EDITOR'S VIEW: હવે નિર્દોષ યાત્રાળુઓ આતંકીઓના નિશાને:અમરનાથ યાત્રા પહેલાં જ કાશ્મીરમાં આતંકીના નિશાને ટુરિસ્ટ, શું મોદી પીઓકેમાં ફરી એર સ્ટ્રાઈક કરશે? - At This Time

EDITOR’S VIEW: હવે નિર્દોષ યાત્રાળુઓ આતંકીઓના નિશાને:અમરનાથ યાત્રા પહેલાં જ કાશ્મીરમાં આતંકીના નિશાને ટુરિસ્ટ, શું મોદી પીઓકેમાં ફરી એર સ્ટ્રાઈક કરશે?


9 જૂનની સાંજે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શપથવિધિની તૈયારી ચાલી રહી હતી ને બીજી તરફ વૈષ્ણોદેવીથી નજીક રાયસી વિસ્તારમાંથી પસાર થયેલી બસ પર આતંકી હુમલો થયો. જમ્મુ-કાશ્મીરમાં ચાર દિવસમાં ચાર આતંકી હુમલા થયા. કાશ્મીરમાં આતંકી હુમલાનો સીલસીલો નવી વાત નથી પણ ગંભીર વાત એ છે કે હવે આતંકીઓ ટુરિસ્ટને ટાર્ગેટ કરવા લાગ્યા છે. આ હુમલાનું પ્લાનિંગ પીઓકેમાં થયું હોવાના ઈનપુટ્સ મળ્યા. એનો અર્થ એ કે, પાકિસ્તાન પોષિત આતંકી સંગઠનો ત્રીજી ટર્મની મોદી સરકારને પડકાર ફેંકી રહ્યા છે અને દેશવાસીઓને પૂરી ખાતરી છે કે, આજે નહીં તો કાલે, મોદી વળતો જવાબ આપશે. આ આતંકીઓને જડબાંતોબ જવાબ આપવો એટલે જરૂરી છે કે જો આતંકી હુમલાના ભયથી કાશ્મીરમાં ટુરિસ્ટ ઘટશે તો ત્યાંની અર્થવ્યવસ્થા ભાંગી પડશે. ચિંતાની વાત એ પણ છે કે 29 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે ત્યારે જ આ ઘટના બની છે. નમસ્કાર, કાશ્મીરની ઈકોનોમી ટુરિઝમ પર ટકેલી છે. જો ટુરિઝમ ભાંગી પડે તો સમજી લેવાનું કે કાશ્મીર જે ગરીબીમાંથી માંડ માંડ બહાર આવી રહ્યું છે તે ફરી ગરીબી તરફ ધકેલાઈ જશે. ત્રીજી ટર્મની મોદી સરકાર સામે બે મોટા પડકાર છે. એક, કાશ્મીરમાંથી આતંકનો સફાયો કરવો અને બીજું, કાશ્મીરમાં ટુરિઝમ ચાલુ રાખીને ઈકોનોમી જાળવી રાખવી. કારણ કે, કાશ્મીરમાં બે મહિનામાં જ ટુરિસ્ટ પર આ બીજો હુમલો છે. ગયા મહિને આતંકવાદીઓએ અનંતનાગના રિસોર્ટમાં હુમલો કર્યો હતો. પહેલાં જાણીએ, ચાર દિવસમાં ચાર ક્યા હુમલા થયા? પહેલો હુમલો : 9 જૂન, સાંજે 6:15 કલાકે જમ્મુના રિયાસી વિસ્તારમાં. મોદી સરકારના શપથ ગ્રહણના દિવસે, આતંકવાદીઓએ શિવઘોડીથી કટરા જતી બસ પર 25-30 રાઉન્ડ ફાયરિંગ કર્યું. જેમાં ડ્રાઇવરને ગોળી વાગી. બસ ખીણમાં પડી. જેમાં 9 શ્રદ્ધાળુનાં મોત થયાં હતાં. જ્યારે 41 ઘાયલ થયા હતા. પોલીસે શંકાસ્પદ આતંકવાદીનો સ્કેચ જાહેર કર્યો છે. તેના પર 20 લાખનું ઈનામ રાખવામાં આવ્યું છે. આતંકી હુમલા વચ્ચે બસના મુસાફરોએ સંયમ જાળવી રાખ્યો ને જ્યારે બસ ખીણમાં પડી ત્યારે મુસાફરોએ ચીસાચીસ બંધ કરી દીધી. એટલે આતંકીઓ એવું સમજ્યા કે બસના તમામ મુસાફરો મરી ચૂક્યા છે. ત્યાંથી એ ચાલ્યા ગયા. જો મુસાફરોએ ચીસાચીસ ચાલુ રાખી હોત તો આતંકીઓએ ફાયરિંગ ચાલુ રાખ્યું હોત. બીજો હુમલો : 11 જૂન, રાત્રે 8 વાગ્યે જમ્મુના કઠુઆ વિસ્તારમાં. પાકિસ્તાન બોર્ડર પાસે હીરાનગરના સૈદા સુખલ ગામમાં બે આતંકવાદીઓએ દરેક ઘરના દરવાજા ખખડાવ્યા ને પાણી માગ્યું. ગ્રામજનોને શંકા જતાં દરવાજા બંધ કરી દીધા ને બૂમો પાડી. કોઈએ પાણી ન આપ્યું એટલે આતંકવાદીઓએ પહેલાં હવામાં ગોળીબાર કર્યો જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. જ્યારે ડીઆઈજી અને એસએસપી પહોંચ્યા ત્યારે એક આતંકીએ તેમના વાહન પર ગોળીબાર કર્યો હતો. ગ્રેનેડ ફેંકતી વખતે આતંકીનું જ મોત થયું હતું. ત્રીજો હુમલો : 11 જૂન, બપોરે 2 વાગ્યે જમ્મુના ડોડા વિસ્તારમાં. ભદરવાહ-પઠાણકોટ રોડ પર 4 નેશનલ રાઈફલ્સ અને પોલીસની સંયુક્ત ચેકપોસ્ટ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો. 5 સૈનિકો અને એક સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO) ઘાયલ થયા. આતંકવાદી સંગઠન કાશ્મીર ટાઈગર્સ (જેઈએમ/જૈશ)એ હુમલાની જવાબદારી લીધી છે. ચોથો હુમલો : 12 જૂન, રાત્રે 8:20 વાગ્યે જમ્મુના ડોડા વિસ્તારમાં. ડોડાના ગંડોહમાં કોટા ટોપ ખાતે આતંકવાદીઓ અને આર્મી વચ્ચે અથડામણ થઈ. જેમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)નો એક કોન્સ્ટેબલ ફરીદ અહેમદ ઘાયલ થયો હતો. તેને સારવાર માટે ડોડાની સરકારી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યો છે. (ત્રણ ઘટનામાં 6 જવાનો સહિત કુલ 49 લોકો ઘાયલ થયા છે. એક જવાન શહીદ થયો છે અને બે આતંકી ઠાર થયા છે) વૈષ્ણોદેવી જનારા ટુરિસ્ટોને કહેવાયું- ધ્યાન રાખજો... અમરનાથ યાત્રા પહેલાં મોટું ષડયંત્ર નિષ્ફળ સુરક્ષા દળોએ અમરનાથ યાત્રા પહેલાં આતંકવાદીઓના એક મોટા કાવતરાંને નિષ્ફળ બનાવ્યું છે. એન્કાઉન્ટર બાદ આતંકીઓ પાસેથી હથિયાર, 8 મેગ્જિન અને હેન્ડ ગ્રેનેડ, બેગ, 2 લાખ 10 હજાર રોકડા, એમ-4 રાઈફલ (નાઈટ સ્કોપ સાથે) મળી આવી છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં બનેલી ચોકલેટ, ખોરાક, સિરીંજ, દવાઓ અને કોમ્યુનિકેશનના સાધનો પણ મળી આવ્યા છે. એન્કાઉન્ટર બાદ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સુરક્ષા દળો સતત ચેકિંગ ઓપરેશન ચલાવી રહ્યા છે. હજી પણ અનેક આતંકીઓ ઘૂસ્યા હોવાના ઈનપુટ્સ છે, એટલે આર્મીએ સર્ચ ઓપરેશન વધારી દીધું છે. શું છે ISIનો 'ફાલ્કન 50' પ્લાન? જમ્મુને નિશાન બનાવવા માટે પાકિસ્તાનના નેજા હેઠળ ISIએ 'ફાલ્કન 50 પ્લાન' બનાવ્યો છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગ્રુપના 50 આતંકવાદીઓમાં લશ્કર અને જૈશના આતંકવાદીઓ પણ સામેલ છે. આ આતંકવાદીઓ છેલ્લા કેટલાક મહિનામાં જમ્મુ સેક્ટર મારફતે ભારતમાં ઘૂસણખોરી કરી ચૂક્યા છે. આઈએસઆઈની વિશેષ તાલીમ સાથે તૈયાર કરાયેલા આ ફાલ્કન 50 સ્ક્વોડ જૂથને સ્નાઈપર હુમલા માટે ખાસ તાલીમ આપવામાં આવી છે. છેલ્લા ચાર દિવસમાં જમ્મુમાં આતંકવાદીઓએ આ રીતે ઘૂસીને ભારતીય સુરક્ષા દળો પર ચાર મોટા આતંકી હુમલા કર્યા છે. ગુપ્તચર સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર, ફાલ્કન 50 સ્ક્વોડ ગ્રુપના આ આતંકીઓને પીઓકેના આતંકી કેમ્પમાં ટ્રેનિંગ આપવામાં આવી છે. એજન્સીઓનું એવું પણ માનવું છે કે આ જૂથની રચના તે સમયે કરવામાં આવી હતી જ્યારે દેશમાં સામાન્ય ચૂંટણીઓ ચાલી રહી હતી અને ભારતમાં તેની ઘૂસણખોરી ધીરે ધીરે થઈ રહી હતી. જ્યારે ચૂંટણીઓમાં તેમની યોજના નિષ્ફળ ગઈ, ત્યારે ચૂંટણી પછી ભય પેદા કરવા ટુરિસ્ટ અને સુરક્ષા દળોને નિશાન બનાવી રહ્યા છે. ખીર ભવાની ઉત્સવમાં હુમલાનો ભય કાશ્મીરમાં માતા ખીર ભવાની ઉત્સવની પ્રથમ ઉજવણી સાથે તહેવારોની મોસમનો પ્રારંભ થયો છે. 14 જૂન, શુક્રવારે મોટો ઉત્સવ મનાવાશે. અધિકારીઓએ આ તહેવારને લઈને કોઈ જોખમ ન લેવાનો નિર્ણય લીધો છે. આ ઉત્સવ માટે ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરની આસપાસનો 5 કિલોમીટરનો વિસ્તાર સુરક્ષા દળોની દેખરેખ હેઠળ રહેશે. આ સિવાય ડ્રોન દ્વારા પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. સત્તાવાળાઓએ નક્કી કર્યું છે કે ભક્તોના થોડા-થોડા કાફલાને જમ્મુથી મંદિર સુધી લઈ જવામાં આવશે અને તહેવાર પૂરો થયા પછી ભક્તોને જ્યાંથી જવું છે તે સ્થળે પરત મૂકી દેવાશે. સૌથી વધારે હુમલા 2018થી 2022ના પાંચ વર્ષ દરમિયાન થયા ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં આપેલા આંકડા મુજબ, જમ્મુ અને કાશ્મીરમાં 2018 થી 2022 દરમિયાન 761 આતંકવાદી ઘટના જોવા મળી હતી. આ તમામ હુમલામાં 174 નાગરિકોના મોત થયા હતા. સૌથી વધુ હુમલા 2018માં નોંધાયા હતા, જેમાં 614 આતંકવાદી ઘટનાઓ હતી જેમાં 40 નાગરિકોના જીવ ગયા હતા. ત્યારથી આ સંખ્યામાં ઘટાડો થયો છે. 2019માં 126 આતંકી હુમલા અને 39 લોકોનાં મોત, 2020માં 126 હુમલાઓ અને 32 નાગરિકોનાં મોત, 2021માં 129 હુમલા અને 37 મૃત્યુ નોંધાયા હતા અને 2022માં 125 આતંકી ઘટનાઓ અને 26 નાગરિકોનાં મોત થયાં હતાં. એ પહેલાં 2014થી 2017 દરમિયાન 1094 આતંકી ઘટના જમ્મુ-કાશ્મીરમાં બની હતી જેમાં 100 નાગરિકોનાં મોત થયાં ને 248 જવાનો શહીદ થયા હતા. તો ઈન્ડીયન આર્મીએ 2014થી 2017 દરમિયાન 828 આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દીધો હતો. અમરનાથ, પુલવામા અને ઉરી એટેકે દેશને હચમચાવી નાંખ્યો હતો દેશના ત્રણ એવા મોટા હુમલા હતા જેણે ભારતની પ્રજાને હચમચાવી નાંખી હતી. જો કે આનો મોદી સરકારે જડબાંતોડ જવાબ આપ્યો હતો. અમરનાથ યાત્રીઓ પર હુમલો, પુલવામામાં આર્મીની બસને બોમ્બથી ઊડાવી દેવી અને ઉરીમાં બેઝ કેમ્પ પર એટેક એ કાશ્મીરમાં થયેલા હુમલાઓમાં સૌથી મોટા હુમલા હતા. અમરનાથ હુમલો : 10 જુલાઈ 2017ના દિવસે અમરનાથ યાત્રા પર ત્રાસવાદી હુમલો થયો હતો. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાએ કરેલા હુમલામાં 7 શ્રદ્ધાળુઓના મૃત્યુ નીપજ્યાં હતા. રાત્રે 8:15 વાગ્યે પહેલાં ત્રણ આતંકવાદીઓએ અર્ધ સૈનિક બળની છાવણી પર આક્રમણ કર્યું અને 8:20 વાગ્યે ખાનાબલ પાસે ગુજરાતના અમરનાથ યાત્રીઓથી ભરેલી બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ બસ ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની હતી. ઉરી હુમલો : 18 સપ્ટેમ્બર 2016ના રોજ જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે ભારતીય સેનાના કેમ્પ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 19 જવાનો મૃત્યુ પામ્યા હતા. આ હુમલાને બે દાયકાનો સૌથી મોટો હુમલો ગણાવવામાં આવ્યો હતો. આ ઘટના પછી ભારતે પીઓકેમાં સર્જીકલ સ્ટ્રાઈક કરી હતી. પુલવામા એટેક : જમ્મુ અને કાશ્મીર વચ્ચે આવેલા પુલવામા ગામ પાસે CRPF જવાનોની બસ ભરેલો કાફલો જમ્મુથી કાશ્મીર તરફ જઈ રહ્યો હતો ત્યારે એમઈડી બોમ્બ ભરેલી કાર એક બસ સાથે એથડાઈ હતી અને તેમાં 46 જવાનો શહીદ થયા હતા. આ હુમલો જૈશ-એ-મોહમ્મદ નામના સંગઠને કર્યો હતો. હુમલો કરનાર કાશ્મીરના પુલવામાનો સ્થાનિક યુવક આદિલ અહમદ જ હતો. આ ઘટના પછી ભારતે પાકિસ્તાનનો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચી લીધો હતો. આ ઘટના પછી ભારતે એર સ્ટ્રાઈક કરી હતી. 2022માં આતંકીઓ ટાર્ગેટ કિલિંગ પર ઉતરી આવ્યા હતા આતંકીઓ દર વખતે નવી નવી મોડેસ ઓપરેન્ડીથી હુમલા કરે છે. 2022માં, એટલે બે વર્ષ પહેલાં આતંકવાદીઓ કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ પર ઉતરી આવ્યા હતા. ટાર્ગેટ કિલિંગ એટલે કાશ્મીરમાં રહેતા બિનકાશ્મીરીઓની હત્યા કરવી. ખાસ કરીને બિહારના ઘણા મજૂરો કાશ્મીરમાં કામ કરે છે. પુલવામા, કુલગામ, બડગામ જેવા વિસ્તારોમાં બિહારી, કાશ્મીરી પંડિતોની હત્યા કરી હતી. 6 મહિનામાં 9 ટાર્ગેટ કિલિંગ કર્યું હતું. જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે અમૃતકાળનું પહેલું બજેટ 1 લાખ કરોડનું! જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ માર્ચ-2024માં માહિતી આપી હતી કે, જમ્મુ-કાશ્મીરમાં 14.64% નો ઈકોનોમિક ગ્રોથ જોવા મળ્યો છે. અને તેના કારણે ટેક્સની આવકમાં 31%નો વધારો થયો છે, કારણ કે એક જ વર્ષમાં એટલે કે 2023ના વર્ષમાં 1.88 કરોડ પ્રવાસીઓ જમ્મુ-કાશ્મીરમાં ફરવા પહોંચ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, મોડી રાત સુધી લોકો શિકારા રાઈડની મજા માણી રહ્યા છે. ટુરિસ્ટ રેસ્ટોરન્ટ અને હોટલમાં ડિનર લઈ રહ્યા છે. થિયેટર સ્મૂથલી ચાલે છે. માર્ચ 2024માં જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે અમૃતકાળનું પહેલું 1 લાખ કરોડ રૂપિયાનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. આવનારા ત્રણ વર્ષમાં સરકારની જમ્મુ-કાશ્મીર માટે ઘણી યોજના છે. 40 હજાર નવા મકાન બનાવવા, લાઈટ મેટ્રો રેલનું નેટવર્ક ગોઠવવાનો પ્લાન તો છે જ. છેલ્લા 10 મહિનામાં જમ્મુ-કાશ્મીરમાં 1547 કરોડનું રોકાણ આવ્યું છે. 500 નવા સ્ટાર્ટઅપ છેલ્લા ત્રણ વર્ષમાં શરૂ થયા છે. ભાજપ સરકારની જમ્મુ-કાશ્મીર માટે ઘણી યોજના છે પણ સરહદ પારના આતંકવાદના કારણે કાશ્મીરનો વિકાસ જોઈએ તે ગતિથી આગળ વધી શકતો નથી. છેલ્લે, લોકસભા ચૂંટણીમાં જમ્મુ-કાશ્મીરમાં બમ્પર મતદાન થયું તે વાત પણ આતંકી સંગઠનોને પચી નથી. તેનાથી ય આગળ, ભાજપ જમ્મુ અને ઉધમપુર એમ બે સીટ પર ચૂંટણી લડ્યો ને બંને જીતી ગયો. અને કદાચ એટલે જ આતંકી સંગઠનો કાશ્મીરના બદલે જમ્મુને ટાર્ગેટ બનાવી રહ્યા છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ... (રિસર્ચ: યશપાલ બક્ષી)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.