સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં પ્રેમસંબંધ મામલે પિતા-પુત્રની
હત્યા નિપજાવી દેવાતા ચકચાર મચી છે. મૃતક યુવકે પરિણીતા સાથે કરેલા મૈત્રીકરાર બાદ નારાજ થયેલા યુવતીના પરિવારજનોએ હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. દંપતી અને તેના પુત્ર પર હુમલો કરાતા બેના મોત સુરેન્દ્રનગરના થાન તાલુકાના વરમાધાર ગામની સીમમાં રહેતા અને ખેતમજૂરી કરતા ઘુઘાભાઈ દાનાભાઈ કોળી, તેમના પત્ની અને પુત્ર ભાવેશ પર ત્રણ શખ્સોએ હથિયારો વડે હુમલો કરતા ભાવેશનું અને ત્યારબાદ સારવાર દરમિયાન ઘુઘાભાઈનું મોત નિપજતા મામલો ડબલ મર્ડરમાં પલટાયો હતો. જ્યારે ઘુઘાભાઈના પત્નીને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
આરોપીઓ ઝડપવા પોલીસની આઠ ટીમો બનાવવામાં આવી. આ મામલે સુરેન્દ્રનગર એસપી ડો. ગિરીશ પંડ્યાએ જણાવ્યું હતું કે, થાનગઢના સરસાણામાં ડબલ મર્ડરનો બનાવ બન્યો છે. જેમાં જે મૃતક ભાવેશ નામનો યુવક છે તેને વરમાધારની યુવતી સાથે મૈત્રીકરાર કર્યા હતા. આ બંને ચોટીલા પોલીસ સ્ટેશનના સરાઈ ગામે રહેતા હતા અને દિવાળી કરવા સરસાણા આવ્યા હતા. જે યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા તેના લગ્ન અગાઉ થયા હતા અને સાસરેથી પરત આવેલી હતી. ગતરાત્રિએ સંગીતાનો ભાઈ, તેનો પૂર્વ પતિ અને પિતાએ મળી સરસાણા ગામે છરી જેવા તિક્ષણ હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં ભાવેશનું થાનગઢ હોસ્પિટલે લાવતા મૃત્યુ થયું હતું જ્યારે તેના પિતાનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવમાં ત્રણ લોકો સંડોવાયેલા જે જેઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ અલગ સાત ટીમો બનાવી શોધખોળ હાથ ધરી છે. થાનમાં ડબલ મર્ડરની ઘટના બનતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દોડી ગયા હતા અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન સુરેન્દ્રનગરમાં હત્યા, મારામારી, ફાયરિંગ જેવા બનાવો બનતા કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈ સવાલો ઉઠ્યા છે. પરિણીતા સાથે કરેલા મૈત્રીકરારનું મનદુઃખ રાખી હુમલો કરાયો ડબલ મર્ડરની ઘટના અંગે મળતી માહિતી મુજબ મૃતક યુવાન ભાવેશે થોડા સમય પહેલા સંગીતા નામની યુવતી સાથે મૈત્રીકરાર કર્યા હતા અને તેની સાથે રહેતો હતો. સંગીતાના લગ્ન દિનેશ નામના યુવક સાથે થયા હતા. સંગીતા અને ભાવેશ બંને મૈત્રીકરાર કરી સાથે રહેતા હોય દિનેશ સહિતના પરિવારજનો નારાજ હતા. જનું મનદુઃખ રાખી દિનેશ સાપડા, જેસા નરસી અને સંગીતાનો ભાઈ દિનેશ સુખાભાઈએ સાથે મળી ભાવેશ, તેના પિતા અને માતા પર હથિયારો વડે જીવલેણ હુમલો કર્યો હતો. ભાવેશ અને તેના પિતાના મોત થતા મામલો ડબલ મર્ડરમાં પલટાયો જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ત્રણેય લોકોને શરૂઆતમાં થાનગઢ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભાવેશનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારબાદ વધુ સારવાર માટે ઘુઘાભાઈ અને તેમના પત્નીને રાજકોટ ખસેડાયા હતા. જ્યાં ઘુઘાભાઈનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે તેમના પત્નીની હાલ સારવાર ચાલી રહી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.