રાષ્ટ્રભાવનાને બળવત્તર બનાવવા પ્રેરિત હર ઘર તિરંગા અભિયાન ને રાજ્યભર માં વ્યાપક આવકાર
રાષ્ટ્રભાવનાને બળવત્તર બનાવવા પ્રેરિત હર ઘર તિરંગા અભિયાન ને રાજ્યભર માં વ્યાપક આવકાર
¤ સહકાર અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એ અમદાવાદ ખાતે પોતાના નિવાસ સ્થાને ગૌરવભેર તિરંગો લહેરાવ્યો
¤ રાજ્યમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા તિરંગા વિતરણ
¤ કચ્છના આઈકોનિક સ્થળ કોટેશ્વર, માંડવી બીચ, માતાના મઢ, ધોળાવીરામાં તિરંગા યાત્રા યોજાઈ
¤ તિરંગા સેલ્ફી, તિરંગા શપથ, તિરંગા કેન્વાસ, તિરંગા ટ્રીબ્યુટ, તિરંગા મેળા, અને તિરંગા રન જેવા કાર્યક્રમોનું આયોજન
********
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં આઝાદીના ૭૮મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તા. ૦૮થી ૧૫ ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ‘હર ઘર તિરંગા અભિયાન’ યોજાઇ રહ્યું છે.જેને રાજ્યમાં વ્યાપક આવકાર મળી રહ્યો છે. રાજ્યભરની સેવાભાવી સંસ્થાઓ દ્વારા નાગરિકોને તિરંગાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યભરમાં 'હર ઘર તિરંગા' કાર્યક્રમ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જેમાં તિરંગા સેલ્ફી, તિરંગા શપથ, તિરંગા કેન્વાસ, તિરંગા ટ્રીબ્યુટ, તિરંગા મેળા, અને તિરંગા રન જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલા 'હર ઘર તિરંગા' અભિયાન અંતર્ગત સહકાર અને ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા એ અમદાવાદ ખાતે પોતાના નિવાસ સ્થાને ગૌરવભેર તિરંગો લહેરાવ્યો છે.
દેશની આન બાન અને શાન એવા તિરંગાને ફરી આપણા આંગણે ફરકાવવાનો અમૂલ્ય અવસર આવ્યો છે ત્યારે રાજ્યના દરેક નાગરિકોએ આ હર ઘર તિરંગા અભિયાનમાં તેમજ ૧૩ ઓગસ્ટે અમદાવાદમાં યોજાનારી તિરંગા યાત્રામાં જોડાવવાનું આહવાન પણ મંત્રીશ્રી દ્વારા કરવામાં આવ્યું છે.
નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના પ્રબળ બને તે હેતુસર કચ્છ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા યાત્રા અંતર્ગત કાર્યક્રમોનો પ્રારંભ થઈ ચુકયો
આજે કચ્છના આઇકોનિક સ્થળ કોટેશ્વર, માંડવી બીચ, માતાના મઢ તથા ધોળાવીરા ખાતે તિરંગા યાત્રા યોજાઈ હતી અને આવતીકાલે સવારે ૯ કલાકે ભુજ જયુબિલી ગ્રાઉન્ડ ખાતેથી ઓલ્ડફેડ હાઈસ્કૂલ સુધી જિલ્લા કક્ષાના કાર્યક્રમ અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે, જેમાં પોલીસ જવાનો, શાળાના બાળકો, પરંપરાગત લોક નૃત્ય કલાકારો, અન્ય કલાકારો, પોલીસ બેન્ડ, રમતવીરો, આઈકોનિક વ્યક્તિઓ, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર તથા મોટી સંખ્યામાં નાગરિકો જોડાશે. તા.૧૨ના તમામ તાલુકા મથક પર મુખ્ય કાર્યક્રમ અને દરેક ગામ પંચાયત દીઠ કાર્યક્રમો તથા તિરંગા યાત્રા યોજાશે. તા.૧૩ના સરહદી વિસ્તાર ધરાવતા કચ્છના ૫૯ ગામમાં એક્તા અને સમસરતા તથા રાષ્ટ્રભાવના બળવત્તર બને તે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાની તમામ શાળાઓમાં નિબંધ, ચિત્ર, રંગોળી અને દેશભક્તિનાં ગીતોની સ્પર્ધા યોજવામાં આવશે. આ ઉપરાંત ગામ્ય કક્ષાએ લોકજાગૃતિના કાર્યક્રમો અને નાટકો પણ યોજાશે. તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિ ધીમ આધારિત ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન તેમજ ઈનામ વિતરણ કરાશે.
ગીર સોમનાથ જિલ્લામાં ‘હર ઘર તિરંગા’ની ઉજવણી અંતર્ગત સૂત્રાપાડા તાલુકાના લોઢવા ગામે કન્યાશાળાથી મુખ્યચૉક સુધી તિરંગા યાત્રા યોજાઈ હતી.આ તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતાં. કન્યા શાળામાં ચિત્ર અને રંગોળી વેશભૂષા વગેરે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગીર સોમનાથ જિલ્લામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે "હર ઘર તિરંગા" અભિયાન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાની તમામ તાલુકા પંચાયતો ખાતે તાલુકા વિકાસ અધિકારીશ્રી, તાલુકાના અન્ય અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ અને અન્ય કર્મચારીગણ દ્વારા "હર ઘર તિરંગા સિગ્નેચર કેમ્પેઈન" આયોજીત કરવામાં આવ્યું હતું.
સમગ્ર રાજ્યની સાથે ભરૂચ જિલ્લામાં પણ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા અને રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જે અંતર્ગત રૂંગટા હાઇસ્કૂલ ખાતે નગરપાલિકા સંચાલિત જી.ડી. હાઇસ્કૂલ, વિસનગર ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અન્વયે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળાઓમાં નિબંધ લેખન સહિતની સ્પર્ધાઓનું આયોજન કરાયું હતું જેમાં તમામ તાલુકાઓની શાળાઓમાં નિબંધ, કાવ્ય અને ક્વિઝ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૧૧ ઓગસ્ટના રોજ સુદર્શન સેતુ ઓખા તેમજ તા.૧૨ ઓગસ્ટના રોજ ખંભાળિયા પ્રાંત કચેરી ખાતે યોજાશે તિરંગા યાત્રા યોજાશે.
સમગ્ર રાજ્ય સહિત નર્મદા જિલ્લામાં આજથી હર ઘર તિરંગા અભિયાન શરૂ થયું છે. ત્યારે નર્મદા જિલ્લાની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં આજે ભૂલકાઓ દ્વારા તિરંગા યાત્રા, રંગોળી તેમજ ચિત્ર સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લઈ ઉજવણી કરવામાં આવી હતી. નાના ભૂલકાંઓએ રાષ્ટ્રધ્વજને હાથમાં લઈ ગામમાં તિરંગા યાત્રા યોજી ગામલોકોને પણ આ અભિયાનમાં સ્વયંભૂ સહભાગી બનવા અપીલ કરી હતી.
ડાંગ જિલ્લાનાં સુબીર ખાતે વિધાન સભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલનાં અધ્યક્ષ સ્થાને પોલીસ બેન્ડની સુરાવલી સાથે “તિરંગા યાત્રા” યોજાઈ હતી. હાથમાં તિરંગો ધ્વજ લઈને નીકળેલી આ યાત્રા, સરકારી માધ્યમિક શાળાથી સુબીરના બિરસા મુંડા સર્કલ સુધી પહોંચી હતી. અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓએ તિરંગાનાં ધ્વજ સાથે મુખ્ય માર્ગો પર ફરીને લોકચેતના જગાવી હતી.
'હર ઘર તિરંગા' કાર્યક્રમના આહ્વાનને ઝીલી લેતા, ડાંગમાં ઠેર ઠેર તિરંગા વિતરણ સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.જેમાં આહવાના એસ ટી. ડેપો ખાતે પણ ડેપો મેનેજરની આગેવાની હેઠળ, બસ ના મુસાફરો તથા પ્રજાજનો ને તિરંગા નું વિતરણ કરાયું હતું. સાથે બસના ડ્રાયવર અને કંડકટરો એ પણ, પોતાની બસો ને રાષ્ટ્રધ્વજ થી શણગારી, લોક ચેતના જગાવી છે.
વલસાડ જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન વલસાડ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પોલીસ બેન્ડે વલસાડના કલ્યાણ બાગ સર્કલ પાસે દેશભક્તિ ગીતોની સુરાવલી રેલાવી વાતાવરણને દેશ ભક્તિમય બનાવ્યું હતું. પોલીસ બેન્ડે રાષ્ટ્રધવ્જ લેહરાવતા ‘સારે જહાં સે અચ્છા…’, ‘એ મેરે વતન કે લોગોં..’, સહિત વિવિધ દેશભક્તિ ગીતોએ લોકોમાં ઉત્સાહ જગાડ્યો હતો. લોકોમાં દેશભકિતની ચેતના જગાવવાના પ્રયાસને ઉપસ્થિત લોકોએ બિરદાવ્યો હતો. આ દેશભક્તિ ગીતોને લોકોએ મોટી સંખ્યામાં એકઠાં થઈને માણ્યાં હતાં. વલસાડ પોલીસ તંત્ર દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે વલસાડ જિલ્લામાં ગુંજન ચાર રસ્તા - વાપી, તિથલ બીચ, આઝાદ ચોક, સરદાર હાઈટ્સ અને હાલર ચાર રસ્તા ખાતે રાષ્ટ્રગીત સુરાવલી કાર્યક્રમો યોજાશે.
*********
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.