણાઈ

વિધાનસભાની ચૂંટણીના દિવસો નજીક છે ત્યારે આમ આદમી અને ભારતીય જનતા પાર્ટીમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસ પાર્ટીમાં જોડાતા ડભોઇ અને તાલુકા ક્ષેત્રે હાલ કોંગ્રેસ મજબૂત થતી જણાઈ આવી હતી. પાયાનાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાતાં ઉમેદવારનો પણ જુસ્સો વધતો જોવા મળ્યો હતો.

કેટલાક કાર્યકરોએ બંને મુખ્ય પક્ષોનાં ખેસ પહેર્યા હોવાની પણ ચર્ચા

આજરોજ નગરમાં એક ચર્ચાએ જોર પકડયું હતું કે, આજે કોંગ્રેસમાં આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો જોડાયા હતા, તેમાંના કેટલાકે બે દિવસ પૂર્વે જ ભાજપના નેતાના હાથે ડભોઈ ખાતે ભાજપનો પણ ખેસ પહેર્યો હતો. તો હવે આ કાર્યકરો ખરેખર કયાં પક્ષમાં જોડાયાં છે તે અંગે મોટી અસમંજસ ઉભી થઈ છે અને નેતાઓ પણ ગોથે ચડી રહયાં હોય તેવો માહોલ આ વિવાદસ્પદ કાર્યકરોએ સર્જી દીધો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon