ભાસ્કર ખાસ:અમેરિકામાં યુવાનો ડેટિંગ એપ પર વધુ સમય વિતાવી રહ્યા છે, જેના લીધે તેઓ બર્નઆઉટના શિકાર બની રહ્યા છે, 80% યુવાનોમાં થાક-એકલતાની સમસ્યા
આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન ડેટિંગ એપ્સનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે. તેના થકી હજારો લોકો તેમના જીવનસાથીને પણ શોધી રહ્યા છે. જોકે એપ્સ પર વધુ પડતો સમય વિતાવવો અને જીવનસાથીને શોધવામાં સામેલ લાઈક, સ્વાઈપ અને ટેપ કરવાની સતત પ્રક્રિયાને કારણે ઘણા લોકો થાકેલા, હતાશ અને એકલતા અનુભવે છે. નિષ્ણાતોએ આ સમસ્યાને ‘ડેટિંગ એપ બર્નઆઉટ’’’’ નામ આપ્યું છે. અમેરિકામાં કરાયેલા એક સરવેમાં સામે આવ્યું છે કે 80% યુઝર્સ માનસિક થાક અને ડિજિટલ એપ બર્નઆઉટની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ, ડેટિંગ એપ્સના સતત ઉપયોગને કારણે યુઝર્સ સંબંધોમાં રસ ગુમાવી રહ્યા છે. કેલિફોર્નિયાના 31 વર્ષીય ફોટોગ્રાફર મિર્લિન એસ્પેરિયાની પીડા પણ આ થાક વિશે જણાવે છે. તેણી એક ડેટિંગ એપ દ્વારા કોલેજમાં એક વ્યક્તિને મળી હતી. જોકે તે પણ ત્રણ વર્ષથી રિલેશનશિપમાં નથી. સતત એપ્સના ઉપયોગને લીધે કેટલીકવાર માનસિક મૂંઝવણ થવા લાગે છે. મિર્લિનની પીડા એ લાખો અમેરિકનોની પીડા છે જેઓ ઑનલાઇન ડેટિંગને કારણે બર્નઆઉટનો સામનો કરી રહ્યા છે. ડેટિંગ એપના વધુ પડતા અને વારંવાર ઉપયોગને કારણે અમેરિકામાં માનસિક થાક અને એકલતાનો વધતો અનુભવ એક ગંભીર સમસ્યા બની રહી છે. ક્લિનિકલ સાઈકોલોજિસ્ટ યાસ્મીન સાદ કહે છે કે દર 10માંથી 8 લોકોનો માનસિક થાક અનુભવવો તે ચિંતાનો વિષય છે. તમારું બધું કામ છોડીને ડેટિંગ એપ્સ પર વધુ સમય વિતાવવો અને પછી પણ જીવનસાથી ન મળે એ થાકનું મુખ્ય કારણ છે. તેમના મતે તેનો ઉકેલ એ છે કે જો યુઝરને થાક લાગે તો તેણે એપ્સમાંથી બ્રેક લેવો જોઈએ. તેનો સંતુલિત અને મર્યાદિત ઉપયોગ જરૂરી છે. આ સિવાય યુઝર્સે લોકોને રૂબરૂ મળવા અને તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. તે થાક ઘટાડવામાં મદદ કરે છે. અમેરિકામાં ઓનલાઈન ડેટિંગ કરનારાઓની સંખ્યા 5 વર્ષમાં 41% વધી
અમેરિકામાં 5 વર્ષમાં ડેટિંગ એપનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં 41%નો વધારો થયો છે. 2019માં 4 કરોડ 62 લાખ અમેરિકનો ડેટિંગ એપનો ઉપયોગ કરતા હતા જે હવે વધીને 6 કરોડ 5 લાખ થઈ ગયા છે. 30% પુખ્ત વયના અમેરિકનોએ અમુક સમયે ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કર્યો છે. આ કારણે તેમનું માર્કેટ પણ સતત વધી રહ્યું છે. હાલના સમયમાં તેનું માર્કેટ 11,269 કરોડ રૂપિયાનું છે. 2019માં તેનું માર્કેટ 6,678 કરોડ રૂપિયા હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.