150થી વધુ ગુન્હામાં સંડોવાયેલા ચોર આનંદ સિતાપરાએ કરણપરામાં ચોરીને અંજામ આપ્યો’તો
બે દિવસ પહેલા કરણપરામાં ઈલેકટ્રીકના ધંધાર્થીના મકાનમાં થયેલ લાખો રૂપિયાની ચોરીના બનાવમાં ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી હતી અને કુખ્યાત ચોર આનંદ સિતાપરા ઉર્ફે કરોડપતિ ચોરની ધરપકડ કરી ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. તેમની સાથે અન્ય બે શખ્સોની પણ ધરપકડ કરી ક્રાઈમ બ્રાંચની ટીમે રૂા.13.14 લાખનો મુદામાલ કબ્જે કરી એક નાસી છુટેલા ગોંડલના વિજય સિતાપરાની શોધખોળ હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ કરણપરા 13-14ના ખુણે શિવ હોસ્પિટલ સામે રહેતા કેકીનભાઈ દિલીપભાઈ શાહ (ઉ.39) એ જણાવ્યું હતું કે પોતાને સાંગણવાચોકમાં ઈલેકટ્રીકની દુકાન આવેલ છે. તેઓના સિદ્ધાર્થ નામના મકાનમાં ઉધઈનો ઉપદ્રવ થયેલ હોય જેથી મકાનમાં ઉધઈની દવા મારવા માટે ત્રણ મજુરોને કામ આપ્યુ હતું. ગયા શનિવારે સવારે 10 વાગ્યે ત્રણ મજુરો ઉધઈની દવા છાંટવા માટે ઘરે પહોંચ્યા હતા અને પોતાનું કામ શરુ કર્યુ હતું. બાદમાં દવાના છંટકાવના કારણે ઘરમાં દુર્ગંધ આવતા તેઓ તેમના પત્ની સહિત પરિવારજનો સાથે બાજુમાં આવેલ મઢુલી ચોકમાં રહેતા તેમના ફઈના ઘરે રહેવા માટે ગયા હતા. બાદમાં તેઓના પત્ની રવિવાર અને સોમવારે સાફસફાઈ માટે ઘરે આવ્યા હતા.
બાદમાં આજે સવારે 10 વાગ્યાની આસપાસ તેઓ પોતાના ઘરે આવતા મુખ્ય દરવાજો બંધ હતો જે ખોલી અંદર પ્રવેશ કરતા મકાનનો દરવાજામાં મારેલ તાળુ તુટેલુ જોવા મળેલ હતું. જેથી ચોરી થયાની શંકા જતા તેઓએ રૂમ ખોલી ઘરમાં તપાસ કરી હતી. દરમ્યાન ઉપરના રૂમે જોતા ત્યાં રહેલ કબાટ ખુલ્લો જોવા મળેલ હતો અને માલસામાન વેરવિખેર નીચે પડેલ હતો. તેમજ કબાટમાં રહેલ તિજોરી પણ ખુલ્લી હાલતમાં જોવા મળી હતી. જેમાં તેઓએ રાખેલ સોના-ચાંદીના અલગ અલગ દાગીના તેમજ ચાંદીની 500 ગ્રામની ઈંટો અને આશરે રૂા.1 લાખની રોકડ જોવા મળી ન હતી. જેથી તેમના રૂમમાં કબાટની તિજોરીમાંથી અંદાજીત રૂા.16 લાખના મુદામાલની કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયાનું સામે આવતા પોલીસને જાણ કરી હતી.
બનાવની ફરિયાદ પરથી ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસમાં ઝંપલાવી પીઆઈ એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં અલગ અલગ ટીમોએ સીસીટીવી કેમેરાના આધારે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ઝાલા, વિજયરાજસિંહ જાડેજા, કૃષ્ણદેવસિંહ ઝાલા, કોન્સ્ટેબલ વાલજીભાઈ જાડા, પ્રદીપસિંહ જાડેજાને મળેલ ચોકકસ બાતમીના આધારે ઈલેકટ્રીકના ધંધાર્થીના બંધ મકાનમાં ચોરી કરનાર આનંદ ઉર્ફે રાજુ ઉર્ફે કરોડપતિ ચોર ઉર્ફે જેસીંગ સીતાપરા (ઉ.63) રહે. કામરેજ, સુરત, મૂળ લાલપુર જામનગર, ઈમ્તીયાઝ ઉર્ફે ઈમ્તુડો અલ્તાફ પરમાર (ઉ.24) રહે. વિનોદનગર આવાસ યોજના કવાર્ટર કોઠારીયા રોડ અને ચિરાગ મુક્તિલાલ શિવલાલ શાહ (ઉ.44) રહે. કાંકરેજ બનાસકાંઠાને ઝડપી તેમની પાસેથી સોના-ચાંદીના દાગીના, એક બાઈક અને મોબાઈલ ફોન મળી રૂા.13.14 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો જયારે ચોરીમાં સામેલ ગોંડલનો વિજય રમેશ સીતાપરા નાસી છુટવામાં સફળ થતા તેની શોધખોળ યથાવત રાખી છે.
પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે કુખ્યાત ચોર આનંદ ગઈ તા.9ના વ્હેલી સવારે સુરતથી ખાનગી વાહનમાં અન્ય આરોપી સાથે રાજકોટ આવ્યો હતો અને બાઈકમાં શહેરમાં ફરી રેકી કર્યા બાદ મોડીરાત્રે ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કર ઈમ્તીયાઝ આનંદ સાથે ચોરીમાં સામેલ હતો જયારે ચિરાગ શાહ ચોરીનો માલ ખરીદનાર હતો. જયારે નાસી છુટનાર વિજય આનંદને કાંકરેજ મુકવા ગયો હતો. ઉલ્લેખનીય છે કે કુખ્યાત તસ્કર આનંદ વિરુદ્ધ રાજકોટમાં ઘરફોડ ચોરીના 34 ગુન્હા સહિત 150થી વધુ ગુન્હામાં તે સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.