મોબાઈલના ધંધાર્થી જીએસટી ચોરી કરતા દરોડો પાડવા ગયેલા ગર્ભવતી વેરા અધિકારી પર દંપતિનો હુમલો - At This Time

મોબાઈલના ધંધાર્થી જીએસટી ચોરી કરતા દરોડો પાડવા ગયેલા ગર્ભવતી વેરા અધિકારી પર દંપતિનો હુમલો


બહુમાળીભવનમાં આવેલ રાજયવેરા કચેરીમાં ફરજ બજાવતા ગર્ભવતી મહિલા અધિકારી પર મોબાઈલના ધંધાર્થી દંપતિએ અગાઉ થયેલ કરચોરીના દરોડાનો ખાર રાખી અવારનવાર મારી નાંખવાની ધમકી આપી જીએસટી ઓફિસમાં ધસી જઈ ગર્ભવતી અધિકારીને ધકકો મારી પાડી દઈ ધમકી આપી નાસી છુટયા હતા. બનાવ અંગે પ્રનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે શ્રોફરોડ પર ગવર્નમેન્ટ કવાર્ટરમાં રહેતા પ્રિયંકાબા વિક્રમસિંહ જાડેજા (ઉ.32)એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે જીગર નરેન્દ્ર અનડકટ અને તેની પત્ની જીજ્ઞાબેન રહે. શારદાનગર સોસાયટીનું નામ આપતા પ્રનગર પોલીસે આઈપીસી 323, 332 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે તેઓ બહુમાળી ભવનમાં આવેલ સંયુક્ત રાજય વેરા કમિશ્નરની કચેરીમાં રાજયવેરા અધિકારી તરીકે નવ માસથી ફરજ બજાવે છે અને હાલ તે ગર્ભવતી પણ છે.
તેઓ અગાઉ નાયબ રાજયવેરા કમિશ્ર્નર વિભાગ-10માં ફરજ બજાવતા હતા ત્યારે તેઓના અધિકારીની સૂચનાથી સ્ટાફના જીએસટી ઈન્સ્પેકટર આરતીબેન, નયનાબેન તેમજ સીનીયર કલાર્ક સાથે અમીનમાર્ગ, ગુજરાત હાઉસીંગ બોર્ડ નજીક જય એન્ટરપ્રાઈઝ નામની મોબાઈલની દુકાન ધરાવતા જીગર અનડકટની દુકાનમાં જીએસટી નંબર ના હોય અને ત્યાં જીએસટી ચોરીને લગતી તપાસમાં ગયેલ હતા. તપાસ તારીખ 17-10-23 થી 20-10-23 સુધી ચાલેલ હતી. દરમ્યાન તપાસની કાર્યવાહીમાં માલસામાનના સ્ટોકનો તફાવત મળી આવેલ તેમજ દુકાનમાંથી રિટેલમાં કરેલ મોબાઈલના વેચાણનો કોઈ હિસાબ ચોપડે દર્શાવેલ ન હતો. તપાસ દરમ્યાન રૂા.14.95 લાખની કરચોરી ધ્યાને આવી હતી.
ત્યારે જીગર અનડકટે જણાવેલ કે પોતાની આર્થિક પરીસ્થિતિ નબળી હોય જેથી પોતે કરચોરીની રકમ હપ્તે હપ્તે ભરી આપશે જેવી બાંહેધરી આપી હતી. તેમના દ્વારા રૂા.4.95 લાખ વેરો તથા દંડ જીએસટી વિભાગમાં 23-10-23ના ભરપાઈ કરવામાં આવેલ તેમજ બાકીની રકમ ભરપાઈ કરવામાં આવતી ન હોય જેથી તેમને રકમ ભરવા માટે કહેતા તેણે કહેલ કે હું ભરપાઈ કરી આપીશ. બાદમાં ફરિયાદીની બદલી રાજયવેરા કમિશ્ર્નર કચેરીમાં વિભાગ-1માં થયેલ હતી.
છએક મહિના પહેલા તેઓ ઓફિસે હાજર હતા ત્યારે જીગર અનડકટનો ફોન આવેલ અને કહેલ કે મારે જીએસટી ચોરીની રકમ ભરપાઈ કરવાની બાકી છે તે શૂન્ય કરાવી આપો તેમ કહેતા તેણીએ જણાવેલ કે મારી બદલી બહુમાળી ભવન ખાતે આવેલ કચેરીમાં થયેલ છે તેથી તમે લાગુ પડતી કચેરી જીલ્લા સેવા સદન-3માં આવેલ નાયબ રાજયવેરા કચેરીમાં જવા માટે કહેતા આરોપીએ કહેલ કે રકમ શૂન્ય કરાવી આપો નહીતર તમને તકલીફ પડશે. બાદમાં ગઈ તા.30-4ના બપોરના સમયે તેણી ઓફિસમાં બેસેલ હતા.
ત્યારે આરોપી દંપતિ ધસી આવેલા અને જીગરે કહેલ મારી દુકાનમાં જીએસટી ચોરી પકડેલ રકમ તમે શૂન્ય કરાવી આપો તેમ કહેતા તેણે કહેલ કે તમારી લાગુ પડતી કચેરીએ વાત કરજો અને તમારી ભરપાઈ કરવાની રકમ ભરી આપજો. કહેતા દંપતિ ઉંચા અવાજે બુમો પાડી ખોટી ફરિયાદ કરીને તમોને સંડોવી દેશુ અને અમારી એસીબી કચેરીમાં ઓળખાણ છે જેથી તેમાં ખોટા કેસમાં ફીટ કરી દેશું તેવુ કહી દેકારો કરતા કચેરીના અન્ય સ્ટાફ આવી જતા દંપતિ જતુ રહ્યું હતું.
આરોપી જીગર ફોનમાં ખરાબ વર્તન કરતો હોય જેથી તેના ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા ત્યારબાદ ગઈ તા.11-6ના બપોરના સમયે દંપતિ ઓફિસે ધસી આવેલ અને કહેવા લાગેલ કે તમે કેમ અમારા ફોન ઉપાડતા નથી કહી ગાળો આપી જીગરના હાથમાં રહેલ ઓફિસની ફાઈલ ખેંચીને ટેબલની નીચે ફેંકી દીધેલ અને ફાઈલ લેવા તેણી નીચે નમતા આરોપી દંપતિએ ધકકો મારી નીચે પછાડી દીધા હતા અને દંપતિએ કહેલ કે સરકારી બાકી લેણુ શૂન્ય કરાવી આપો નહી તો તમને મારી નાંખીશુ અને તમારા વિરુદ્ધ મીડીયા તથા એસીબીમાં ફરિયાદ કરીશું અને પાછા આવીશુ ત્યારે ઉભા પણ નહી રહી શકો તેવી હાલત કરશુ તેવી ધમકી આપી હતી.
બાદમાં તેણી 100 નંબરમાં ફોન કરતા જીગરે તેણીના હાથમાંથી ચાલુ ફોન ખેંચીને કાપી નાંખતા તેણીએ રાડારાડી કરતા અન્ય સ્ટાફ દોડી આવ્યો હતો અને આરોપી દંપતિ નાસી છુટયા હતા તેમજ ગઈ તા.13-6ના એક કુરીયર આવેલ જેમાંથી ન્યુઝ પેપર નીકળેલ તેમાં ભ્રષ્ટાચારને લગતા સમાચાર છપાયેલ હતા.બનાવ અંગે ફરિયાદ પરથી પ્રનગર પોલીસે ગુન્હો નોંધી આરોપી દંપતિને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.