ચિંતન શિબિરમાં આધ્યાત્મિક ઉદય: પરમ શાંતિ અને અહો ઐશ્વર્યના દાતા શ્રીસોમનાથ મહાદેવની પૂજા સાથે વિકાસયાત્રા અવિરત રાખવાના આશીર્વાદ - At This Time

ચિંતન શિબિરમાં આધ્યાત્મિક ઉદય: પરમ શાંતિ અને અહો ઐશ્વર્યના દાતા શ્રીસોમનાથ મહાદેવની પૂજા સાથે વિકાસયાત્રા અવિરત રાખવાના આશીર્વાદ ——


ચિંતન શિબિરમાં આધ્યાત્મિક ઉદય: પરમ શાંતિ અને અહો ઐશ્વર્યના દાતા શ્રીસોમનાથ મહાદેવની પૂજા સાથે વિકાસયાત્રા અવિરત રાખવાના આશીર્વાદ
------
માન.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માન.મંત્રીશ્રીઓ અને રાજ્ય સરકારના શીર્ષ અધિકારીઓએ સોમનાથ મહાદેવના દર્શન પૂજન કરી ગુજરાતની સુખાકારીની કામના કરી
------
જ્યાં શ્રી કૃષ્ણે કર્મ ફળ નો સિદ્ધાંત આપ્યો તે પ્રભાસ તીર્થમાં યોજાયેલ ચિંતન શિબિરમાં કર્મયોગનો સિદ્ધાંતનું ચિંતન
------
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાનુભાવો અને જનસેવકો માટે દર્શન,પૂજન, પ્રસાદની ભક્તિપૂર્ણ વ્યવસ્થાઓ કરવામાં આવી

સોમનાથ, 23/11/2024, શનિવાર,

પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ગુજરાત રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનો ત્રિ-દિવસીય કાર્યક્રમ સમાપન થવા જઈ રહ્યો છે. ત્યારે આ ત્રણ દિવસ દરમિયાન શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્યના વિકાસ માટે અહર્નીશ સક્રિય માનનીય મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રીઓ, અને ગુજરાત સરકારના શીર્ષ અધિકારીઓ માટે ભક્તિ પૂર્ણ આતિથ્ય અનુભવનું સર્જન કરવામાં આવ્યું હતું.

તમામ મહાનુભાવો માટે શ્રી સોમનાથ મંદિરમાં યથાયોગ્ય અભિવાદન,દર્શન,જલાભિષેક, અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત ચિંતન શિબિરના સમયને અનુરૂપ મહાનુભાવો માટે શ્રી સોમેશ્વર પૂજા માટેના વિશેષ સ્લોટ ગોઠવીને શાસ્ત્રોકત વિધિ-વિધાન સાથે ઉત્તમ પૂજન કરાવવામાં આવ્યું હતું.

પ્રભાસ તીર્થમાં ચિંતનશિબિરનો પ્રારંભ માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને સોમનાથ મહાદેવને પૂજા સામગ્રી અને ગુલાબનો પુષ્પહાર અર્પણ કરીને સોમેશ્વર મહાપૂજન કરીને કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી જે ડી પરમાર અને સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વાર માનનીય મુખ્યમંત્રીશ્રીનું સન્માન અભિવાદન કરાયું હતું.

જનસુખાકારી માટે અમૃતમંથન સમાન આ ચિંતન શિબિર કાર્યક્રમ દરમિયાન રાજ્યના માન્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, શ્રી મુળુભાઈ બેરા, શ્રી કુબેરભાઈ ડીંડોર, શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, શ્રીમતી ભાનુબેન બાબરીયા, શ્રી કુંવરજીભાઇ બાવળીયા, શ્રી બળવંતસિંહ રાજપૂત, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી મુકેશભાઈ પટેલ, શ્રી બચુભાઈ ખાબળ સહિતના મંત્રીશ્રીઓએ સોમનાથ મહાદેવની સોમેશ્વર મહાપૂજા કરી હતી.

આ સાથે રાજ્યના વહીવટને સુચારુ રૂપે વહન કરતા અને અમલીકરણને સુગમ બનાવતા રાજ્યના શીર્ષ અધિકારીઓ શ્રી જે.પી ગુપ્તા, શ્રી અશ્વિનીકુમાર, સુશ્રી જયંતિ રવી, શ્રી કે કે નિરાલા, સુશ્રી આરતી ચંદ્રા, શ્રી બંછનિધી પાની, શ્રી રાજકુમાર બેનીવાલ, શ્રી રાહુલ ગુપ્તા, શ્રી અનુપમ આનંદ, શ્રી સંજીવ કુમાર, સુશ્રી આરતી કંવર, સુશ્રી મમતા વર્મા, શ્રી ટી નટરાજન, શ્રી વિનોદ રાવ, સુશ્રી પી.ભારતી સહિતના અધિકારીશ્રીઓએ પણ સોમનાથ દાદાની સોમેશ્વર મહાપૂજા કરી ધન્યતા અનુભવી હતી.

આ પ્રસંગે મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા કરાયેલ ધ્વજા પૂજામાં તમામ મંત્રીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉત્સાહભેર જોડાયા હતા. પૂજા કરેલ ધ્વજાજીની ઢોલ શરણાઈના સાદે મંદિર પરિસરમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. અને જે રીતે સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રનું અનુસરણ કરીને ગુજરાત રાજ્યને શીર્ષ પર લાવવામાં આવ્યું છે એવી જ રીતે સાથે મળીને મહાનુભવોએ ટ્રસ્ટની સ્વહસ્ત ધ્વજારોહણ સુવિધા નો લાભ લઈને ધ્વજાજીને પોતાના હાથી શિખર સુધી પહોંચાડ્યા હતા. જ્યારે સોમનાથ મહાદેવના નૂતન ધર્મધ્વજનું આરોહણ થયું હતું ત્યારે જય સોમનાથના નાદથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠયું હતું.

ત્યારે આ તકે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી સંગમ અને ગૌલોકધામ, શ્રી ભાલકા તીર્થ ખાતે આવનાર મહાનુભાવો માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવેલ હતી. શ્રી પંકજ જોશી, શ્રી મનોજકુમાર દાસ, શ્રીમતી અવંતિકા સિંઘ, શ્રી રૂપવંતસિંઘ શ્રીજે.પી.ગુપ્તા સહિતના અધિકારીશ્રીઓએ સૂર્યોદય સમયે ગોલોકધામ ખાતે દર્શન અને જલાભિષેક કરેલ. તેમજ સુશ્રી જયંતિ રવી, સુશ્રી આરતી કંવર, સુશ્રી મમતા વર્મા સહિતના મહાનુભવોએ ભાલકાતીર્થ ખાતે શ્રીકૃષ્ણના દર્શન પૂજન કરેલ.

ત્યારે આ ચિંતનશિબિર વિશેષ એટલા માટે રહી કારણકે ગુજરાત અને ભારતની અસ્મિતા સોમનાથ મંદિરના નિર્માણ સાથે જ સુદ્રઢ બની હતી. નવસર્જન અને ઉત્તરોત્તર વિકાસ સોમનાથની ભૂમિનો પર્યાય છે. સ્વતંત્રતા બાદ સોમનાથનો નિરંતર વિકાસ અને ગુજરાતનો વૈશ્વિક નકશામાં ઉદય એકબીજાને સમાંતર રહ્યા છે. અહીં યોજાયેલ ચિંતન શિબિર ગુજરાતના સર્વાંગી વિકાસને વધુ ઉન્નત અને કલ્યાણકારી બનાવશે તેવી સૌએ શ્રદ્ધા વ્યક્ત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.