ફિલ્મ દ્વારા નામની મજાક ઉડાવવાનો પ્રયાસ:કરન જોહરે બોમ્બે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો, ફિલ્મ પર પ્રતિબંધની મૂકવાની માગ કરી
શુક્રવારે રિલીઝ થઈ રહેલી ફિલ્મ 'શાદી કે ડિરેક્ટર કરન ઔર જોહર'ના નિર્માતાઓ વિરુદ્ધ ફિલ્મ નિર્માતા કરન જોહરે બુધવારે બોમ્બે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કરને પોતાની અરજીમાં લખ્યું છે કે ફિલ્મના ટાઈટલ દ્વારા તેના નામની મજાક ઉડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે બોમ્બે હાઈકોર્ટને વિનંતી કરી કે, ફિલ્મના શીર્ષકમાં તેના નામનો ઉપયોગ થતો અટકાવવામાં આવે. કરન જોહરે દાવો કર્યો હતો કે, ફિલ્મના નિર્માતા સાથે તેનો કોઈ સંબંધ નથી. ફિલ્મના ટાઇટલમાં તેમના નામનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તેમના અંગત અધિકારોનું ઉલ્લંઘન છે. તેમની પરવાનગી વિના તેના નામનો ઉપયોગ કરીને, ફિલ્મ નિર્માતા તેમના અધિકારો, પ્રચારના અધિકાર અને ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ઈન્ડિયાપ્રાઈડ એડવાઈઝરી પ્રાઈવેટ લિમિટેડના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'શાદી કે ડિરેક્ટર કરણ ઔર જોહર' સંજય સિંહ અને બબલુ સિંહના નિર્દેશનમાં બની છે. કરન જોહરના વકીલ પરાગ ખંદરે કહ્યું કે આ કેસની સુનાવણી આજે થશે. જસ્ટિસ આર. આઈ. ચાગલાની બેંચ સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજીમાં કરને ફિલ્મની રિલીઝ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. મુકદ્દમામાં ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે ફિલ્મ 14 જૂને રિલીઝ થવાની છે અને તેનું ટ્રેલર અને પોસ્ટર જાહેર સ્થળો અને સોશિયલ મીડિયા પર વાઇરલ કરવામાં આવ્યાં છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.