સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ખાતે “સહકારથી સમૃદ્ધિ” સમીક્ષા બેઠક યોજાઈ
સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ખાતે "સહકારથી સમૃદ્ધિ" સમીક્ષા બેઠક યોજાઈ
*સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા:*
સહકારથી સમૃદ્ધિ પાયલોટ પ્રોજેક્ટના અમલીકરણથી મંડળીઓના સભાસદો અને ખેડૂતોને ઘર આંગણે નાણાંકીય સેવાઓ મળશે
કચ્છ સહિત રાજ્યભરમાં મંડળીઓને માઈક્રો એટીએમ આપીને બેન્કિંગ વ્યવસ્થા સુદ્રઢ બનાવવામાં આવી રહી છે
રાજ્યના ખેડૂતો વિદેશમાં પોતાની પ્રોડક્ટ નિકાસ કરી શકે એવી સુચારું વ્યવસ્થા ઊભી કરાશે
ભુજ, શનિવાર:
‘સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર’ના ઉદ્દેશ સાથે કચ્છ જિલ્લામાં સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને "સહકારથી સમૃદ્ધિ" સમીક્ષા બેઠક જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક(ધી કચ્છ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંક) ખાતે યોજવામાં આવી હતી. પાયાના સ્તરે સહકારી ચળવળને વધુ મજબૂત બનાવવાના હેતુ સાથે યોજાયેલી આ બેઠકમાં ધારાસભ્યશ્રીઓ અને કચ્છ જિલ્લાની વિવિધ સહકારી સંસ્થાઓના અગ્રણીઓ, પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સહકાર રાજ્યમંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ કચ્છના સહકારી માળખાના થયેલા વિકાસને બિરદાવીને જણાવ્યું હતું કે, દેશના ગામડાઓ સમૃદ્ધ બને એ સંકલ્પ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રિય સહકારીતા મંત્રીશ્રી અમિતભાઈ શાહે લીધો છે. આ સંકલ્પને સાકાર કરવા આઝાદીના ૭૫ વર્ષ બાદ સહકારિતા મંત્રાલયની રચના કરવામાં આવી છે. દેશમાં સહકારી માળખું મજબૂત અને પારદર્શક બને તે માટે સહકારિતા મંત્રાલય કામગીરી કરી ચળવળરૂપે કામગીરી કરી રહ્યું છે. સમગ્ર દેશમાં સહકારી માળખાને ડિજિટલ કરવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે, પેક્સ મંડળીઓને કમ્પ્યુટરાઈઝ બનાવવામાં આવી છે. ગામડાઓમાં મંડળીઓને સહકારી બેંકના માધ્યમથી માઈક્રો એટીએમ આપવામાં આવે છે. આ માઈક્રો એટીએમના માધ્યમથી રોકડ જમા ઉપાડ, એફડી સહિતની સુવિધાઓ ઘર આંગણે જ લોકોને મળી રહેશે.
વધુમાં સહકાર રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં તમામ સહકારી મંડળીઓનું ઓડિટ કરીને તેમના બેંક ખાતાઓ જિલ્લાની મધ્યસ્થ સહકારી બેંકમાં ટ્રાન્સફર કરવામાં આવશે. સહકારના નાણાં સહકારી સંસ્થાઓ જ સાચવે અને ઝડપથી સહકારી સંસ્થાઓના વિકાસ માટે ઉપલબ્ધ કરાવે એ હેતુ સાર્થક કરવા બેંક ખાતાઓ માત્રને માત્ર સહકારી બેંક મારફતે ઓપરેટ કરવાની વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં આવે છે. કચ્છ જિલ્લામાં ૧૦૦થી વધારે ગામડાઓ સહકારી મંડળીઓ માઈક્રો એટીએમ મારફતે પોતાની નાણાંકીય લેવડ દેવડ કરી રહી છે તે વાતની ખુશી વ્યક્ત કરીને સહકાર રાજ્યમંત્રીશ્રીએ આગામી સમયમાં કચ્છની તમામ મંડળીઓ માઈક્રો એટીએમ મારફતે નાણાંકીય વ્યવહાર કરે એમ અનુરોધ કર્યો હતો.
પ્રાયમરી એગ્રિકલ્ચર ક્રેડિટ સોસાયટી (PACS) એટલે કે પ્રાથમિક ખેત ધિરાણ સોસાયટીઓને દેશના સહકારી ક્ષેત્રની પાયાની સંસ્થાઓ ગણાવીને સહકાર રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, પેક્સ દ્વારા કરવામાં આવતી જુદી જુદી કામગીરીમાં સુધારા કરી નવા મોડેલ બાય-લોઝ અમલમાં મૂક્યા છે. આ ઉપરાંત પેક્સ માટે નવા ૧૭ આયામો ઉમેરવામાં આવ્યા છે. પેકસ દ્વારા દૂધ કલેક્શન પણ થઈ શકે તે માટે બાયલોઝમાં સુધારો કરી નવો એક આયામ ઉમેરવામાં આવશે તેમ રાજ્ય સહકાર મંત્રીશ્રીએ જણાવ્યું હતું. રાજ્યના ખેડૂતો વિદેશમાં પોતાની પ્રોડક્ટ નિકાસ કરી શકે એવી સુચારું વ્યવસ્થા ઊભી કરાશે તેમ સહકાર રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું.
ગુજરાત સરકારના સહકાર સચિવશ્રી સંદીપ કુમારે જિલ્લાની મધ્યસ્થ સહકારી બેંકમાં ખાતાઓ ઝડપથી ટ્રાન્સફર કરવાના ઉદ્દેશ્યને સમજાવતા કહ્યું હતું કે, માઈક્રો એટીએમના માધ્યમથી બેંકમાં ઉપલબ્ધ તમામ સુવિધાઓ ગામડાની મંડળીમાં જ ઉપલબ્ધ બનશે. અલગ અલગ ૨૦ ઈનિશિએટિવ્સનો ઉલ્લેખ કરીને કેવી રીતે ગામડાનો વિકાસ થશે તેનો ખ્યાલ સહકાર સચિવશ્રીએ રજૂ કર્યો હતો.
કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના મેનેજરશ્રીએ કેડીસીસી બેંકના વિકાસની ઝલક અને સહકારી ક્ષેત્રે ઉપલબ્ધ વિવિધ અત્યાધુનિક બેકિંગ સુવિધાઓનું પ્રેઝેન્ટેશન સહકાર રાજ્યમંત્રીશ્રી સમક્ષ રજૂ કર્યું હતું. ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેનશ્રી અજયભાઈ પટેલે ઉપસ્થિત કચ્છની વિવિધ સહકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ પાસેથી તેમના પ્રશ્નોને જાણીને તેનું નિરાકરણ લાવવા ખાતરી આપી હતી. આ ઉપરાંત, જિલ્લાની મધ્યસ્થ સહકારી બેંકને જરૂરિયાત મુજબની તમામ નાણાંકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા બાંહેધરી આપી હતી.
કચ્છ જિલ્લા મધ્યસ્થ બેંક પરિસરમાં જિલ્લાની મુલાકાતે પધારેલા સહકાર રાજ્યમંત્રીશ્રીને આવકારીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવીએ સ્વાગત પ્રવચન કરીને સહકાર રાજ્યમંત્રીશ્રીને આવકાર આપ્યો હતો. કચ્છ જિલ્લામાં સહકારી માળખાના વિકાસ માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવાની રાજ્ય સહકારીતા મંત્રીશ્રીને ખાતરી આપીને આભારવિધિ સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે કરી હતી.
આ કાર્યક્રમમાં અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય સર્વશ્રી કેશુભાઈ પટેલ, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, શ્રી અનિરુદ્ધભાઈ દવે, રાજ્ય રજિસ્ટ્રારશ્રી કમલભાઈ શાહ, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, જિલ્લા રજિસ્ટ્રાર શ્રી મેઘા અગ્રવાલ સહિત, કેડીસીસી બેંકના તમામ હોદેદારો, કચ્છની વિવિધ સહકારી સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ હાજર રહ્યા હતા.
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.