વાગરાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકોએ અજમેર શરીફ દરગાહના સર્વેના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની માંગ કરતુ આવેદન પાઠવ્યુ.. - At This Time

વાગરાના સમસ્ત મુસ્લિમ સમાજના લોકોએ અજમેર શરીફ દરગાહના સર્વેના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની માંગ કરતુ આવેદન પાઠવ્યુ..


વાગરામાં અજમેર શરીફ દરગાહના સર્વેના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા સમસ્ત વાગરા મુસ્લિમ સમુદાયની માંગ

વાગરા મામલતદારને આવેદન પાઠવવા તાલુકામાંથી સેંકડો મુસ્લિમો હાજર રહ્યા..

ઉત્તર પ્રદેશની સંભલની જામા મસ્જિદનો વિવાદ દેશભરમાં વકર્યો છે.આ દરમિયાન રાજસ્થાન સ્થિત અજમેર દરગાહ ચર્ચામાં આવી છે.દરગાહની ઇમારતના સ્થળે અગાઉ ભગવાન શિવનું મંદિર હોવાના દાવા બાદથી વિવાદ ચાલી રહ્યો છે. આ અંગે કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન હિન્દુ પક્ષ તરફથી દરગાહ પરિસરમાં એએસઆઇ (ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ વિભાગ) સરવેની માંગ કરાઈ છે. હાલ કોર્ટે આ કેસની સુનાવણી આગામી થોડા સમય બાદ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ જો આ કેસમાં કોર્ટ તરફથી સરવેનો આદેશ અપાશે તો સંભલની મસ્જિદ બાદ અજમેર દરગાહનું સરવે થઇ શકે છે. દરગાહના સર્વે મુદ્દે દેશ ભરમાં મુસ્લિમ સંગઠનો વિરોધ દર્શાવી રહ્યા છે. તેવામાં વાગરા મુસ્લિમ સમુદાયે પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અને આજે 6 ડિસેમ્બર 2024 ના રોજ જુમ્માની નમાજ બાદ મુસ્લિમ સમાજના લોકો વાગરા ડેપો સર્કલ ખાતે ભેગા થયા હતા.અને ડેપો સર્કલથી વાગરા મામલતદાર કચેરી સુધી મૌન રેલી સ્વરૂપે દેખાવો કરી વાગરા મામલતદાર મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને આવેદન સ્વરૂપે દરગાહના સર્વેના મુદ્દે ન્યાયસંગત અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવા અપીલ કરી હતી.આ વેળાએ મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા.

પ્રધાનમંત્રીને સંબોધીને પાઠવેલા આવેદન પત્રમાં જણાવાયુ છે, કે તાજેતરમાં ચર્ચામાં આવેલ હજરત ખ્વાજા ગરીબ નવાઝની અજમેર સ્થિત દરગાહ શરીફના સર્વેના પ્રસ્તાવ અંગે અમે દેશના જાગૃત નાગરિક તરીકે અમારી ચિંતાઓ અને મુસ્લિમ સમુદાયની લાગણીઓ વ્યક્ત કરીએ છીએ.હજરત ખ્વાજા ગરીબ નવાઝ દરગાહ માત્ર મસ્લિમ સમુદાય માટે જ નહી પરંતુ સમગ્ર દેશમાં શાંતિ, સદ્દભાવના અને ધાર્મિક એકતાનું પ્રતિક છે.આ દરગાહને દેશની આઝાદી બાદથી દરેક પ્રધાનમંત્રીએ પોતાની આસ્થા પ્રગટ કરવાના પ્રતીકરૂપે ચાદર પણ ચઢાવી છે. વર્તમાન પ્રધાનમંત્રી એટલે કે આપ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ આ પવિત્ર સ્થળે ચાદર ચઢાવીને પોતાની ધાર્મિક આસ્થા વ્યકત કરેલી છે.આ દરગાહ માત્ર ધાર્મિક સ્થળ જ નહીં પરંતુ ભારતની સાંસ્કૃતિક ધરોહરનો એક મુખ્ય ભાગ છે.તેમજ 1991 ના Places of Worship Act હેઠળ ધાર્મિક સ્થળોની પરિસ્થિતિ અને આગવી ઓળખ જાળવવાની જે કાયદેસર ગેરંટી આપવામાં આવી છે,તેની આદરપૂર્વક અને કડકપણે અમલવારી કરાવવામાં આવે તેવી આશા વ્યક્ત કરાઈ છે.વધુમાં આવેદનમાં જણાવાયુ છે, કે અમે આ પત્ર દ્વારા વિનંતી (માંગ) કરીએ છીએ, કે હજરત ખ્વાજા ગરીબ નવાઝની દરગાહને સંબંધિત (કોર્ટમાં દાખલ યાચીકા) આ મહત્વપુર્ણ બાબત માટે સરકાર તાત્કાલિક સ્પષ્ટતા આપે અને કોઈપણ પ્રકારની તણાવપૂર્ણ પરિસ્થિતિ ટાળવા માટે બાંહેધરી અને દેશના દરેક નાગરિકની ધાર્મિક લાગણીઓને આદર સાથે સંબોધન કરે.તમારા ઉત્તમ નેતૃત્વ હેઠળ દેશની સંસ્કૃતિની વિવિધતામાં એકતાને મજબૂત રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેશો તેવી મુસ્લિમ સમાજે પ્રધાનમંત્રી પાસે આશા વ્યક્ત કરી હતી. આવેદન આપતી વેળાએ યુવા સામાજિક કાર્યકર ઈમ્તિયાઝ પટેલ,સદ્દામ મામુ, મુસ્તાક દલાલ,સાજીદ રાજ,ઝાકીર મુન્શી તેમજ સિકંદર ભટ્ટી, ઇમરાન ભટ્ટી, અબ્દુલ કામથી, માજી સરપંચ કાસમભાઈ રાજ સહિતના મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ મુસ્લિમ સંપ્રદાયના લોકો હાજર રહ્યા હતા.

રિપોર્ટર: સૈયદ શેર અલી


9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.