રાજકોટમાં કરોડો રૂપિયાની લેતીદેતીમાં વ્યાજખોરીનો આક્ષેપ, 19 કરોડના 34 કરોડ ચૂકવ્યા હોવાનો સાત શખ્સ સામે આરોપ
રાજકોટમાં કરોડો રૂપિયાની લેતીદેતીમાં વ્યાજખોરીનો આક્ષેપ થયો છે. 19 કરોડના 34 કરોડ ચૂકવ્યા હોવાનો સાત શખ્સ સામે આરોપ છે. ઠેબાચડાના નરેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાભાઈ જાડેજાએ પોલીસ કમિશનરને રજુઆત કરી હતી જેમાં ક્રાઇમ બ્રાંચએ અરજીના આધારે તપાસ આદરી છે. અરજીમાં અમરગઢ (ભીચરી)ના ભૂપત શિરોલિયા, પાડાસણના મહેશ મુંધવા, નવાગામ (આણંદપર)ના અજય ઝાપડા, બોટાદ ગઢડાના પંકજ સુમડ, રાજકોટના વિક્રમ ગમારા અને પરેશ ડાભીના નામ આપ્યા છે.
અરજદારે અરજીમાં જણાવ્યું છે કે, તે જમીન મકાનનો ધંધો કરતા. દરમ્યાન સાત વ્યક્તિઓ પાસેથી અંદાજે 19.55 કરોડની રકમ 3, 4 અને 5 ટકાના વ્યાજે લીધી હતી. 19.55 કરોડ ઉપરાંત 15 કરોડનું વ્યાજ સહિત કુલ 34.55 કરોડ આપી દીધા. બાદ ધંધામાં મંદી આવતા વ્યાજ ચૂકવતા નહોતા. જેથી વ્યાજખોરએ જમીન, મકાન સહિતની મિલ્કતો લખાવી લીધી હતી.
છતાં હજુ વ્યાજની ઉઘરાણી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપે છે.અરજીમાં નરેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાભાઈ રઘુવીરસિંહ જાડેજાએ જણાવ્યું કે, તેમણે અમરગઢ (ભીચરી)ના ભૂપત સંગ્રામ શિરોલિયા પાસેથી કુલ અલગ અલગ સમયે રૂ.13.85 કરોડ લીધા હતા.
રૂ.10 કરોડ ચૂકવી દીધા છતાં અગાઉ મેં તેના નામે કરેલ ઠેબચડામાં આવેલી 20 વિઘા જમીનનો દસ્તાવેજ ભૂપત કરી આપતો નથી અને હજુ પણ ઉઘરાણી કરે છે. નવાગામ(આણંદપર)ના અજય જીવણ ઝાપડા પાસેથી 1.35 કરોડ લીધા. મૂળ રકમ ઉપરાંત વ્યાજ આપી દીધું હોવા છતાં તેને સિક્યુરિટી પેટે આપેલ ત્રણ મકાનના દસ્તાવેજ કરી આપતો નથી. બોટાદના ગઢડામાં રહેતા પંકજ જેસિંગ સુમડ પાસેથી 1 કરોડ લીધા. મૂળ રકમ અને વ્યાજ પણ ચૂકવી દીધું હોવા છતાં રામોડિયા ગામની સરવે નં. 57 પૈકી 1ની 15 વીઘા જમીનનો દસ્તાવેજ કરી આપતો નથી.
રાજકોટ નજીક પાડાસણના મહેશ વેલા મુંધવા અને રાજકોટમાં આર્યનગર મેઈન રોડ પર ગોવિંદબાગ શાક માર્કેટ પાસે રહેતા વિક્રમ સતા ગમારા પાસેથી 2.85 કરોડ લીધા હતા. મૂળ રકમ ઉપરાંત 5 કરોડ વ્યાજ ચૂકવી આપ્યું છતાં તેને અગાઉ લખી આપેલ સરધારના 3 મકાનના દસ્તાવેજ કરી આપતાં નથી. લક્ષ્મીવાડીમાં રહેતા પરેશ બચુ ડાભી પાસેથી 50 લાખ લીધા હતા. રકમ પરત આપી દીધી છતાં મેં તેને અગાઉ કરી આપેલ સાતડા ગામમાં આવેલી જમીનનો દસ્તાવેજ કરી આપતો નથી. અરજી આધારે ક્રાઇમ બ્રાંચએ બે લોકોને બોલાવી તપાસ હાથ ધરી છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.