ખર્ચાળ-બિનજરૂરી નવી કુરિતિઓ માટે સમાજ જાગશે ખરો ?
ખર્ચાળ-બિનજરૂરી નવી કુરિતિઓ માટે સમાજ જાગશે ખરો ?
યુવા પેઢી હાલમાં ટીવી પર આવતી સામાજિક પૃષ્ઠભૂમિ ધરાવતી સિરિયલો અને ફિલ્મોનું આંધળુ અનુકરણ કરી રહી છે. જેમાં પ્રિ-વેડિંગ ફોટો શૂટ, ઇવેન્ટ મેનેજમેન્ટ ને રોકી કરતાં લગ્નો, રિસેપ્શન, ગ્રાન્ડ પાર્ટી, હલ્દી રસમ, બેબી શાવર, બેબી બમ્પ ફોટો શૂટ વગેરે જેવી બિનજરૂરી-ખર્ચાળ અને દેખાદેખી માટે શરૂ થયેલ પ્રથાઓનું ચલન સમાજમાં વધી રહ્યું છે. આ આપણી સંસ્કૃતિ નો ભાગ નથી. જ્યારે શુભ-અશુભ પ્રસંગે અપાતા કવરો, ભેટસોગાદો જેવા કુરિવાજો એ પણ સમાજમાં ઘર કરેલ છે. આવા, બિનજરૂરી ખર્ચાઓ અને રીતરિવાજો ના લીધે મધ્યમ વર્ગ અને ગરીબ લોકો દેવાદાર બની જાય છે. આર્થિક રીતે સુખીસંપન્ન લોકો સામાજિક મોભા જળવાઈ રહે તે માટે, પોતાના શોખ અને વૈભવ દેખાડવા માટે આવાં ખર્ચાઓ કરે તે યોગ્ય અને વ્યાજબી છે. પરંતુ જે લોકોની આર્થિક પરિસ્થિતિ સારી નથી તેવા લોકો માત્ર દેખાદેખી કે દેખાડા કરવાં માટે આવા પ્રસંગો કરે છે, તેના માટે પૈસા વ્યાજે લઈને, લોન લઈને, ઘરેણાં-સંપત્તિ વેચીને કે ગીરો મુકીને બિનજરૂરી ખર્ચાઓ કરે છે એ કેટલું વ્યાજબી કહેવાય? થોડી મજા માટે કે વટ જમાવવા માટે કરેલા ખર્ચ ના કારણે તેઓ, ભવિષ્યમાં આવનારી મોટી મુશ્કેલી જોઈ શકતા નથી. ધણી વખત આર્થિક બોજો વધતાં લોકો જીવનનો અંત લાવવા માટે મજબૂર બને છે. માટે દરેક સમાજના લોકોએ પરિસ્થિતિ પોતાના હાથમાં ન રહે તે પહેલાં ચેતવાની અને જાગૃત થવાની જરૂર છે.
દરેક સમાજના આગેવાનો એ ભેગા મળીને સમાજ માટે ચોક્કસ નિયમો બનાવવા જોઈએ. જો કોઈ પક્ષ તેવા નિયમોનું પાલન ન કરે કે તેનું ઉલ્લંધન કરે તો સમાજે તેની સામે પગલાં ભરવા જોઇએ અને કડક કાર્યવાહી કરવી જોઇએ. તાજેતર માં "સમાજ સુધાર ચળવળ" હેઠળ ઉત્તર ગુજરાતમાં પાટણ ખાતે યોજાયેલ લેઉવા પાટીદાર સમાજની ૩૦૦૦ થી વધુ બહેનો દ્વારા સામુહિક સંકલ્પથી પ્રિ-વિડિંગ ફોટો શૂટ, રિસેપ્શન, હલ્દીરસમ, બેબી શાવર જેવી ખર્ચાળ અને દેખાદેખી માટે શરૂ થયેલ પ્રથાઓ સહિતના નવા ઉમેરાયેલા કુરિવાજો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. જે આખા સમાજ માટે અને સાંપ્રત સમય માટેનું સરાહનીય પગલું હતું. શું આવા નિર્ણયો અને પગલાં દરેક સમાજના લોકો ન ભરી શકે? આવા બિનજરૂરી ખોટા ખર્ચ કરવા કરતાં સમાજના જરૂરિયાતમંદ લોકોને પગભર થવા માટે મદદ કરવી વધારે યોગ્ય છે. સમાજના ગરીબ તેજસ્વી બાળકોને સ્કૂલ-ટ્યુશન, હોસ્ટલ ફી ચુકવી મદદ કરો તે વધુ યોગ્ય કહેવાશે. તો શું આપને દેખાદેખી થી શરૂ થયેલ ખર્ચાળ આવી કુરિતીઓ અને કુપ્રથાઓ પર અંકુશ મુકવો ન જોઈએ? જો આપને આપણા સમાજની પ્રગતિ કરવા માંગતા હોય, હિત ચાહતાં હોય, ઉત્થાન કરવા માંગતા હોય તો ખોટા દેખાવો, આંધળા અનુકરણ બંધ કરવા જોઈએ અને કુરિતીઓ, કુપ્રથાઓનો તાત્કાલિક અંત આણવો જોઈએ.
(સમાજ સેવક:- પ્રકાશચંદ્ર પટેલ, ભરૂચ)
(ભાવેશ મુલાણી, ભરૂચ.)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.