જમ્મુ-કાશ્મીરમાં 7 સ્થળોએ NIAના દરોડા:રિયાસીમાં બસ પર થયેલા આતંકવાદી હુમલા સંબંધિત કેસમાં સર્ચ; 9 શ્રદ્ધાળુઓના મોત થયા હતા
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ શુક્રવારે જમ્મુ-કાશ્મીરના બે જિલ્લા રાજૌરી અને રિયાસીમાં સાત સ્થળો પર દરોડા પાડ્યા હતા. જે સ્થળો પર સર્ચ ચાલી રહ્યું છે તે હાઇબ્રિડ આતંકવાદીઓ અને ઓવર-ગ્રાઉન્ડ વર્કર્સ (OGW) સાથે જોડાયેલા છે. આ દરોડા 9 જૂને રિયાસીમાં બસ પર થયેલા આતંકવાદી હુમલા સાથે સંબંધિત છે. આ હુમલામાં નવ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. બસ રિયાસીના પૌની વિસ્તારમાં શિવ ખોરીથી કટરા જઈ રહી હતી. આતંકીઓના ગોળીબારના કારણે બસ ખીણમાં ખાબકી હતી. આ હુમલામાં 40થી વધુ લોકો ઘાયલ થયા હતા, જ્યારે એક બાળક સહિત 9 લોકોના મોત થયા હતા. NIA 17 જૂનથી તપાસ કરી રહી છે
17 જૂને ગૃહ મંત્રાલયે NIAને આતંકી હુમલાની તપાસની જવાબદારી સોંપી હતી. એજન્સીએ હાઇબ્રિડ આતંકવાદીઓ અને OGW સાથે જોડાયેલા પાંચ ઠેકાણાઓની શોધ કરી હતી. આ દરમિયાન, ધરપકડ કરાયેલા આરોપી હકમ ખાન ઉર્ફે હકીન દીન પાસેથી મળેલા ઈનપુટ બાદ 27 સપ્ટેમ્બર શુક્રવારના રોજ આ નવા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. NIAની તપાસમાં ખુલાસો થયો હતો કે હકમે આતંકીઓને આશ્રય, દારૂગોળો આપ્યો હતો. ત્યારપછીની તપાસમાં આતંકવાદીઓ અને OGW ને જોડતી ઘણી વસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. 4 મેના રોજ એરફોર્સના કાફલા પર હુમલો થયો હતો જમ્મુ-કાશ્મીરના પૂંછમાં 4 મેના રોજ એરફોર્સના જવાનો પર થયેલા આતંકી હુમલામાં એક જવાન શહીદ થયો હતો. હુમલામાં પાંચ સૈનિક ઘાયલ થયા હતા, જેમને એરલિફ્ટ કરીને ઉધમપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન એક જવાનનું મોત થયું હતું. જ્યારે અન્ય એક જવાનની હાલત નાજુક છે. આ હુમલો પૂંછના શાહસિતાર વિસ્તારમાં થયો હતો. આતંકવાદીઓએ સુરક્ષાદળોનાં બે વાહન પર જોરદાર ગોળીબાર કર્યો હતો. આમાંનું એક વાહન એરફોર્સનું હતું. બંને વાહનો સનાઈ ટોપ તરફ જઈ રહ્યા હતા. આતંકવાદીઓની ગોળીઓ વાહનના આગળના અને બાજુના કાચને પાર કરી ગઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.