નેપાળમાં ભૂસ્ખલનથી બે બસ નદીમાં ખાબકી:ડ્રાઈવર સહિત 7 ભારતીયોનાં મોત, બે લોકોએ કૂદીને જીવ બચાવ્યો; 50થી વધુ પેસેન્જર ગુમ
નેપાળમાં ભારે વરસાદ વચ્ચે શુક્રવારે સવારે હાઇવે પર ભૂસ્ખલન થતાં બે બસો ત્રિશૂલી નદીમાં ખાબકી હતી. ઘટનાસ્થળે હાજર અધિકારીઓના જણાવ્યા અનુસાર બંને બસમાં ડ્રાઈવર સહિત 63 લોકો સવાર હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દુર્ઘટનામાં 7 ભારતીયોનાં મોત થયાં છે. 50થી વધુ લોકો ગુમ છે. નેપાળી મીડિયા હાઉસ કાઠમંડુ પોસ્ટ અનુસાર, બસ ડ્રાઇવરના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે. જ્યારે 2 લોકોએ બસમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. આ અકસ્માત મધ્ય નેપાળમાં મદન-આશ્રિત હાઇવે પર સવારે 3.30 વાગ્યે થયો હતો. સતત વરસાદ અને પાણીના જોરદાર પ્રવાહને કારણે શોધ અને બચાવ કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જુઓ દુર્ઘટનાની તસવીરો... રેસ્ક્યૂની તસવીરો... નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ 'પ્રચંડ'એ તમામ સરકારી એજન્સીઓને મુસાફરોને શોધવા અને બચાવવાના નિર્દેશ આપ્યા છે. દહલે ટ્વિટર પર લખ્યું, "નારાયણગઢ-મુગલીન રોડ પર ભૂસ્ખલન અને દેશના વિવિધ ભાગોમાં પૂર અને ભૂસ્ખલનને કારણે મિલકતોને નુકસાન અને બસો વહી જવાથી લગભગ પાંચ ડઝન મુસાફરો ગુમ થયાના સમાચારથી મને ખૂબ જ દુઃખ થયું છે." હું ગૃહ વિભાગ સહિત સરકારની તમામ એજન્સીઓને પેસેન્જરોની શોધ કરવા અને તેમને અસરકારક રીતે બચાવવા માટે નિર્દેશ આપું છું." અનેક ફ્લાઇટ્સ રદ
દરમિયાન, હવામાન પ્રતિકૂળ રહેવાને કારણે કાઠમંડુથી ભરતપુરની તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. નેપાળના ગૃહ મંત્રાલયના અધિકારીઓએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે નેપાળમાં ચોમાસાની સિઝનની શરૂઆતથી વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 62 લોકો માર્યા ગયા છે અને 90 અન્ય ઘાયલ થયા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.