NEET એન્ડ CLEAN?:સુપ્રીમમાં સ્ટુડન્ટ્સની જીત, ગ્રેસ માર્ક્સવાળા 1563 વિદ્યાર્થીની 23 જૂને ફરી પરીક્ષા; પરીક્ષા નહીં આપે તો જૂનું પરિણામ ગ્રેસ માર્ક્સ વગર જાહેર થશે - At This Time

NEET એન્ડ CLEAN?:સુપ્રીમમાં સ્ટુડન્ટ્સની જીત, ગ્રેસ માર્ક્સવાળા 1563 વિદ્યાર્થીની 23 જૂને ફરી પરીક્ષા; પરીક્ષા નહીં આપે તો જૂનું પરિણામ ગ્રેસ માર્ક્સ વગર જાહેર થશે


NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિઓને લઈને ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર દ્વારા એવી દરખાસ્ત કરવામાં આવી હતી કે ગ્રેસ માર્ક્સ મેળવનાર 1563 ઉમેદવારોના સ્કોરકાર્ડ રદ કરવામાં આવશે. આ પછી ગ્રેસ માર્ક્સ વિના સ્કોર કાર્ડ જારી કરવામાં આવશે. આ ઉમેદવારો માટે હવે 23 જૂને ફરી પરીક્ષા લેવામાં આવશે. પરિણામ 30 જૂન પહેલા જાહેર કરવામાં આવશે. જેથી કરીને જુલાઈમાં શરૂ થતા કાઉન્સેલિંગને અસર ન થાય અને 6 જુલાઈની પહેલાથી જ નક્કી કરેલી તારીખથી તમામ બાળકોનું કાઉન્સેલિંગ એકસાથે થઈ શકે. પરીક્ષામાં બેસવા માંગતા ન હોય તેવા ઉમેદવારનું પરિણામ ગ્રેસ માર્ક્સ વિના જૂના સ્કોરકાર્ડના આધારે જ ગણવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના આ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે. મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ UG (NEET UG) પરીક્ષા દેશભરમાં લેવાઈ હતી. ગુજરાતમાંથી અંદાજે 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને દેશમાંથી 24 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સુપ્રીમ કોર્ટમાં પરિણામને પડકારતી 3 અરજીઓ પર સુનાવણી
ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં NEET-UG 2024ના પરિણામને પડકારતી 3 અરજીઓ પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણ માંગણીઓ કરવામાં આવી હતી... છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો
અગાઉ 11 જૂને સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થી શિવાંગી મિશ્રા અને અન્ય 9 વિદ્યાર્થીઓની અરજી પર સુનાવણી કરી હતી. પરિણામની જાહેરાત પહેલા 1 જૂનના રોજ ફાઇલ કરવામાં આવી હતી. ઉમેદવારોએ બિહાર અને રાજસ્થાનના પરીક્ષા કેન્દ્રો પર ખોટા પ્રશ્નપત્રોના વિતરણને કારણે અનિયમિતતા અંગે ફરિયાદ કરી હતી અને પરીક્ષા રદ કરવા અને SIT તપાસની માગ કરી હતી. જો કે, SC એ NEET કાઉન્સેલિંગ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો અને NTAને નોટિસ જારી કરી હતી. કોર્ટે NEET-UG 2024માં પેપર લીક, ગ્રેસ માર્કિંગ અને અન્ય અનિયમિતતાઓ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ એ. અમાનુલ્લાની બેન્ચે કહ્યું હતું કે, પરીક્ષાની પવિત્રતા પર અસર થઈ છે, અમને જવાબ જોઈએ છે. નોટિસમાં બેન્ચે કેન્દ્ર અને પરીક્ષા આયોજક એજન્સી NTA પાસેથી 4 અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. આ મામલામાં આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે. સાથે જ NTAએ કહ્યું છે કે પરીક્ષા સાચી છે. દિલ્હી હાઈકોર્ટે NTAને નોટિસ ફટકારી છે
તે જ સમયે, 12 જૂનના રોજ, દિલ્હી હાઈકોર્ટે NEET UG પરીક્ષામાં ગ્રેસ માર્ક્સ આપવા અને કથિત પેપર લીક સંબંધિત 4 નવી અરજીઓની સુનાવણી કરી હતી. જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેન્ચે NTAને નોટિસ જારી કરી છે. કોર્ટે આગામી સુનાવણીની તારીખ 5 જુલાઈએ રાખી છે. આમાં સુનાવણી રોસ્ટર દ્વારા કરવામાં આવશે. ચાર ઉમેદવારો, આદર્શ રાજ ગુપ્તા, કેયા આઝાદ, મોહમ્મદ ફિરોઝ અને અન્વેદ્ય વી, જેમણે NEET પરીક્ષા આપી હતી, તેમણે દિલ્હી HCમાં અરજી કરી છે. જેમાં NTA પર પરિણામમાં મનસ્વી રીતે ગ્રેસ માર્ક્સ આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 720માંથી 720 માર્ક્સ મેળવનાર તમામ 67 વિદ્યાર્થીઓ ફરીદાબાદ વિસ્તારના છે: સાંસદનો દાવો
રાજ્યસભાના સાંસદ અને સુપ્રીમ કોર્ટના વકીલ વિવેક ટંખાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, 720માંથી 720 અંક મેળવનારા તમામ 67 વિદ્યાર્થીઓ ફરીદાબાદ પ્રદેશના છે. આ પરીક્ષાની પારદર્શિતા પર અનેક જાહેર મંચો પર પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ મામલે NTA સંપૂર્ણ રીતે ખુલ્લું પડી ગયું છે. તેનાથી 24 લાખ બાળકોનું ભવિષ્ય દાવ પર લાગી ગયું છે. 20 હજાર વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી
લગભગ 20 હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ કરીને NEET-UG 2024ને લઈને અલગ-અલગ રાજ્યોમાં અરજી કરી હતી. ગ્રેસ માર્ક્સ સામે દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, NTAએ હજુ સુધી જણાવ્યું નથી કે, વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવા માટે તેઓએ કઈ પદ્ધતિ અપનાવી છે. તે જ સમયે પરીક્ષા પહેલા એનટીએ દ્વારા જારી કરાયેલ માહિતી બુલેટિનમાં ગ્રેસ માર્ક્સ આપવાની જોગવાઈનો કોઈ ઉલ્લેખ નથી. આવી સ્થિતિમાં કેટલાક ઉમેદવારોને ગ્રેસ માર્ક્સ આપવા યોગ્ય નથી. આગળ શું-શું થયું... સુપ્રીમ કોર્ટે કહ્યું હતું- 'ગેરરીતિથી વિશ્વસનીયતા ઘટી' NEET-UG પરિણામ જાહેર થયા બાદથી વિદ્યાર્થીઓ NTA પર ભડક્યા હતા. મેડિકલના વિદ્યાર્થીઓએ પરીક્ષાનું સંચાલન કરતી એજન્સી ANITA પર અનેક સવાલો ઉઠાવ્યા હતા. વિદ્યાર્થીઓનું માનવું હતું કે આ વખતે પરીક્ષામાં કેટલીક ગેરરીતિ જોવા મળી. ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે કે 67 વિદ્યાર્થીને ફુલ માર્ક્સ મળ્યા. આ સિવાય એક જ સેન્ટરમાંથી ઘણા ટોપર્સ આવવાથી પણ NEET શંકાના દાયરામાં આવી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા અને રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા હતા. NEET પરીક્ષાને લઈને NTA વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજીઓનું પૂર આવ્યું હતું. મેડિકલ વિદ્યાર્થીઓનું આંદોલન શેરીઓથી લઈને સોશિયલ મીડિયા સુધી ચાલ્યું હતું. આજે સુપ્રીમ કોર્ટમાં NEET પરીક્ષાને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ અને પુનઃ પરીક્ષા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો અને આગામી સુનાવણીમાં NTAની બાજુ પણ સાંભળવામાં આવશે. મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી
સુપ્રીમ કોર્ટે NEET કાઉન્સેલિંગ પર પ્રતિબંધ મૂકવાની અરજીને ફગાવી દીધી હતી. આ અરજી વિદ્યાર્થી શિવાંગી મિશ્રા અને 9 વિદ્યાર્થી દ્વારા 1 જૂને પરિણામની જાહેરાત પહેલાં દાખલ કરવામાં આવી હતી, જેમાં બિહાર અને રાજસ્થાનનાં પરીક્ષા કેન્દ્રો પર ખોટા પ્રશ્નપત્રોના વિતરણને કારણે ગેરરીતિની ફરિયાદ કરવામાં આવી હતી. પરીક્ષા રદ કરવા અને SIT તપાસ કરાવવાની માગ કરવામાં આવી હતી. આ અંગે મંગળવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટની બેન્ચે કાઉન્સેલિંગ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સી, એટલે કે NTAએ કહ્યું- NEET-UGની પવિત્રતા પર અસર થઈ હતી. આપણને આનો જવાબ જોઈએ. આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે
જસ્ટિસ વિક્રમ નાથ અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની વેકેશન બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. હવે આ કેસની આગામી સુનાવણી 8મી જુલાઈએ થશે. 10 જૂને પિટિશન પણ દાખલ કરવામાં આવી હતી
NEET પરિણામ પર પ્રતિબંધ મૂકવા માટે 10 જૂને સુપ્રીમ કોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી. અરજીકર્તાઓએ NEET-UG પરીક્ષા 2024માં ગ્રેસ માર્ક્સ આપવામાં મનસ્વીતાનો આક્ષેપ કર્યો હતો. અરજદારોએ એ હકીકત પર પણ શંકા વ્યક્ત કરી હતી કે એક પરીક્ષા કેન્દ્રના 67 ઉમેદવારને 720 માંથી પૂરેપૂરા માર્ક્સ મળ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી નવી અરજીમાં 5 મેના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષાના પેપર લીકની વ્યાપક ફરિયાદો પણ ટાંકવામાં આવી હતી. તેલંગાણા અને આંધ્રપ્રદેશ તરફથી અરજી દાખલ કરવામાં આવી
અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પરિણામમાં ગ્રેસ માર્ક્સ આપવા એ NTAનો મનસ્વી નિર્ણય. વિદ્યાર્થીઓને 718 કે 719 ગુણ આપવા માટે કોઈ ગાણિતિક આધાર નથી. આ અરજી અબ્દુલ્લા મોહમ્મદ ફૈઝ અને ડો. શેખ રોશને દાખલ કરી હતી, જેઓ વિદ્યાર્થી કલ્યાણ માટે કામ કરે છે. આ બંને આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વિદ્યાર્થીઓના કલ્યાણ માટે કામ કરે છે. 20,000 વિદ્યાર્થીએ ફરિયાદ કરી
લગભગ 20,000 વિદ્યાર્થીએ સમગ્ર દેશમાં NEET-UG 2024ને લઈને વિવિધ રાજ્યોમાં અરજી કરી હતી, જેમાં પરીક્ષામાં ગેરરીતિની ફરિયાદ કરવામાં આવી હતી. ગ્રેસ માર્ક્સ સામે દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, NTAએ હજુ સુધી એ નથી જણાવ્યું કે વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવા માટે તેમણે કઈ પદ્ધતિ અપનાવી. એ જ સમયે પરીક્ષા પહેલાં એનટીએ દ્વારા જારી કરાયેલી માહિતી બુલેટિનમાં ગ્રેસ માર્ક્સ આપવાની જોગવાઈનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. આવી સ્થિતિમાં કેટલાક ઉમેદવારોને ગ્રેસ માર્ક્સ આપવા યોગ્ય નથી. 2015માં કોર્ટના આદેશને કારણે AIPMTને રદ કરવી પડી હતી
2015માં મેડિકલ પ્રવેશ માટેની AIPMT પરીક્ષા પેપર લીકને કારણે રદ કરવામાં આવી હતી. સીબીએસઇએ કોર્ટને જણાવ્યું હતું કે લીકમાં માત્ર 44 વિદ્યાર્થી સામેલ હતા, પરંતુ કોર્ટે આ દલીલ સ્વીકારી ન હતી અને ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી. NTAએ ફરિયાદીઓને જવાબો આપ્યા હતા
NEET પરિણામોમાં ગેરરીતિના આરોપો પછી NTAએ એક પ્રેસ-કોન્ફરન્સ યોજીને ફરિયાદીઓના પ્રશ્નોના જવાબ આપ્યા હતા. પ્રશ્ન: 67 ઉમેદવારે AIR 1 કેવી રીતે મેળવ્યું?
જવાબ: NTAએ કહ્યું હતું કે 67 વિદ્યાર્થી 720 માર્ક્સ મેળવ્યા છે, તે બધાને ટોપર ગણવામાં આવશે નહીં. આન્સર કીમાં ફેરફારને કારણે 67માંથી 44 વિદ્યાર્થીને બોનસ માર્ક્સ મળ્યા છે, જેના કારણે આ વિદ્યાર્થીઓએ પર્ફેક્ટ સ્કોર કર્યો છે. પ્રશ્ન: 44 વિદ્યાર્થીને ગ્રેસ માર્ક્સ કયા આધારે આપવામાં આવ્યા?
જવાબ: પરીક્ષામાં રસાયણશાસ્ત્ર વિભાગમાં અણુ સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જવાબ કીમાં વિકલ્પ 1 સાચો હતો. જૂના NCERT પુસ્તક મુજબ વિકલ્પ 3 સાચો હતો. જેમણે વિકલ્પ 3 સિલેક્ટ કર્યો હશે તેમને બોનસ માર્ક્સ મળ્યા. પ્રશ્ન: એક જ પરીક્ષા કેન્દ્રમાંથી 6 વિદ્યાર્થીને AIR 1 કેવી રીતે મળ્યો?
જવાબ: આ માત્ર એક સંયોગ છે. જે કેન્દ્રમાંથી 6 ટોપર્સ આવ્યા છે એ કેન્દ્રનું સરેરાશ પરિણામ દેશનાં અન્ય કેન્દ્રોનાં પરિણામો કરતાં પહેલેથી જ વધારે છે. પ્રશ્ન: માર્કિંગ સ્કીમ મુજબ, મહત્તમ સ્કોર 720 અથવા 716 હોઈ શકે છે. તો પછી 718 કે 719 માર્ક્સ કેવી રીતે મેળવશો?
જવાબ: તકનીકી સમસ્યાને કારણે ઉમેદવારોનો સમય વેડફાયો હતો અને તેમને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા. આ કારણોસર કુલ માર્ક્સ 718 અથવા 719 થઈ ગયા છે. પ્રશ્ન:નિર્ધારિત તારીખના 10 દિવસ પહેલાં પરિણામ શા માટે જાહેર કરવામાં આવ્યું?
જવાબ: 23 લાખ વિદ્યાર્થીઓની પ્રવેશપ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા માટે પરીક્ષાનું પરિણામ 30 દિવસમાં જાહેર કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીએ પણ NEETના પરિણામ પર સવાલો ઉઠાવ્યા હતા
NEET પરિણામમાં ગેરરીતિના આરોપો બાદ તેના પર રાજકારણ શરૂ થયું હતું. કોંગ્રેસના નેતા કે.સી. વેણુગોપાલે 8 જૂને લોકસભાને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે NEET 2024ની નિષ્પક્ષ તપાસની માગ કરી હતી. આ પછી 9 જૂને કોંગ્રેસનેતા રાહુલ ગાંધીએ પણ ફેસબુક પર લખ્યું હતું કે શિક્ષણ-માફિયાઓ સાથે કામ કરવું ખૂબ જ જરૂરી. નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. NEET પરિણામ સંબંધિત નવી ફરિયાદો સામે આવી
પરીક્ષામાં ગેરરીતિની નવી ફરિયાદો પણ સામે આવી હતી. સોશિયલ મીડિયા પર એક યુઝરે અંજલિ નામની વિદ્યાર્થિનીની NEET-UG અને 12માની બોર્ડની પરીક્ષાની માર્કશીટ શેર કરી હતી. આ મુજબ 12માં નાપાસ થયેલા વિદ્યાર્થીને NEETમાં 705 માર્ક્સ મળ્યા હતા. ભોપાલની એક વિદ્યાર્થીનીનું કહેવું હતું કે, તેના સ્કોરકાર્ડમાં 340 માર્ક્સ હતા જ્યારે આન્સર કી સાથે મેચ કર્યા બાદ તેને 617 માર્ક્સ મળવા જોઈએ. એવી જ રીતે લખનઉની આયુષી પટેલે આરોપ લગાવ્યો કે તેની OMR શીટ જાણીજોઈને ફાડી નાખવામાં આવી હતી. મારી આન્સરશીટ ફાટી ગઈ હતી: વિદ્યાર્થી
લખનઉની આયુષી પટેલે પોતાનો વીડિયો ફક્ત X પર શેર કર્યો હતો. આ વીડિયોમાં આયુષીએ જણાવ્યું હતું કે, જ્યારે 4 જૂને પરિણામ આવ્યું ત્યારે તેનું પરિણામ સાઈટ પર જનરેટ થયું ન હતું. તેણે વિચાર્યું કે એ સર્વર સમસ્યા હોઈ શકે, કારણ કે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓ તેમનાં પરિણામો તપાસી રહ્યા હતા. 24 કલાકમાં ક્ષતિગ્રસ્ત OMR શીટનો ફોટો મળ્યો
24 કલાકની અંદર તેને NTA તરફથી એક મેલ મળ્યો. આ મેઇલમાં લખવામાં આવ્યું હતું કે ઉમેદવારની OMR શીટ બગડી ગઈ છે, જેના કારણે તમારું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. તેણે એ જ સાંજે એટલે કે 24 કલાકની અંદર એ જ મેઈલ પર જવાબ આપ્યો અને તેની ક્ષતિગ્રસ્ત OMR શીટ તેને મોકલવાની વિનંતી કરતો ફેક્સ મેઈલ પણ મોકલ્યો. NTAએ એ જ મેઇલ પર OMR શીટનો ફોટો મોકલ્યો હતો, જેમાં તમામ જવાબો સ્પષ્ટ દેખાતા હતા. વિદ્યાર્થીએ કહ્યું હતું કે OMR શીટ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ હતી અને એનો QR જોતાં એવું લાગી રહ્યું હતું કે જાણે એને જાણીજોઈને ફાડી નાખવામાં આવ્યું હતું. 12મા બોર્ડની પરીક્ષામાં નાપાસ, NEETમાં 705 માર્ક્સ
એક વપરાશકર્તા પ્રતીક આર્યને તેના ટ્વીટમાં વિદ્યાર્થી અંજલિ પટેલની બોર્ડની માર્કશીટ અને NEET સ્કોરકાર્ડ શેર કર્યું હતું. અંજલિ બોર્ડની માર્કશીટમાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્રમાં નાપાસ થઈ હતી. જ્યારે NEETના પરિણામમાં તેને 720માંથી 705 માર્ક્સ મળ્યા હતા. આનાથી પ્રશ્ન ઊભો થયો હતો કે જો બોર્ડની પરીક્ષામાં કોઈના માર્ક્સ ઓછા હશે તો તે ઉમેદવાર પરીક્ષામાં હાજર રહી શકશે નહીં. NEET-UG જેવી અખિલ ભારતીય સ્તરની પ્રવેશ પરીક્ષામાં આટલા માર્ક્સ કેવી રીતે મેળવી શકાય. જ્યાં સ્પર્ધા કોઈ બોર્ડ કે શાળામાંથી નહીં, પરંતુ 23 લાખથી વધુ વિદ્યાર્થીઓની હોય છે. આન્સર કી મેચ કર્યા બાદ 617 માર્ક્સ મળ્યા હતા, પરિણામમાં 340 માર્ક્સ મળ્યા
ભોપાલ મધ્યપ્રદેશની નિશિતા સોનીએ પણ જબલપુર હાઈકોર્ટમાં અરજી કરી હતી. નિશિતાના પિતાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, જ્યારે 30 મેના રોજ આન્સર કી જાહેર થયા બાદ નિશિતાએ જવાબો મિક્સ કર્યા ત્યારે તેમના અનુસાર તેના માર્ક્સ 617 હતા. 4 જૂને જ્યારે ફાઈનલ સ્કોર કાર્ડ આવ્યું ત્યારે એમાં માર્ક્સ અડધા એટલે કે 340 હતા. ગ્રેસ માર્ક્સ ન મળવા સામે અરજી દાખલ
8 જૂને રાજસ્થાનની તનુજાએ પણ રાજસ્થાન હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેમનું કહેવું હતું કે OMR શીટ તેમને મોડેથી આપવામાં આવી હતી અને વહેલા પરત લેવામાં આવી હતી. આમ હોવા છતાં તેને કોઈપણ પ્રકારના ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.