લોકસભાના પ્રથમ સત્રમાં વિપક્ષ સરકારને ઘેરશે:NEET, અગ્નિવીર અને શેરબજારનો મુદ્દો રહેશે; આ ત્રણેય મુદ્દે સરકાર હાલમાં બેકફૂટ પર
સામાન્ય ચૂંટણીમાં તાકાત વધ્યા બાદ વિપક્ષ 24 જૂનથી શરૂ થઈ રહેલા લોકસભાના પહેલા જ સત્રમાં મોદી સરકારને ઘેરવાની તૈયારીમાં છે. I.N.D.I.A બ્લોકની વ્યૂહરચના સામૂહિક તાકાત બતાવવાની છે. ત્રણ મુદ્દા NEET, અગ્નિવીર યોજના અને એક્ઝિટ પોલના કારણે શેરબજારમાં ઉથલપાથલના કારણે કરોડો રૂપિયાની મૂવમેન્ટ પર ફોકસ રહેશે. આ ત્રણ મુદ્દા પર સરકાર બેકફૂટ પર છે. બીજેપીના સાથી પક્ષો પણ NEET અને અગ્નિવીરને લઈને અલગ ઊભા હોય તેવું લાગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ આ ત્રણ મુદ્દા પર વિપક્ષને સંપૂર્ણ રીતે સાથે લેવાની રણનીતિ અપનાવશે. લોકસભામાં મોદી સરકારની ઘટેલી તાકાતને જોતા વિરોધ પક્ષો NEET અને અગ્નિવીર જેવા મામલાઓને કારણે ઉદ્ભવતા જન ગુસ્સાને સદનમાં વ્યક્ત કરવા માગે છે. તે જ સમયે, ભાજપ અને તેના સાથી પક્ષો ગૃહમાં સકારાત્મક ચર્ચા માટે વાતાવરણ બનાવવાના માર્ગ પર હોવાનું જણાય છે. બંને ગૃહોના સંયુક્ત સત્રમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન દ્વારા મોદી સરકાર તેના આગામી 5 વર્ષના એજન્ડાની ઝલક આપશે. મોદી 3.0- ઈન્ડિયા બ્લોક તેની તાકાત બતાવશે
NEET પરીક્ષા- I.N.D.I.A ગઠબંધન આ વિવાદ અંગે સંસદમાં સરકારનો સામનો કરવા તૈયાર છે. એવું માનવામાં આવે છે કે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો આ મામલે સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની તપાસની માગ કરશે. અગ્નિવીર- કોંગ્રેસે તેના ચૂંટણી પ્રચાર દરમિયાન જાહેરાત કરી હતી કે જો તે સત્તામાં આવશે તો આ યોજનાને ખતમ કરી દેવામાં આવશે. કોંગ્રેસ હવે આને સંસદનો સૌથી મહત્વનો મુદ્દો બનાવવાની તૈયારી કરી રહી છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ વારંવાર આશ્વાસન આપી રહ્યા છે કે જો જરૂર પડશે તો યોજનામાં સુધારા કરી શકાય છે. શેરબજાર- શેરબજાર સાથે સંકળાયેલા 16 કરોડ રોકાણકારોની ભાવનાઓને શાંત કરવા માટે, વિપક્ષ ચૂંટણીના પરિણામો પહેલા સેન્સેક્સમાં વધારો અને પછી બજારના ઘટાડાને આયોજનબદ્ધ કૌભાંડ તરીકે જોઈ રહ્યો છે. રાહુલે આ મામલે સંયુક્ત સંસદીય તપાસ સમિતિની રચના કરવાની માગ કરી છે. રાહુલે કહ્યું- મોદી પેપર લીકને રોકવા નથી માગતા
NEET પરીક્ષાના વિવાદ પર રાહુલ ગાંધીએ ગુરુવારે પ્રેસ-કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું, 'ભારત જોડો યાત્રા દરમિયાન હજારો યુવાનોએ પેપર લીકની ફરિયાદ કરી હતી. હવે NEET પેપરમાં કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે અને એક પેપર રદ કરવામાં આવ્યું છે. એવા અહેવાલો હતા કે પીએમ મોદીએ ફોન કરીને રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધને અટકાવ્યું હતું. ગાઝા અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ પણ એક ફોન કરીને અટકાવ્યું હતું. કેટલાક કારણોસર નરેન્દ્ર મોદી ભારતમાં પેપર લીક અટકાવવામાં સક્ષમ નથી અથવા એને રોકવા માગતા નથી. NEET UG પરીક્ષા રદ કરવાની માગ સાથે દેશભરમાં વિરોધપ્રદર્શનો થઈ રહ્યાં છે. લખનઉ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ શિક્ષણમંત્રીના રાજીનામાની માગ કરી છે. આ દરમિયાન શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને NTA અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ઉચ્ચ શિક્ષણ સચિવ સંજય મૂર્તિ એનટીએના મહાનિર્દેશક ડૉ. સુબોધ કુમાર સિંહને મળ્યા હતા. એ જ સમયે ગુરુવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે NEET UG કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ફરીથી ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું હતું કે જો અંતિમ સુનાવણી બાદ પરીક્ષા રદ કરવામાં આવશે તો કાઉન્સેલિંગ પણ રદ થઇ જશે. ભર્તૃહરિ મહતાબ પ્રોટેમ સ્પીકર નિયુક્ત, નવા સાંસદોને શપથ લેવડાવશે
18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી શરૂ થશે. જેમાં લોકસભા સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી યોજાશે. આ પહેલા ગુરુવારે (20 જૂન), રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણની કલમ 95 (1) હેઠળ ઓડિશાના કટકથી બીજેપી સાંસદ ભર્તૃહરિ મહતાબને પ્રોટેમ સ્પીકર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવશે. ભર્તૃહરિ મહતાબ કટકથી સાત વખતના સાંસદ છે. તેઓ બીજેડી છોડીને આ વર્ષે જ માર્ચમાં ભાજપમાં જોડાયા હતા. 2017માં, તેમને લોકસભામાં ચર્ચામાં તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે ઉત્કૃષ્ટ સંસદસભ્ય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, રાષ્ટ્રપતિએ બંધારણના અનુચ્છેદ 99 હેઠળ લોકસભાના અધ્યક્ષની ચૂંટણી સુધી નવા ચૂંટાયેલા સાંસદોને શપથ લેવડાવવામાં પ્રોટેમ સ્પીકરને મદદ કરવા માટે સુરેશ કોડીકુન્નીલ, થલીક્કોટ્ટાઈ રાજુથેવર બાલુ, રાધા મોહન સિંહ, ફગ્ગન સિંહ કુલસ્તે અને સુદીપ બંદોપાધ્યાયને નિયુક્ત કર્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.